પ્રેમના સપ્તાહની ઉજવણીમાં પ્રેમીપંખીડાઓ થશે મશગુલ…

પ્રેમીઓનાં હરખના દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ભારતમાં, સામાન્ય દિવસે બગીચા કે દરિયાકિનારે કે કોઈ ખૂણે-ખાંચરે ગૂપચૂપ રીતે પ્રેમાલાપ કરતાં લવ-બર્ડ્સ છેલ્લા કેટલાંક વર્ષોથી પશ્ચિમી કલ્ચરની ઓળખ ધરાવતા વેલેન્ટાઈન્સ ડેના દિવસે જાહેરમાં પણ રોમાન્સ કરવામાં ઝાઝી શરમ અનુભવતા નથી. વેલેન્ટાઈન્સ ડે પ્રેમીઓનો માનીતો પર્વ છે. આ બિનસત્તાવાર તહેવાર છે. એ ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી વિપરીત છે. તે છતાં ભારતમાં પણ જુવાનહૈયાંઓ ઉત્સાહપૂર્વક એની ઉજવણી કરે છે.

વેલેન્ટાઈન વીકઃ કયા દિવસો મળીને ખાસ બન્યો છે?

કોઈ પણ ચોક્કસ સમાજ કે ધર્મને જેની સાથે કોઈ લેવાદેવા નથી એવો વેલેન્ટાઈન્સ ડે લોકવાયકા અનુસાર કોઈક સંત વેલેન્ટાઈનને એક અંજલિરૂપે દુનિયાભરમાં ઉજવાય છે. સંત વેલેન્ટાઈન સેંકડો વર્ષો પૂર્વે ઈટાલીના ટેરની શહેરના પાદરી હતા. તેઓ સાચા પ્રેમની અભિવ્યક્તિમાં માનતા હતા અને તેથી હંમેશા સાચા પ્રેમીઓને ભેગા કરવામાં મદદરૂપ થતા હતા. એ સમયમાં એ વખતના શાસકે કાયદો ઘડ્યો હતો અને તે પોતાના સૈનિકોને પરણવા દેતો નહોતો. ત્યારે સંત વેલેન્ટાઈને એ પ્રથાનો વિરોધ કરીને અનેક સૈનિકોના લગ્ન કરાવી આપ્યા હતા. એના વિરોધી વલણને કારણે તેમને ૧૪મી ફેબ્રુઆરીના દિવસે મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

ત્યારથી પશ્ચિમી દેશોનાં લોકો દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનની યાદમાં, પ્રેમની અભિવ્યક્તિનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડે ઉજવે છે. હવે તો વેલેન્ટાઈન્સ ડે માત્ર એક દિવસ પૂરતો સીમિત નથી રહ્યો, પણ અઠવાડિયા પહેલાંથી જ એની ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે. વિવિધ અભિવ્યક્તિ દ્વારા જેમ કેઃ

7 ફેબ્રુઆરી રોઝ ડેઃ વેલેન્ટાઈન વીકનો આરંભ 7 ફેબ્રુઆરીએ રોઝ ડેથી થાય છે. જેમાં પ્રેમીઓ એકબીજાંને ગુલાબનું ફુલ ગિફ્ટમાં આપીને પોતાનાં પ્રેમની અભિવ્યક્તિ કરે છે.

8 ફેબ્રુઆરી પ્રપોઝ ડેઃ આ દિવસે નવા પ્રેમી પોતાનાં પ્રેમી પાત્ર સમક્ષ પ્રપોઝલ મૂકે છે. અથવા પ્રેમી-પ્રેમીકા ફરીથી એકબીજાંને પ્રપોઝ કરે છે.

9 ફેબ્રુઆરી ચોકલેટ ડેઃ આ દિવસે નાનાં-મોટાં, એમ કોઈ પણ વયનાં લોકો એકબીજાંને ચોકલેટ આપીને પ્રેમની અભિવ્યક્તિ કરે છે. અથવા દૂર રહેતાં પ્રેમી માટે ચોકલેટ મોકલાવે છે.

10 ફેબ્રુઆરી ટેડી ડેઃ આ દિવસે ટેડીનો ઉપહાર પોતાના પ્રેમીને આપો તો એ ખુશ થઈ જશે. કેમ કે ટેડી મોટેભાગે યુવાઓને પણ ગમતું રમકડું છે.

11 ફેબ્રુઆરી પ્રોમિસ ડેઃ આ દિવસે પ્રેમીઓ એકબીજાને સાથ આપવાનો વાયદો કરે છે.

12 ફેબ્રુઆરી હગ ડેઃ પ્રેમની ખરી અભિવ્યક્તિ આલિંગન સાથે જોડાયેલી છે. આ દિવસે પ્રેમ કરવાવાળા પોતાનાં પ્રેમીને ભેટીને એનો પ્રેમ વ્યક્ત કરે છે. હગ ડે ફક્ત પ્રેમીઓ પૂરતો જ સીમિત નથી. પણ તમે તમારાં મિત્રો તેમજ સ્નેહીજનોને ભેટીને પણ તમારી લાગણી તેમજ ઉર્મિને વ્યક્ત કરી શકો છો. ‘મુન્નાભાઈ’ સ્ટાઈલમાં ‘જાદુ કી ઝપ્પી’ આપીને…!

13 ફેબ્રુઆરી કિસ ડેઃ વેલેન્ટાઈન સપ્તાહનો સહુથી રોમેન્ટિક આ દિવસ છે. આ દિવસે પોતાના પ્રેમીને કિસ આપીને તમારા પ્રેમને વધુ ગાઢ બનાવી શકો છો.

14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન્સ ડેઃ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે આ તારીખના દિવસે તમે તમારા વેલેન્ટાઈન જોડે જેટલો વધુ સમય વિતાવી શકો એટલી યાદગીરી પણ મધુર બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]