ધોની માટે નિવૃત્ત થવાનો સમય આવી ગયો?

એક વીડિયો ક્લિપને કારણે જોરદાર ચર્ચા જામી છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. આ વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન ટેસ્ટક્રિકેટમાંથી તો નિવૃત્ત થઈ ચૂક્યો છે. વન-ડે અને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં હજી રમે છે. ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ ભારત 1-2થી હારી ગયું. એ મેચોમાં ધોની જે ધીમી ગતિએ રમ્યો એને કારણે ઘણા લોકો નારાજ થયા જ હતા ત્યાં સિરીઝની નિર્ણાયક મેચ પૂરી થયા બાદ પેવિલિયનમાં પાછા ફરતી વખતે ધોનીએ અમ્પારો પાસેથી બોલ લીધો એ વીડિયો ઝલકે એવી અફવાઓ ઉડાડી છે કે ધોની નિવૃત્ત થઈ રહ્યો છે એનો આ સંકેત છે.

ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ તો તરત જ ખંડન કરી દીધું છે કે ધોની નિવૃત્ત થવાનો નથી.

દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકરનું કહેવું છે કે નિવૃત્ત ક્યારે થવું એ નિર્ણય ધોનીને જ લેવા દેવો જોઈએ. એની પર કોઈ પ્રકારનું દબાણ થવું ન જોઈએ. તેંડુલકરે કહ્યું કે છેલ્લી મેચોમાં કંગાળ બેટિંગને કારણે ધોની પર ટીકાની ઝડી વરસી રહી છે, પણ મર્યાદિત ઓવરોની ફોર્મેટમાંથી ક્યારે નિવૃત્ત થવું એ ધોની સારી રીતે જાણે છે.

તેંડુલકર ધોનીના નેતૃત્વ હેઠળ રમ્યા હતા અને ધોનીની જે ટીમે 2011માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી એમાં તેંડુલકર એક સભ્ય હતા.

શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ધોની એ બોલ માત્ર ટીમના બોલિંગ કોચ ભરત અરૂણને બતાવવા માગતો હતો એટલે અમ્પાયરો પાસેથી એ લીધો હતો.

37 વર્ષીય ધોનીએ લીડ્સ વન-ડે મેચમાં 66 બોલમાં 44 રન કર્યા હતા અને લોર્ડ્સ મેચમાં 59 બોલમાં 36 રન કર્યા હતા. લોર્ડ્સમાં તો ભારતીય દર્શકોએ એનો હુરિયો પણ બોલાવ્યો હતો.

બીજી વન-ડે મેચ બાદ સુનીલ ગાવસકરે લખ્યું હતું કે, ધોનીએ 58 બોલમાં 37 રન કર્યા એ જોઈને મને મારી મારી ધીમા દાવવાળી મેચ યાદી આવી ગઈ. ધોનીનો સંઘર્ષ સમજી શકાય ચે, કારણ કે કેટલીક પરિસ્થિતિમાં વિકલ્પ મર્યાદિત બની જાય છે અને મન નકારાત્મક બની જાય છે. દરેક સારા શોટ્સ વખતે બોલ સીધો ફિલ્ડર પાસે જાય છે અને ડોટ બોલનો ઉમેરો થાય છે. મેં આ જ મેદાન પર ખૂબ ધીમો દાવ ખેલ્યો હતો, જેની યાદ મને આજે ફરી આવી ગઈ.

ધોનીની ધીમી બેટિંગને કારણે એવી અફવાઓ ફેલાઈ છે કે એ કદાચ 2019ની ODI વર્લ્ડ કપમાં નહીં રમે. ગયા વર્ષે ચીફ સિલેક્ટર એમ.એસ.કે. પ્રસાદે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે ધોની એના સ્લોટ તેમજ વિકેટકીપર તરીકે ટીમની નંબર-વન પસંદગી રહેશે.

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આશા છે કે ધોની સંયુક્ત આરબ અમિરાતમાં રમાનાર એશિયા કપની મેચોમાં એનું બેટિંગ ફોર્મ ફરી પ્રાપ્ત કરી લેશે અને ફરી રન બનાવતો થઈ જશે.