ગુજરાતી માધ્યમ: ધોતિયાનું પાટલૂન થયું ને પાટલૂનનું ધોતિયું

ફેશન બદલાતી રહે છે. બદલાય નહીં તે ફેશન નહીં. પણ જીવનમાં ફેશન એક નાનકડો હિસ્સો છે, તે કંઈ જીવન સર્વસ્વ નથી તે વાત આપણને ફેશન પૂરી થઈ ગયા પછી સમજાય છે. પાંચ દાયકા પહેલા બેલબોટમ આવેલા. શેરી વાળવા કામ લાગે તેટલા પહોળા પાઇચા. હવે ચોયણી જેટલા સાંકડા અને ચડ્ડી જેટલા ટૂંકા પાટલૂન પાછા ફર્યા છે. નાના હતા ત્યારે લાંબા વાળ રાખવાની ફેશન હતી. પણ તે ફિલ્મવાળાઓની, ડાહ્યા માણસો લાંબા રાખે તેને ઝટિંયા કહેવાય. એટલે પરાણે બાબરની દુકાને જઈને ઝટિંયા કપાવી નાખવા પડતા. બહુ આકરું લાગતું, પણ આજે એકદમ ટૂંકા વાળ રાખવામાં એટલી સરળતા લાગે છે વાત ના પૂછો.

પણ આવી તે કંઈ વરણાગી વેડાં હોય તેવો સવાલ પૂછવો પડે તેમ છે, કેમ કે આપણે ભાષાની બાબતમાં ધોતિયાનું પાટલૂન કર્યા પછી પાછું ધોતિયું કરી રહ્યા છીએ. વાત થઈ રહી છે દસમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાની. સરકારને આ શા માટે સૂઝ્યું છે તેનું અસલી રહસ્ય બહાર આવે ત્યારે ખરું. કંઈ ડહાપણની દાઢ ઊગી હોય અને માતૃભાષાની ચિંતા થઈ હોય તેવું કહીએ તે નવી જોક ગણાશે. આ જ સરકારે ખાનગીકરણના નામે શિક્ષણનો દાટ વાળ્યો છે. નાના નાના ગામોમાં પણ આગળ સેન્ટ અને પાછળ કંઈ પણ નામ લગાવીને શાળાઓ ખૂલી ગઈ છે. નાના નગરોમાં હોડ લાગી છે, પોતાના બાળકને અંગ્રેજી ભણાવવાની અને હવે ત્યારે જ સરકાર કહે છે કે માતૃભાષા ભણવાની ફરજિયાત છે.ભૂતકાળમાં આવો આગ્રહ થયો હતો. જૂની પેઢીના લોકોને યાદ છે કે ભાષાવાર પ્રાંત રચના થઈ તે પછી દરેક રાજ્ય પોતાની ભાષાને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરતું હતું. લિન્ક લેન્ગવેજ એટલે કે રાજ્યો વચ્ચે અને કેન્દ્ર સાથે સંપર્ક ભાષા કઈ હશે તેવો વિવાદ હિંસક બન્યો હતો. દક્ષિણ ભારતના રાજ્યો હિન્દીને સ્વીકારવા તૈયાર નહોતા. આઝાદી વખતે હિન્દી અને અંગ્રેજી બંનેને સાથેસાથે રાખવાનું નક્કી કરીને વાત ટાળી દેવાઈ હતી, પણ 15 વર્ષ પછી 1965થી હિન્દીને એકમાત્ર રાષ્ટ્રભાષા બનાવવાનું નક્કી થયું હતું તેનો અમલ કરવાનો હતો. 1965ના પ્રજાસત્તાક દિને તેની જાહેરાત પણ કરવાની હતી. લાલબહાદુર શાસ્ત્રી વિરોધ છતાં તેના માટે મક્કમ હતા અને મોરારજી દેસાઇ તે વખતે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે અંગ્રેજીએ આપણી ભાષા નથી. જોકે દક્ષિણના કોંગ્રેસના જ સિનિયર નેતાઓ રાજીનામાં આપવા લાગ્યાં અને હિંસા વધી પછી શાસ્ત્રીએ પીછેહઠ કરીને હિન્દી સાથે અંગ્રેજીને પણ સંપર્ક ભાષા તરીકે યથાવત રાખી હતી.

