ધીરુભાઈ અંબાણી જન્મતિથિએ સ્મરણ અને સંસ્કાર….

તાજેતરમાં મૂકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી વિશે મીડિયા અને સોશિઅલ મીડિયામાં પ્રસંગની તમામ ભવ્યતા અને ઝાકમઝોળ વચ્ચે પણ જે વાતને લોકોએ સૌજન્યપૂર્વક બિરદાવી તે હતી દુનિયાના ધનાઢ્યોમાં એક મૂકેશ અંબાણીની એક દીકરીના બાપ તરીકેની વિનમ્રતા અને વર્તાવ! અંબાણી પરિવારના આ ભારતીય સંસ્કાર,

આ ગરિમા અને દીકરીવાળાઓ તરીકેનાં વ્યવહાર, વાણી અને વર્તન સમગ્ર ભારતીય અને વૈશ્વિક સમાજે નિહાળ્યાં તે સાચા અર્થમાં ધીરૂભાઈનો વારસો છે. ધીરૂભાઈ નખશીખ ભારતીય હતા. પોતાની તમામ વૈશ્વિક સિદ્ધિઓ અને સફળતાઓ વચ્ચે પણ તેમના પગ દેશની માટી સાથે જકડાયેલ રહ્યાં.

જે સમયે ધીરૂભાઈ તત્કાલીન એડન (વર્તમાનમાં યમન)થી ભારત પરત આવ્યાં તે સમયે બ્રિટીશ કોલોનીના આફ્રિકી પ્રદેશમાં સ્થાયી થવું સરળ હતું અને ઘણા ભારતીયો ત્યાં સ્થાયી થયાં અને કાળાંતરે બ્રિટીશ નાગરિકત્વ પણ પામ્યાં અને બ્રિટનમાં પણ જઇને વસી શક્યાં. ધીરૂભાઈ માટે પણ તે સહેલું હતું. પરંતુ તેઓ સ્વદેશ પાછા આવ્યાં અને દેશમાં જ નવેસરથી શરૂઆત કરી. આ દેશ, આ ધરતી, આ માટીનું કદાચ તેમને જબરૂં ખેંચાણ હતું.

ધીરૂભાઈ પ્રત્યેક વ્યાવસાયિક કે ઔદ્યોગિક કદમ દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને લેતાં. તેઓ દેશના જ નહીં પણ વિદેશના અર્થ-પ્રવાહોથી પોતાને માહિતગાર રાખતાં અને તે માહિતીનો ઉપયોગ પોતાના વ્યવસાય અને ઉદ્યોગને કેવી રીતે મજબૂતી પ્રદાન કરે અને તે દ્વારા દેશના અર્થતંત્રને શો ફાયદો થાય તે પ્રકારનાં પગલાં લેતાં. દેશના વધુને વધુ લોકોને પોતાના ઉદ્યોગ-વ્યવસાય સાથે સાંકળીને તેઓ જાતે તો સમૃદ્ધ થતાં, બીજા હજારો લોકોને પણ સમૃદ્ધ કરતાં જતાં અને તે રીતે દેશના આર્થિક, ઔદ્યોગિક અને સામાજિક વ્યવસ્થામાં માતબર પ્રદાન કરતાં રહેતાં.

આજે જે કોર્પોરેટ સોશિઅલ રીસ્પોન્સિબિલીટીનો વિચાર સી.એસ.આર. તરીકે સરકાર અને સમાજમાં સ્વીકૃત બન્યો છે તે ધીરૂભાઈએ જે રીતે નાવિન્યસભર બનાવ્યો હતો તે જોઇને તો દંગ રહી જવાય તેવું છે. તેઓ માનતાં કે રાજા-મહારાજાઓ, પૂર્વજો અને શેઠ-મહાજનો તો પોતપોતાની રીતે દાન-પુણ્ય કરી સામાજિક જવાબદારીનું વહન કરતા જ. આ પરંપરાગત ભારતીયતા છે. દરેકે પોતપોતાની હેસિયત અને શક્તિ પ્રમાણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઇએ. એક ઉદ્યોગપતિ તરીકે કદાય દુનિયાના ઔદ્યોગિક ઇતિહાસમાં એ પહેલીવાર બન્યું હશે કે કોઇપણ ઉદ્યોગપતિએ પોતાના કારખાનામાં ઉત્પાદન શરૂ થાય તે પહેલાં સામાજિક જવાબદારી નિભાવવાનું શરૂ કર્યું હોય !

