નિરોગી રહેવાની ચાવી આપણા હાથમાં છેઃ યોગ માસ્ટર સંદીપ દેસાઈ

સંદીપ દેસાઈ મુળ ગુજરાતી એવા તાઈ ચી, માર્શલ આર્ટ, કરાટે-જૂડો અને યોગના માસ્ટર છે. તેઓ છેલ્લા 27 વર્ષ યોગમાં અને 40 વર્ષથી માર્શલ આર્ટમાં યોગદાન આપી રહ્યા છે, અને કેટલાય શિક્ષકોને યોગ શીખવ્યા છે, તેમજ તેમણે પણ અનેક બોલીવુડ સેલિબ્રિટીઝથી માંડીને પ્રધાનોને તેમજ હોસ્પિટલમાં યોગ શીખવ્યા છે. તથા વિવિધ હોસ્પિટલમાં વર્કશોપ કરીને યોગનું મહત્વ સમજાવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ ફેસ્ટીવલમાં તેમણે ભાગ લીધો છે. ટેડેક્સમાં પણ સ્પીકર તરીકે ભાગ લઈને યોગના ફાયદા લોકો સુધી પહોંચાડવાનું અદકેરુ કામ કર્યું છે. સાન્સાઈ સંદીપ દેસાઈ સ્વભાવે સરળ અને એકવડિયો બાંધો પણ કસાયેલ શરીર સાથે યોગ કરે છે. તાઈ ચી કરે છે, કરાટે કરે છે, ત્યારે આપણને એમ થાય કે તેમનું શરીર જબરા વળાંકો લે છે. આ તેમની નિયમિત પ્રેકટીસનું પરિણામ છે. અને તેઓ જાહેર જનતાને સવારે વહેલા ઉઠીને યોગ કરવા કે હળવી કસરત કરવા અપીલ કરે છે. પંદરકે વીસ મીનીટ વહેલા સુઈ જાવ અને સવારે 15 મીનીટ વહેલા ઉઠી જાવ, સવારે યોગ કરો, હળવી કસરતો કરો… નિરોગી રહેવાની ચાવી આપણા હાથમાં છે, તો પછી તે ચાવીનો આપણે કેમ ઉપયોગ ન કરીએ.

સેન્સાઈ સંદીપ દેસાઈની chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલે એક્સક્લૂસિવ મુલાકાત લીધી છે. તો જોઈએ આ મુલાકાત.

પ્રશ્ન-1 અષ્ટાંગ યોગ અને તાઈ ચીના આપ નિષ્ણાત છો, તો મારે આપની પાસેથી એ જાણવું છે કે આ બન્નેનું ફરક છે અને શુ સામ્ય છે.?

જવાબ- પહેલા તો હું સ્પષ્ટતા કરવા માંગુ છું, કે આપણે યોગનું યોગા કરી નાંખ્યું છે, અને તાઈ જીનું વેસ્ટર્ન લોકોએ તાઈ ચી કરી નાંખ્યું છે. ચાઈનીઝ લોકો તેને તાઈ જી તરીકે ઓળખે છે. મારી દ્રષ્ટ્રીએ બન્ને માઈન્ડ અને બોડી ડેવલપમેન્ટ માટે આર્ટ, સાયન્સ અને ફિલોસોફી એકસાથે સંકળાયેલા છે. તાઈ ચીએ ચાઈનાની નેશનલ હેલ્થ એક્સરસાઈઝ છે. આપણાં યોગ પણ વર્ષોથી ભારતમાં છે, અને તેને આર્યુવૈદ સાથે સાંકળી લેવામાં આવે છે. તેના ફાયદાઓ વિશે જણાવું તો તાઈ ચીના અગણિત ફાયદાઓ છે. તાઈ ચી એક ફિલોસોફી છે, એક સીસ્ટમ ઓફ હેલ્થ એન્ડ હીલીંગ છે. તે સેલ્ફ ડીફેન્સ છે અને યોગ ભારતીય સાયન્સ સાથે જોડાયેલું છે, અને આત્મા સાથેના સંબધ છે. મારી દ્રષ્ટ્રીએ બન્નેનો હેતુ એ છે કે આપણે જે તનાવભરી જિંદગી જીવી રહ્યા છીએ જેમાં આપણને યોગ્ય એક્સરસાઈઝ નથી મળતી, આપણા શરીર પ્રત્યેની અવેરનેસ જતી રહી છે, વિચારો પણ બદલાયા છે. આ યોગ આપણને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ફરક માત્ર એટલો છે કે તાઈ ચીએ માર્શલ આર્ટ છે, યોગા એ માર્શલ આર્ટ નથી. પણ યુવાનો તાઈ ચી પ્રત્યે વધુ આકર્ષિત થઈ રહ્યા છે, કારણ કે યુવાનોને થોડુક ચેલેન્જિંગ કરવું ગમે છે. થોડુ ડાયનેમિક હોય તો વધુ અપીલ કરે છે. અષ્ટાંગ યોગને પણ હમણાથી વધુ એટેન્શન મળી રહ્યું છે. યુવાનોએ અષ્ટાંગ યોગને સ્વીકાર્યો છે. યોગ એટલે હળવા આસન કરવાના કે હળવી કસરત કરવાની… એવી સામાન્ય છાપ પ્રવર્તે છે, પણ એવું નથી. ખાસ કરીને તેમાં જીમનેસ્ટિક્સનો ભાગ છે, એથલેટિક લાગે છે. બન્ને આર્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહી છે.

