પીએમ મોદી 25મીએ સુરતીઓને દોડાવશે – સુરત મેરેથોનમાં…

દેશમાં પહેલી જ વાર, સુરતમાં કરાશે ‘રન ફોર ન્યુ ઈન્ડિયા’ મેરેથોન દોડનું આયોજન. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે ફ્લેગ ઓફ્ફ…

તાપી શુદ્ધિકરણ માટે વર્ષ 2017માં ‘રન ફોર તાપી’ સુરત મેરેથોન દોડના સફળ આયોજન બાદ આ વર્ષે ‘ન્યુ ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ‘રન ફોર ન્યુ ઇન્ડિયા’ સુરત નાઈટ મેરેથોન દોડનું આયોજન થવાનું છે. આગામી 25મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ મેરેથોન દોડને ફ્લેગ ઑફ કરવા ખાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે.

‘રન ફોર ન્યુ ઇન્ડિયા’ મેરેથોન દોડ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં આયોજકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તાપી શુદ્ધિકરણ માટે ‘રન ફોર તાપી મેરેથોન દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે આયોજન બાદ રાજ્ય સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ માટે 980 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે સુરતીઓ અને સુરત શહેર માટે સારી બાબત કહી શકાય.

આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ન્યુ ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવા માટે ‘રન ફોર ન્યુ ઇન્ડિયા’ મેરેથોન દોડનું 25મી ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ‘ન્યુ ઇન્ડિયા’ના સંકલ્પ સાથે ભારતમાં પહેલી જ વખત અને તે પણ સુરતમાં મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે તે સુરત માટે ગર્વની બાબત કહી શકાય. સાથે જ વિશેષ આનંદની વાત એ છે કે આ દોડને લીલી ઝંડી બતાવવા માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. રેસનો આરંભ સાંજે 6 વાગ્યે શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવશે.

આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે મેરેથોન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત સુરતના સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.

મેરેથોન દોડ 21 કિ.મી.,10 કિ.મી. અને 5 કિ.મી. – એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં યોજાશે.

મેરાથોન દોડના પ્રચાર પ્રસાર માટે પહેલી વખત જ મુંબઈ, અમદાવાદ, ગુડગાંવ, કોલકાતા, પુણે, વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, બારડોલી, વ્યારા, વડોદરા જેવા શહેરમાં અલગ-અલગ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. દોડમાં દેશના વિભિન્ન શહેરોમાંથી દોડવીરો ભાગ લેવાના છે.

મેરાથોન દોડને એન્ટરટેનમેન્ટ દોડ બનાવવા માટે ખાસ ગુજરાતમાં પહેલી વખત દિલ્હીના પ્રખ્યાત ‘મુંગફલી બેન્ડ’ને આમંત્રિત કરવામાં આવ્યું છે. આ બેન્ડના કલાકારો લાઈવ પર્ફોર્મન્સ આપીને દોડને વધુ મનોરંજનક બનાવી દેશે.

10 અને 21 કિ.મી.ની મેરેથોન દોડ ટાઈમિંગ દોડ હશે જ્યારે 5 કિ.મી.ની દોડ ફ્રી-દોડ હશે.

દોડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને ટી-શર્ટ અને વૉટર બોટલ પણ આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]