જામનગરમાં દુનિયાની મોટામાં મોટી ક્રૂડ ઓઇલ રીફાઇનરીના જંગી મૂડી રોકાણનું વળતર (ROI) મળવાનું શરૂ થાય તે પહેલાંથી જ ધીરૂભાઈએ ગ્રામ્ય વિસ્તારમાં વિશિષ્ટ સમાજલક્ષી કાર્યોનો પ્રારંભ કર્યો હતો. રીફાઇનરીની આજુબાજુના ગામોની ગાયોને નિયમિત ધોરણે ઘાસચારો પૂરો પાડવાનું અને ગામેગામ ગૌશાળાઓ બાંધવાનું કાર્ય કોઇ ઉદ્યોગગૃહ કરે, કોઇ ઉદ્યોગપતિ કાયમી ધોરણે તે કામને પોતાનું ગણી માથે લે તે ધીરૂભાઈ અંબાણી જ કરી શકે! તેમણે પોતાના સંકુલમાં પ્રોસેસ વોટરની જરૂરિયાત માટે સ્થાપેલ દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી નાગરિક વપરાશ માટે પુષ્કળ પાણી સપ્લાય કર્યું! ગામડાંઓમાં ધુમાડાબંધ જમણ અને લોકસાહિત્યના કવિઓ-કલાકારો-વાર્તાકારોના ડાયરાઓનું આયોજન અને આ પ્રકારનાં કામોમાં સક્રિય ભાગીદારી અને વ્યક્તિગત ઉપસ્થિતિ ધીરૂભાઈની ખાસિયત પણ હતી ને ખૂબી પણ. કારણ કે તેમની નસોમાં ભારતીય સંસ્કારો વહેતા હતા.

ધીરૂભાઈ ટેકનોલોજી અને પ્રોસેસ પ્લાન્ટો આયાત તો કરતા જ, પરંતુ તેમાંથી ઉત્પાદન તો દેશમાં જ કરતા. કારણ કે તેઓ માનતા કે જેમાં દેશનું શ્રેય છે તેમાં જ રીલાયન્સનું શ્રેય છે. (What is good for India is good for Reliance). તેથી જ જ્યારે આજકાલ દેશના તવંગરોમાં ઇટાલી જેવા દેશોમાં લગ્ન પ્રસંગ ઉજવવાનો ઉન્માદ છે ત્યારે મૂકેશભાઈ દીકરીનાં લગ્ન દેશમાં જ અંબાણી પરિવારને છાજે તેવી ભવ્યતા અને ગરિમાથી કરે તે ધીરૂભાઈ અંબાણીના સંસ્કાર નહીં તો બીજું શું? ભારતીયતા નહીં તો બીજું શું? કારણ કે ગમે તેટલા ધન વૈભવ છતાંય फिर भी दिल है हिन्दुस्तानी!

સંસ્કારિતા એવી કે દેશનાં તીર્થોના દેવીદેવતાઓને કંકોતરી અર્પણ થાય છે. સેવાપરાયણતા એવી કે લગ્ન સમારંભનું પ્રથમ ભોજન ‘નારાયણ સેવા સંસ્થાન’ જેવી સેવાભાવી સંસ્થાના પાંચ હજાર વૃદ્ધો-બાળકો-વિદ્યાર્થીઓથી શરૂ થાય છે, જેમાં યજમાન પરિવાર મૂકેશ અંબાણી – નીતા અંબાણી સહિત સૌ પ્રેમથી ભોજન પીરસે છે અને આગ્રહ કરીને જમાડે છે.  ભોજન સમારંભ ત્રણ દિવસ સુધી ચાલે છે. ઇશ્વર-પ્રીતિ એવી કે વિદેશી મહેમાનો સહિત સૌ કોઇ ભેગા મળી ‘જય જગદીશ હરે’ આરતી ભાવપૂર્વક ગાય છે. અને વિનમ્રતા, કૃતજ્ઞતા એવી કે મૂકેશ અંબાણી સ્વયં એમ કહે કે દીકરીવાળા છીએ, કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.’ ભારતીય સંસ્કારિતાની આ પરાકાષ્ઠા છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આ સંસ્કારો છે. આ છે ભારતીય પરંપરા. આ છે દેશની ધરતીની સુગંધ.

લેખક પરિમલ નથવાણી

(રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ છે)