પ્રશ્ન-2 યોગએ ભારતમાં શરૂ થયો હતો., હવે જ્યારે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગને કેટલું મહત્વ મળી રહ્યું છે?

જવાબ- ઓહ… ખુબ જ પ્રોત્સાહક રીસ્પોન્સ મળી રહ્યો છે. બધા જ દેશોમાંથી આવકાર મળી રહ્યો છે. હું હમણા જ ઋષિકેશમાં આંતરાષ્ટ્રીય યોગ ફેસ્ટીવલમાં યોગ શીખવવા ગયો હતો. ત્યાં 97 દેશોના લોકોએ ભાગ લીધો હતો અને 2000 લોકો જોડાયા હતા. તેના પરથી ખ્યાલ આવે છે કે આ આર્ટ હવે વિશ્વના ખુણેખુણે પહોંચી રહી છે.

પ્રશ્ન-3 હાલના માનવીની માનસિક તણાવભરી જિંદગી થઈ ગઈ છે. તો યોગ માનસિક તણવાને કેવી રીતે દૂર કરે છે.

જવાબ- પહેલો પ્રશ્ન એ છે કે તણાવ શેના લીધે સર્જાય છે? તમે પોતે ઝીણવટથી વિચારો ત્યારે ખબર પડે છે કે તણાવ ઉભો થવા પાછળ આપણા ફયુચરના વિચારો છે. અથવા તો પાસ્ટમાં કોઈ એવા બનાવો બન્યા હોય. જૂની યાદોને તમે યાદ કરો તો મન દુખી થાય છે. પણ તમે યોગા કે તાઈ ચી કરો ત્યારે તમે વર્તમાનમાં આવો છો. જ્યારે તમે વર્તમાનમાં આવો ત્યારે વિચારો બધા પોઝિટિવ થઈ જાય છે. શ્વાસ લઈ શકું છું, હુ યાદ રાખી શકી છું, બેસી શકું છું, હું વિચારી શકું છું, જ્યારે વર્તમાન મોમેન્ટ જતી રહે ત્યારે જ આ બધા પ્રશ્નો ઉભા થાય છે.

પ્રશ્ન-4 આપ તાઇ ચી માર્શલ આર્ટના પણ નિષ્ણાત છો તેના વિશે અગત્યની વાત કઇ છે જે આપ અમારા દર્શકોને કહેવા ઇચ્છશો.?

જવાબ- આજના જમાનામાં તાઈ ચીએ ખુબ જ પ્રેકટિકલ છે. તાઈ ચીના પ્રિન્સિપલ ખુબ જ અગત્યના છે. તે જીવન જીવવામાં મદદગાર સાબિત થાય છે. હું આપને નાનકડુ ઉદાહરણ આપુ… હું અંધેરી રહ્યું છું અને ટ્રેનમાં મારે ચર્ચગેટ જવું છે. ટ્રેનમાં ખુબ ગિર્દી છે. ટ્રેનમાં ઉભાઉભા સફર કરવી પડે છે. ટ્રેનમાં જ સ્ટેન્ડિંગ પોઝસ્ચરમાં ઉભો રહું તો કોઈપણ જાતના થાક વગર એક કલાક સુધી ઉભા રહીને હું યોગ કરી અને મારા ડેસ્ટીનેશન સુધી પહોંચી શકું છું. આ બહુ જ પ્રેકટિકલ છે. સ્લો પણ કરી શકાય અને ફાસ્ટ પણ કરી શકાય. તેની બધી એક્ટિવિટી એક સર્ક્યુલરમાં થતી હોય છે, જેને કારણે એનર્જિનો ફ્લો વધે છે. તમારો સ્ટેમિના બિલ્ટઅપ થાય, તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સારી થાય. આપણે જે આખો દિવસ વિચારો કર્યા કરતાં હોઈએ તો તેમાંથી આપણને યોગ બહાર કાઢે છે. આપણા શરીરની અંદર પણ એક વિશ્વ છે. સુખની શોધમાં આપણે બહાર ભટકી રહ્યા છીએ. યોગ આપણને અંદર લઈ જાય છે.

