મુંબઈઃ આ જર્જરિત ઈમારતમાં રહેવાની રહેવાસીઓને ફરજ પડી રહી છે

મુંબઈમાં રેલવેની હાર્બર લાઈન પર અને ઈસ્ટર્ન એક્સપ્રેસ પાસે આવેલા ચુનાભટ્ટી ઉપનગરના ટાટા નગર સોસાયટીના અત્યંત બિસ્માર થઈ ગયેલા મકાનમાં રહેવાની 100થી વધારે પરિવારોને ફરજ પડી રહી છે. આ મકાન ગમે તે ઘડીએ પડી શકે એવી હાલતમાં છે.

આ મકાનના રહેવાસીઓનો દાવો છે કે એમનો કેસ છેલ્લા અમુક વર્ષોથી હાઈકોર્ટમાં છે.

ચિરાગ મંડાલે નામના એક રહેવાસીનું કહેવુ છે કે અમે આ મકાનમાં 60-70 વર્ષથી રહીએ છીએ. આ મકાનના ફ્લેટ્સમાં મિલ કામદારો રહે છે. કોર્ટ કેસ હાઈકોર્ટમાં છ-સાત વર્ષથી ચાલે છે. અમે સત્તાવાળાઓને વિનંતી કરી છે કે આ મકાનને રીડેવલપ કરી આપો, પણ એમણે હજી સુધી કંઈ કર્યું નથી.

ટાટા નગર બિલ્ડિંગમાં ચિરાગ પહેલા માળે રહે છે. આ મકાનની બાલ્કનીઓ અડધી પડી ગઈ છે અને ગેલરીમાં કોઈ રેલિંગ નથી. રહેવાસીઓએ દરરોજ એમના જાનના જોખમે, એમણે જાતે બાંધેલા એક દોરડાને પકડીને ગેલરીમાંથી પસાર થવું પડે છે. બાળકો માટે આ ખૂબ જ જોખમી છે.

હાલ મકાનમાં 123 જણ રહે છે. હાઈકોર્ટે આ મકાનના સ્ટ્રક્ચરનું ત્રણ વાર ઓડિટ કરાવ્યું છે. ઈવેલ્યૂએટરે રહેવાસીઓને આ મકાન વહેલી તકે ખાલી કરી દેવાની ચેતવણી આપી છે.

રહેવાસીઓનું કહેવું છે કે અન્યત્ર ઘર ભાડેથી લઈને રહેવા જવાનું એમને પરવડી શકે એમ નથી એટલે એમને આ મકાનમાં છતમાંથી પાણી લીક થાય તેમજ દીવાલો પર ઠેરઠેર તિરાડો પડી ગઈ છે એવા ઘરોમાં રહેવાની ફરજ પડી રહી છે.

ભારે વરસાદ પડે ત્યારે ઘણા પરિવારો ચાર મહિના માટે આસપાસમાં રહેવા જતા રહે અને બાદમાં પાછા આવી જાય. ચોમાસાની ઋતુમાં આ મકાનમાં રહેવું અશક્ય હોય છે. અમને રાતે સૂતા ખૂબ જ બીક લાગે છે. અમને સતત ડર રહે છે કે અમે નિંદરમાં હોઈશું ત્યારે જ મકાન કદાચ પડશે, એવું મહેન્દ્ર સદાશિવ કામરે નામના રહેવાસી કહે છે.

છાયા મહેન્દ્ર કામરે કહે છે કે અમે ત્રીજા માળ પર રહીએ છીએ. ફેરિયાઓ કે માલ ડિલીવરી કરનારાઓ આ મકાનમાં પ્રવેશતા ડરે છે. એટલે અમારે જ નીચે ઉતરીને અમારા ઓર્ડરના ફળ કે શાકભાજી લેવા જવું પડે છે.

(તસવીરોઃ દીપક ધુરી)