વિચરતી જાતિઓ કહે છે હા… અમે પણ છીએ…!

0
5919

… આને કાળોતરો કહેવાય…આ કઇડે તો માણહ પાણીએ ના માંગે… એ… આને ધામણ કહેવાય… આવી બૂમો પાડી થોડા વર્ષો પહેલા ગામ શહેરમાં ફરતાં ટોળુ ભેગુ કરી ડમરું ને બીન વગાડી નાગ-સાપ-ઘૂવડ વીંછી જેવી સૃષ્ટિ જીવંત બતાવતા મદારીઓ અચાનક જ જાણે ઓછા થઇ ગયા છે. હા, આપણે જેને મદારી તરીકે ઓળખીએ છીએ,  જોઇને જ ગભરાઇ જવાય એવા જીવોની સમજ આપતા મદારીઓ પેટીયું કેવી રીતે રળતા હશે… એ લાલ વાદી અને ફૂલવાદીઓ હાલ સાંપ્રત સમયમાં કરે છે શુ..? આવા ઘણાં પ્રશ્નો લોકોને થાય.

મોબાઇલ-ટીવીના આ અત્યંત આધુનિક યુગ પૂર્વે  નટ-બજાણીયા, બહુરુપી, તુરી, વાદી, મદારી, ભરથરી, ભવાઇયા જેવી અનેક જાતિઓ ગામ-શહેરના મહોલ્લા-શેરીઓમાં જઇ જ્ઞાન સાથે ગમ્મત પૂરુ પાડી મનોરંજન કરાવતી હતી. સમય-સમાજ-સરકારોમાં આવેલા અનેક પરિવર્તનોના કારણે વિચરતી વિમુક્ત જાતિઓ અનેક રીતે ફંગોળાઇ રહી છે. પરિવર્તન સાથે હજુય મુખ્ય ધારામાં ભળી નથી. ડફેર જેવી કેટલીક જાતિઓના લોકો અત્યાચાર અને બદનામીનો સામનો કરી રહ્યા છે.

ભારત દેશને આઝાદી મળ્યાના દાયકાઓ વિત્યા પછી પણ ઘણી બધી વિચરતી જાતિઓ વિષે સામાન્ય પ્રજાને તો સમજ નથી જ, જ્યારે સત્તા પર બેઠેલા અને સતત પોતાનો જ  વિકાસ કરતાં કેટલાક લોકોને એ પણ દરકાર નથી કે વિચરતી વિમુક્ત જાતીઓ પણ સમાજમાં વિકાસ ઝંખે છે.

વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રશ્નોને વાચા આપતા અને સતત એમના માટે લડતા-વિચારતા મિત્તલ પટેલ chitralekha.comને કહે છે અત્યારના સમયમાં આ જાતિઓના વિકાસ માટે, એમના હક્કો માટે કંઇક કરવાનો સમય આવી ગયો છે. કારણ, આ પણ ભારત દેશના નાગરીક છે. મુખ્ય પ્રવાહ થી છુટા પડેલા અને શિક્ષિત ન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે.

ખેલ કરતાં નટ-બજાણીયા, વાંસનું કામ કરતાં વાંસફોડા, ચાદર વેચતા સલાટ, રાવણ હથ્થા વગાડી ગુજરાન ચલાવતા ભરથરી, છરી-ચપ્પા વેચતાં સરણિયા, ઉંટલારા સાથે નીકળતા રાવળદેવ જેવી અનેક જાતિઓ આજે શાસકો ને કહે છે… હા અમે પણ છીએ…

14મી ઓકટોબર 2017ને શનિવારે પાલનપુરમાં… હા…અમે પણ છીએ…એમ કહેવા માટે વિચરતી વિમુક્ત જાતિના સૌ લોકો એકઠા થશે. અનેક જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ ને જોડતો આ દેશ વિવિધતાથી ભરેલો છે, સાથે કેટલીક જાતિના લોકો હાલ પણ સામાન્ય સુવિધાઓ પણ વંચિત છે… જે વિકાસની ઝંખના કરી રહ્યા છે.

અહેવાલ અને તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