પ્રશ્ન-5 નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે તમને સન્માનિત કર્યા હતા, અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે, તેઓ પણ યોગ કરે છે, તો તેમને મળવાનો અનુભવ કેવો રહ્યો?

જવાબ- જરૂર…જરૂર…. હું તો એમને મળીનો તેમનો બહુ મોટો ફેન થઈ ગયો છું. હું તેમને મળવા ગયો 2011માં ત્યારે તેમણે મને 17 મીનીટનો સમય આપ્યો હતો. તે મારા માટે બહુ મોટી ગીફટ હતી. ત્યારે મે તેમને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું તાઈ ચીનું… તેમણે મારી ડીવીડી અને બુક પણ એન્ડોર્સ કર્યા. તેમણે મારી વાતને એટલુ જ મહત્વ આપ્યું. આઉટ ઓફ ધ વે જઈને તેમણે સુચના આપી કે સંદીપભાઈનો જેટલો લાભ લેવાય તેટલો લ્યો. તે પછી અમે અમદાવાદના પોલીસ માટે સ્ટ્રેસ રીલીફનો વર્કશોપ કર્યો, યુનિવર્સિટીના યુવાનો માટે વર્કશોપ કર્યો, નરેન્દ્રભાઈએ મને પુછ્યું કે તમારે ગવર્મેન્ટ પાસેથી શું જોઈએ છે? ત્યારા મારી અચરજનો પાર જ ન રહ્યો… આ સાંભળીને હું તેમનાથી પ્રભાવિત થઈ ગયો. તેમણે કેટલા ઝડપથી રીએક્શન આપ્યા. તેમની વાતમાં શુભભાવના હતી. તેઓ યોગ માટે કંઈક કરવા માગે છે. તે મને ખુબ જ ગમ્યું હતું.

પ્રશ્ન-6 દેશવિદેશમા આપના અનેક ચાહકો છે, જેમાં સેલિબ્રિટી- ઋતિક રોશન, વિવેક ઓબેરોય, રજત કપુર, સુનીલ શેટ્ટી પણ છે, તો તેમની સાથે એક શીખવનાર ગુરુ તરીકેનો અનુભવ કેવો રહે છે, કોઇ ખાસ પ્રસંગ શેર કરવા ઇચ્છશો?

જવાબ- જરૂર… મારી આ 40 વર્ષની જર્નીમાં અનેક સેલિબ્રિટીને શીખવવાનો ચાન્સ મળ્યો છે. બધી સેલિબ્રિટી સાથેના મારા અનુભવો વિશિષ્ટ જ રહ્યા છે. પણ ઋતિક રોશન સાથેનો મારો અનુભવ આપની સાથે શેર કરીશ. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમના ઘૂંટણમાં તકલીફ હતી, ત્યારે મે તેમને તાઈ ચીની કેટલીક મુવમેન્ટ બતાવી તો એમણે એમ કહ્યું કે અરે આ તો મારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે તેમ છે. ત્યારે રમુજમાં મે તેમને કહ્યું કે તમારો ફેન તમારા ઓટોગ્રાફ માંગતો હશે. પણ હું આજે મારા ઓટોગ્રાફ સાથે તાઈ ચી પર લખાયેલી નાની બુક આપીશ, ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યા હતા. તે મારા માટે વિસ્મરણીય પ્રંસગ રહ્યો.

અને હમણા જ મને રણવીરસિંહ સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. આપણે કોઈને શીખવતા હોઈએ ત્યારે આપણને સામેથી શીખવા પણ મળતું હોય છે. એકટર લોકોએ કેટલા વર્સેટાઈલ રહેવું પડે છે. તેમની મહેનત અને લગન જોઈને હું ઘણો પ્રભાવિત થયો છું.

પ્રશ્ન-7 આપે એપોલો હોસ્પિટલ, લીલાવતી હોસ્પિટલ, હિન્દુજા હોસ્પિટલમાં વર્કશોપ કર્યા છે, ડોકટર કે કોઈ દર્દી તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો છે કે તે સાજો થઈ ગયો કે પછી તેને પહેલા કરતા સારુ ફિલ થતું હોય?

