હિમા દાસ છે ભારતની નવી એથ્લેટિક્સ સનસની…

વિશ્વસ્તરે ભારતીય એથ્લેટિક્સ અને ભારતનું નામ એક વધુ છોકરીએ રોશન કર્યું છે. આ છોકરી છે 18 વર્ષની હિમા દાસ, જેણે ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલી ભારતીય બની છે.

આ પૂર્વે કોઈ પણ ભારતીય એથ્લીટે આ સિદ્ધિ હાંસલ કરી નહોતી.

આ ગોલ્ડ મેડલ જીતવા બદલ આસામના એક ગામડાની હિમા જેટલી અભિનંદનને પાત્ર છે એટલો જ એનો કિસાન પરિવાર પણ છે.

12 જુલાઈના ગુરુવારે, હિમા ફિનલેન્ડના ટેમ્પીયર શહેરના રેટિના સ્ટેડિયમમાં ફાઈનલ દોડમાં બંદૂકમાંથી ગોળી છૂટે એવી સ્પીડમાં દોડી હતી અને 51.46 સેકંડના સમય સાથે પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. હિમાની પાછળ આવેલી બે છોકરીમાં એક રોમેનિયાની હતી અને બીજી અમેરિકાની હતી. રોમાનિયાની એન્ડ્રીયાએ 52.07 સેકંડનો સમય નોંધાવ્યો હતો તો અમેરિકન છોકરી 52.10 સેકંડ સાથે ત્રીજી આવી હતી.

કોણ છે હિમા દાસ?

હિમા આસામના નાગાંવ જિલ્લાના ઢીંગ ગામની રહેવાસી છે. એનાં પિતા ખેડૂત છે અને ડાંગરના ખેતરમાં કામ કરે છે. પિતા રોન્જિત દાસ પાસે બે વિઘા (0.4 એકર) જમીનનો પ્લોટ છે અને એની માતા જુનાલી ગૃહિણી છે. જમીનના આ ટુકડા પર જે ખેતી થાય છે એની પર આ પરિવારનો ગુજારો થાય છે.

હિમા તો નાનપણમાં એનાં ગામમાં કાદવ-કીચડમાં ફૂટબોલ રમતી, પણ એક સ્થાનિક એથ્લેટિક્સ કોચે એને જોઈને સલાહ આપી હતી કે તું એથ્લેટિક્સની રમતમાં આગળ વધ.

હિમા રમતગમતમાં આગળ વધે એવી એનાં માતાપિતાની ઈચ્છા નહોતી. કારણ કે, એ વખતે હિમા સગીર વયે પહોંચી હતી અને એથ્લેટિક્સની તાલીમ માટે એણે ગુવાહાટી શહેરમાં મોકલવી પડે. ગુવાહાટી હિમાનાં ગામથી 150 કિ.મી. દૂર છે.

કોચે છેવટે હિમાનાં માતાપિતાને સમજાવવામાં સફળતા મેળવી અને તેઓ પોતાની સાથે હિમાને ગુવાહાટી લઈ ગયા હતા. ત્યાં નિપોન દાસ નામના એથ્લેટિક્સ કોચ સાથે હિમાનો પરિચય થયો. નિપોન દાસ તો હજી માત્ર 2017ના જાન્યુઆરીથી જ હિમાનાં પરિચયમાં આવ્યા હતા અને હિમાનો આત્મવિશ્વાસ જ કોચની સફળતાનો આધાર બની ગયો.

નિપોન દાસનું કહેવું છે કે હિમાની દોડ વિશે પોતે જરાય ચિંતીત નહોતા, કારણ કે એ જાણતા હતા કે હિમાની ખરી દોડ તો અંતિમ 80 મીટરમાં જ શરૂ થતી હોય છે. ભારત સરકાર દ્વારા સંચાલિત ડાયરેક્ટોરેટ ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ વેલ્ફેર સંસ્થા માટે કામ કરતા હતા.

ગુવાહાટીમાં સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની નજીક જ નિપોન દાસે હિમાને એક ભાડાંનું ઘર અપાવ્યું હતું. હિમા તો ગુવાહાટીમાં તાલીમ લેવાની શરૂઆત કરતાવેંત સૌને પ્રભાવિત કરવા માંડી હતી.

હિમાએ એથ્લેટિક્સ ટ્રેક પર રનર તરીકે પદાર્પણ કર્યું એને હજી તો માંડ એક વર્ષ જ થયું છે અને તાબડતોબ ચમકવા માંડી હતી.

ત્યારબાદ હિમાએ માર્ચ મહિનામાં પટિયાલામાં યોજાયેલી ફેડરેશન કપ સ્પર્ધામાં 400 મીટરની રેસમાં ગોલ્ડ જીત્યો હતો અને એ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય થઈ હતી. ગોલ્ડ કોસ્ટમાં રમાઈ ગયેલી કોમનવેલ્થ ગેમ્સમાં એણે 51.32 સેકંડનો સમય નોંધાવ્યો હતો. જે વાસ્તવમાં, એ સ્પર્ધામાં ભારતનો અન્ડર-20 વિક્રમ બની ગયો છે.

કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરની ફાઈનલમાં પહોંચી હતી અને છઠ્ઠા ક્રમે આવી હતી.
હાલમાં જ ગુવાહાટીમાં રમાઈ ગયેલી નેશનલ આંતર-રાજ્ય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને એ ઈન્ડોનેશિયામાં ઓગસ્ટમાં નિર્ધારિત એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ છે.

રાષ્ટ્રીય સ્તરે, હિમા નેશનલ રેકોર્ડ ધરાવે છે. રાષ્ટ્રીય આંતરરાજ્ય સ્પર્ધામાં 400 મીટરની દોડમાં એણે 51.13 સેકંડનો સમય નોંધાવ્યો હતો.

હિમા દાસ ભવિષ્યમાં આ રીતે વિશ્વસ્તરે દેશનું નામ રોશન કરતી રહે એવી શુભેચ્છા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકર પણ હિમાની સિદ્ધિથી પ્રભાવિત અને ખુશ થયા છે અને ટ્વીટ કરીને એને અભિનંદન આપ્યા છે.