બર્થ ડે ગિફ્ટઃ ઓલામાં 5 વર્ષ ફ્રી રાઇડ!

0
5622

મુક સમયે અમુક જગ્યાએ જન્મ લેવાથી સારો એવો લાભ મળશે તેની કદાચ જન્મનાર બાળકને ખબર નથી, પણ આવું થયું છે ખરું..મહારાષ્ટ્રમાં આવો કિસ્સો બન્યો છે.બાળકે જન્મ લેવા માટે તારીખ પણ જોરદાર પસંદ કરી અને સ્થળ પણ. પૂણેના ઓલા કેબ ડ્રાઇવરને બીજી ઓક્ટોબર ગાંધીજયંતિએ એક મહિલાને હોસ્પિટલ પહોંચાડવાની વરધી મળી. ડ્રાઇવર યશવંત ગલાંદે સવારે આઠ વાગે ઇશ્વરીદેવી નામની મહિલાને પિક અપ કરવા પહોંચી ગયાં. મહિલા ઇશ્વરીદેવી ભરેપેટે હતી અને તેને લેબર પેઇન શરુ થતાં કમલા નહેરુ હોસ્પિટલ લઇ જવાની હતી. ઇશ્વરીદેવી ગાડીમાં બેસીને હોસ્પિટલ સુધીનો રસ્તો કાપે તેટલો સમય રાહ જોવી તેમના બાળકને કંઇ જામ્યું નહીં. જાણે ઝડપના જમાનામાં જનમથી જ તાલ મિલાવવા માટે ઇશ્વરીદેવીનું બાળક તત્પર થઇ ગયું હતું. ઇશ્વરીદેવીને લેબર પેઇનની અવધિ આવી રહી અને બાળકે ચાલતી ઓલા કેબમાં જ જન્મ લઇ દુનિયાને દોડતી જોઇ લીધી.

હવે નવાનકોર માનવબાળે ઓલામાં જન્મ ધારણ કર્યો તો ઓલા પણ કંઇ વધામણાં કરે તો ખરી જ ને..કંપનીએ બાળક અને તેની માતા ઇશ્વરીદેવીને સરસ લાભદાયી ગિફ્ટ આપી. અને એ ગિફ્ટ એ હતી કે આ બંને, માતાબાળકને પાંચ વર્ષ માટે ‘ફ્રી રાઇડ’ ગિફ્ટ આપી ! બાળક જનમજાત જ ફ્રી સ્કીમનો લાભ લેતું થઇ ગયું છે.

ડ્રાઈવર યશવંતે ઇશ્વરીદેવી અને બાળકને હોસ્પિટલ પહોંચાડી દેતાં જ તબીબી સ્ટાફે તેમનાં ઓવારણાં રુપે સારવાર શરુ કરી અને જચ્ચાબચ્ચા બંને હેમખેમ છે. ઇશ્વરીદેવીના પરિવારે ડ્રાયવર યશવંતના સૌજન્યપૂર્ણ વ્યવહાર માટે ખૂબ આભાર જતાવ્યો તો ઓલાએ પણ પોતાના કર્મચારીની સૂઝબૂઝને માન આપ્યું અને માતા અને નવજાત શિશુ માટે પાંચ વરસ સુધી ઓલાની કેબમાં હરવાફરવાની ફ્રી રાઇડની ભેટ આપી દીધી.