જવાબ- મને તાઈ ચીને એક થેરાપી તરીકે ખુબ જ જોરદાર તરીકે પ્રતિસાદ મળ્યો છે. મે ન્યૂરો સર્જન સાથે કામ કર્યું છે, એન્કોલોજીસ્ટ માટે કામ કર્યું છે. હિન્દુજા હોસ્પિટલમાં કેન્સરના દર્દી માટે સ્ટ્રેસ રીલીફ માટે તે લોકો કેવી રીતે બહાર નિકળી શકે, તે માટે પણ પ્રયાસ કર્યો છે, અલઝાઈમર અને પાર્કિસન્સવાળા દર્દીઓ માટે પણ કામ કર્યું છે. મારા કલાસમાં 80 વર્ષના વૃદ્ધ આવતા હતા, તેમને પાંચ-છ સીટીંગમાં એટલો બધો ફેરફાર જોવા મળ્યો હતો. તાઈ ચીમાં મુવમેન્ટને બ્રેથ સાથે તમે કોઓર્ડિનેટ કર્યું તેના કારણે તેમની સ્ટેબિલિટીમાં ઘણું બધુ ઈમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું હતું. તેના કારણે મને ખુબ જ પ્રોત્સાહન મળ્યું હતું. આ સફળતા મળ્યા પછી મને પોતાને થયું કે ડૉકટરોને મળીને મારા આ પ્રયત્નોને સતત ચાલુ જ રાખવા જોઈએ.

પ્રશ્ન-8 અમારા જેવા સર્વિસ કરતાં લોકો સતત 8થી 12 કલાક કામ કરે છે, તો સ્ટ્રેસ અને થાકમાંથી મુક્તિ મળે તે માટે કોઈ યોગ છે ખરો…

જવાબ- બિલકુલ… બિલકુલ… મોટાભાગના લોકો આજે સ્ટ્રેસમાં જીવે છે. સ્ટ્રેસ એ જીવનનો એક ભાગ છે, તેને કયારેય તમે સંપૂર્ણરીતે દૂર નથી કરી શકવાના. યોગા એ આર્ટ છે, તે શીખવા માટે તમારે સૌથી પહેલા યોગ્ય શિક્ષક શોધવા પડે. તાઈ ચીના શિક્ષકો અત્યારે બહુ જ ઓછા છે. આ બાબતને લઈને હું ઘણીવાર બેચેન થઈ જાઉ છું. ઘણાબધા લોકોને શીખવું છે, પણ પુરતા ટીચર્સ નથી. જે પછી મે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કર્યા છે. મારી રીતે મને શિક્ષકો તૈયાર કરવાની તક મળે છે, તે હું જવા નથી દેતો. પણ ટીચર(ગુરુ) શોધવા બહુ જરૂરી છે. આ બધી આર્ટ તમે પુસ્તક વાંચીને કે વીડિયો જોઈને ન શીખી શકો, તે તમને પરિચય કરાવી શકે છે. જીવનમાં જે જરૂરી છે, તેના માટે તમે સમય કાઢો. પંદર-વીસ મીનીટ વહેલા ઉઠી જાવ. પંદર મીનીટ વહેલા સુઈ જાવ. જો તમે ચાહો તો તમને પંદર મીનીટનો સમય તાઈ ચી કરવા માટેનો સમય મળી શકે તેમ છે. યોગ પણ કરી શકો છો. એકાદ બે હળવા આસનો કરી લો. તો તમે હળવાફૂલ થઈ જશો, અને દિવસની શરૂઆત જ પોઝિટિવ નોટથી કરો. કોઈ સ્ટ્રેસ કે થાક  રહેશે નહી. દિવસ દરમિયાન તમે જેને જેને મળશો તો તમારામાં ચીયરફુલનેસ રહેશે. ડેડિકેશન જોવા મળશે.

પ્રશ્ન-9 આજના યુવાનોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, રાત્રે સુવાનો સમય સવારે ઉઠવાનો સમય બદલાઈ ગયો છે, ખાણીપીણીની પધ્ધતિ બદલાઈ ગઈ છે. તો આવા યુવાનોને આપ શુ ટિપ્સ આપશો?

જવાબ- હા… આ બહુ જ અગત્યનો સવાલ છે. આના માટે હું એમ કહીશ કે ભગવાને આપણને જીવન આપ્યું છે તો આપણને આનંદ મળવો જોઈએ, મોજ મસ્તી કરવી જોઈએ, હોટલમાં જઈને ખાવું પીવું જોઈએ, પણ તે કરતાં પહેલા આપણા ફંડામેન્ટલ્સ સ્ટ્રોંગ હોવા પણ એટલા જ જરૂરી છે. નોન વેજ કે ભારે ખોરાક પચે તેવું ખાશો તો મુશ્કેલીઓ ઉભી થશે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મેંદાવાળું ફૂડ નહી ખાવું જોઈએ. વેજિટેબલ અને ફ્રૂટ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ. કાચા વેજિટબલ વધારે લેવા જોઈએ. વોટર, સુગર અને ફાઈબર વધારે હોય છે. જે આપણા શરીરના સેલ માટે ખુબ જરૂરી છે, તે આપણા શરીરનું ફ્યૂઅલ છે.

હેપ્પી યોગા ડે…