મોતની ‘મોમો’ ગેમ સામે ચેતવણી…

ડેડલી ‘બ્લુ વ્હેલ’ ગેમ બાદ હવે ‘મોમો’ ચેલેન્જ ગેમ ભારતમાં એન્ટ્રી કરી છે અને બાળકો, ટીનેજર્સ પર એટેક શરૂ કરી દીધો છે. આ ફાલતુ ઈન્ટરનેટ ગેમ નિર્દોષ, ભોળા લોકોની જિંદગી છીનવે છે. આ ખતરનાક ઓનલાઈન ગેમ વિશે સરકાર તથા ICSE શિક્ષણ બોર્ડ લોકોને, બાળકોનાં માતાપિતાને ચેતવી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં તો ‘મોમો’ ચેલેન્જ સ્વીકારવાનો ઈનકાર કરનાર એક છોકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

‘બ્લુ વ્હેલ’ની જેમ જ ‘મોમો’ ગેમ પણ બાળકોને, સગીર વયનાં લોકોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.

‘મોમો’ ગેમને કારણે દેશના અમુક ભાગોમાં અમુક યુવા વ્યક્તિઓએ આત્મહત્યા કરી હોવાના અહેવાલોને પગલે કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી દેશના લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આ ગેમના ભોગ બનશો નહીં.

‘મોમો’ ચેલેન્જ ગેમ ફેસબુક પર શરૂ કરવામાં આવી હતી. એમાં સભ્યોને અજાણ્યા લોકો સાથે સંદેશવ્યવહાર કરવાની ‘ચેલેન્જ’ કરે છે.

આ ચેલેન્જ ગેમ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર, ખાસ કરીને વોટ્સએપ પર વાયરલ થઈ છે.

કેન્દ્ર સરકારે આ જોખમી ગેમ સામે માતાપિતાને ચેતવ્યા છે અને કહ્યું છે કે તમે તમારા બાળકો પર ચાંપતી નજર રાખજો. જો તમારાં સંતાનો આ ઘાતક ગેમ રમતા હોવાનું માલુમ પડે તો એમને તાબડતોબ અટકાવજો.

માતાપિતાને જણાવવામાં આવ્યું છે કે જેવી એમને ખબર પડે કે એમને કે એમનાં સંતાનોને મોમો ચેલેન્જ ગેમ રમવાનું આમંત્રણ મળ્યું છે તો તરત જ એમણે પોલીસને જાણ કરવી.

‘મોમો’ ચેલેન્જમાં અનેક પ્રકારની સ્વયં-ઘાતક જોખમી કામ કરવાનું કહેવામાં આવે છે. આ ગેમ  જેમ આગળ વધે તેમ યૂઝરને અનેક પ્રકારના હિંસક પગલાં લેવા માટે ઉશ્કેરે છે અને આખરમાં ગેમ યુઝર માટે સુસાઈડ ચેલેન્જમાં ફેરવાઈ જાય છે.

આ ગેમ યુઝરને વોટ્સએપ પર ‘Momo’ ગેમના નામે અજાણ્યા કોન્ટેક્ટ્સને એડ કરવા આમંત્રિત કરે છે. કોન્ટેક્ટને એડ કરાય એ પછી જાપાનીઝ ડરામણી, ઉપસી આવેલી આંખોવાળી ‘મોમો’ ઢીંગલીની તસવીર કોન્ટેક્ટમાં દેખાય છે. ગેમ કન્ટ્રોલર ત્યારબાદ પ્લેયરને અનેક પ્રકારના પડકારજનક કામો કરવા ઉશ્કરે છે. જો પ્લેયર સૂચનાનું પાલન ન કરે તો એને હિંસક તસવીરો, ઓડિયો કે વિડિયો દ્વારા ધમકાવવામાં આવે છે.

‘મોમો’ ગેમ રમનારનાં લક્ષણોઃ

આ ગેમ રમનાર વ્યક્તિ મિત્રો તથા પરિવારજનોથી અળગી રહેવા લાગે છે

ગેમ રમનાર વ્યક્તિનો મૂડ એકદમ ખરાબ રહેવા માંડે છે અને તે નિરાશ રહે છે

ગેમ રમનાર વ્યક્તિ સતત ચિંતામાં રહે છે.

અચાનક ગુસ્સે થઈ જાય છે

સામાન્ય રીતે એને જેમાં આનંદ આવતો હોય એવી પ્રવૃત્તિઓમાં પણ તે રસ ગુમાવી દે છે

રમનાર બાળકના શરીરના કોઈ ભાગ ઉપર ઊંડો કાપો કે ઘા જેવા નિશાન જોવા મળે છે

આ ગેમ સામે તમારા બાળકને કેવી રીતે રક્ષણ આપવું?

તમારા બાળક પર સતત નજર રાખો. એને પૂછવું કે બેટા કેમ ચાલે છે. એને પૂછતા રહેવું કે તને કોઈ ચિંતા કે માનસિક તાણ તો થતી નથી ને. જો તમારું બાળક માનસિક તાણ થતી હોવાની કબૂલાત કરે તો એને માનસિક આરોગ્યથી સતર્ક કરો. જો તમને ખબર પડે કે તમારું બાળક મોમો ગેમ રમે છે તો એની સાથે બ્લુ વ્હેલ ગેમ વિશે વાત ન કરવી, કારણ કે એને તેમ જણાવવાથી બાળક એ વિશે સર્ચ કરવા પ્રેરિત થશે.

તમારા બાળકોની ઓનલાઈન અને સોશિયલ મિડિયા પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ રાખો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]