‘હેપ્પી વડાપાવ ડે’: બટેટાવડા-પાવની જોડીનો જોટો ન જડે…

વડાપાવ એટલે મુંબઈવાસીઓનો સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને રાતનું પણ ભોજન. મતલબ કે આ ચીજ મુંબઈગરાંઓ એમની ઈચ્છા થાય ત્યારે ખાય, ટાઈમ ગમે તે હોય. કારણ કે વડાપાવ ચીજ જ એવી છે, નજરે ચડે તો ખાવાનું મન થઈ જાય અને હાથમાં આવે તો ઝાપટી જવાય. મુંબઈ મહાનગરને પ્રસિદ્ધ કરવામાં સ્વાદિષ્ટ, કિંમતમાં વાજબી એવા વડાપાવનું મોટું યોગદાન રહ્યું છે. મુંબઈની ખાદ્ય સંસ્કૃતિ વડાપાવ વગર પૂરી થઈ ન શકે. એવા આ વડા-પાવની જોડી આજે ઉજવી રહી છે જાગતિક વડાપાવ દિવસ.

ભૂખ લાગે ત્યારે વડાપાવ ચીજ એવી છે જેને મુંબઈમાં શોધવા માટે તમારે બહુ દૂર જવું ન પડે. રસ્તા પર ક્યાંકને ક્યાંક તો એનો સ્ટોલ કે લારી મળી જ જાય.

વડાપાવ મુંબઈનું નંબર-1 સ્ટ્રીટ ફૂડ, પણ હવે એ ઘણી રેસ્ટોરન્ટ્માં પણ પિરસાય છે અને ઘર-ઘરમાં બનાવીને લોકો પેટ ભરીને ખાય છે.

આ એવું ફૂડ છે જે સૌને ભાવે અને એમના ખિસ્સાને પણ પરવડે.

વડાપાવની સાથે તીખી-મીઠી ચટણી પણ હોય, તીખાં મરચાં હોય કે સૂકી ચટણી પણ હોય. એક ખાવ તો મન અને પેટ ભરાય નહીં. બે ખાવ તો જ જીવને શાંતિ થાય કે હા હવે બરાબર ખાધું.

મુંબઈમાં વડાપાવ આમ તો દાયકાઓથી સુપરહિટ વાનગી છે. વર્ષોથી અનેક સ્થળોનાં વડાપાવ ફેમસ થયા છે. દાદર, ફ્લોરા ફાઉન્ટન, વરલી, કાલાચોકી (પરેલ), મુલુંડ વગેરે. ગરીબોનું ભોજન વડાપાવ માત્ર મુંબઈમાં જ પ્રિય છે એવું નથી, મહારાષ્ટ્રમાં થાણે, કલ્યાણ, પુણે, નાશિક, કોલ્હાપુર વગેરે સ્થળોએ પણ આ ફૂડ આઈટમ પાછળ અગણિત લોકો ઘેલાં થયાં છે.

મુંબઈની વખણાતી ટેસ્ટી વાનગી વડાપાવ દુનિયાભરમાં ‘મુંબઈ બર્ગર’ તરીકે ઓળખાય છે.

આવા સ્વાદિષ્ટ વડાપાવનાં શોખીનોને જાગતિક વડાપાવ દિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન તો આપવા જ પડે.

આમ થયો વડાપાવનો જન્મ…

એવું કહેનારા ઘણા લોકો મળશે કે ‘મેં વડાપાવ ખાઈને દિવસ કાઢ્યો હતો.’ ગરીબોનું બર્ગર એટલે વડાપાવ એટલે બટેટાનું પૂરણ, એની ઉપર બેસન-ચણાના ખીરા કે લેપનું આવરણ અને વચ્ચેના ભાગેથી કાપેલું એક પાવ. આટલું ખાવ એટલે લગભગ બે કલાકની ભૂખ તો મટી જ જાય.

આ વડાપાવનો જન્મનો પણ એક ઈતિહાસ છે. એનો જન્મ થયો હતો 1966ની સાલમાં. કહેવાય છે કે એ વખતે મુંબઈના દાદર (વેસ્ટ)માં સ્ટેશનની પાસે એક ચાલીમાં રહેતા અશોક વૈદ્ય નામના એક રહેવાસીએ 1960ના દાયકાની શરૂઆતમાં એમના ઘરની પાસે જ બટેટા વડા અને કાંદા-બટેટા પૌવાની દુકાન શરૂ કરી હતી. 1966માં વૈદ્યને થયું હતું કે ગ્રાહકોને એકલા બટેટા વડા વેચવાને બદલે સાથે પાવ પણ આપું તો કેવું. અને એમણે એક પાવને ચપ્પુ વડે વચ્ચેથી કાપીને એમાં બટેટું વડું મૂકીને લોકોને વેચવાનું શરૂ કર્યું. એમના આશ્ચર્ય વચ્ચે એ વાનગી એકદમ હિટ થઈ ગઈ. ગ્રાહકો વડાપાવ આઈટમ પર તૂટી પડ્યા. બટેટા વડા અને પાવની જોડીને લોકોએ તાત્કાલિક સ્વીકારી લીધી. અશોક વૈદ્યનો આ આઈડિયા એવો જામી ગયો કે જોતજોતામાં એ ગાજી ઉઠ્યો અને પછી તો મુંબઈમાં ઠેરઠેર એની કોપી થવા માંડી.