આજ સુધી અંગ્રેજી યથાવત રહી છે. એક તરફ અંગ્રેજી યથાવત હોય અને બાળકોને ગુજરાતી ભણાવવાનો આગ્રહ રાખો તો વાલીઓ શું કરે? પોતાના દિકરાને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવો છે? અમલદાર બનાવવો છે? કોર્પોરેટમાં મેનેજર બનાવવો છે? સૌથી સારો એડવોકેટ બનાવવો છે? તો અંગ્રેજી ભણાવો. રાજ્યની હાઇકોર્ટ પણ અંગ્રેજીમાં જ કામ કરતી હોય ત્યાં તમે કઈ રીતે ગુજરાતીમાં વકીલો તૈયાર કરશો? તમારો કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંગ્રેજીમાં ફાડફાડ કરે છે ત્યારે કયા મોઢે ગુજરાતી ભણાવશો?કહેવાનો ભાવ એ છે કે માતૃભાષામાં જ શિક્ષણ હોય. એ બાબતમાં દુનિયામાં ક્યાંય બે મત નથી. અનેક અભ્યાસોમાં પણ તે સાબિત થયેલું છે. પણ મુદ્દો છે અંગ્રેજીના મોહમાંથી ભારતીયો છુટી શકશે ખરા. બે અજાણ્યા જણ મળે ત્યારે અંગ્રેજીમાં કેમ વાત કરવાની તે સમજાતું નહોતું. કોલેજ કાળમાં રશિયન નવલકથાઓ વાંચી પછી થોડી સમજ આવી. રશિયામાં બુદ્ધિજીવીઓ ભેગા થાય ત્યારે ફ્રેન્ચમાં જ વાત કરતા હતા. કેમ છો, મજામાં માતૃભાષામાં કહીને પછી બૌદ્ધિક ચર્ચા ફ્રેન્ચમાં જ કરવાની.

આ માનસિકતા બદલવાની જરૂર છે. માતૃભાષામાં જ શિક્ષણ હોવું જોઈએ તે પણ એક માનસિકતા હતા. તે સમજદારી નહોતી એમ. સમજદારી સાથે માતૃભાષાને મહત્ત્વ અપાયું હોત તો સમજ્યા. આપણે ગુજરાતીઓએ તેને મગન માધ્યમ કહીને ઉતારી પાડ્યું હતું. આપણે ગુજરાતી ના આવડે તેને ગૌરવ ગણીએ છીએ. મારા છોકરા ગુજરાતી વાંચી શકતા નથી તેમ કહેનારા વાલીના ચહેરા પર જોજો, મોક્ષ મળ્યાનો ભાવ હશે. એ ભાવ એટલા માટે કે આપણે આપણી માતૃભાષાને ‘મગન’ કક્ષાની જ ગણીએ છીએ.

આઝાદી પછી ભાષાવાર પ્રાંતરચનાનો મુદ્દો બરાબર ચાલતો હતો ત્યારે ગુજરાતમાં પણ અંગ્રેજી કયા ધોરણથી ભણાવવું તે મુદ્દે સહમતી થતી નહોતી. બે વ્યક્તિઓ આ મુદ્દે ચર્ચામાં હતી. એકનું નામ ઠાકોરભાઈ દેસાઈ હતું. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વગદાર હતા. બીજા ઠાકોરભાઈ ઠાકોર હતા, જે આચાર્ય તરીકે ભાષાના માધ્યમને વધારે સારી રીતે સમજતા હતા. બીજા ઠાકોરભાઈ પાંચમા ધોરણથી અંગ્રેજી શીખવવાના આગ્રહી હતા. તેથી તેઓ ઠાકોરભાઈ પાચમા અને કોંગ્રેસ પ્રમુખ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવા માગતા હતા તેથી તેમને ઠાકોરભાઈ આઠમા તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના સાથી મગનભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના વીસી બન્યા હતા. તેમણે વળી કોલેજમાં પણ ગુજરાતી માધ્યમ જ હોવું જોઈએ તેમ ઠસાવ્યું. તેથી દેશભરમાં કોલેજમાં અંગ્રેજી શિક્ષણ રહ્યું ખરું, પણ ગુજરાતમાં કોલેજોમાં પણ ગુજરાતી માધ્યમ આવ્યું અને ગુજરાતી યુવાનો પાછળ પડવા લાગ્યા. તેથી તેને મગન માધ્યમ કહીને રોષ ઠાલવવામાં આવતો હતો.

સાચી વાત એ છે કે ગુજરાતીઓ પાછળ પડી ગયા નહોતા. તેઓ વેપાર ધંધામાં ખૂબ આગળ વધી ગયા હતા. બીજી બાજુ પ્રોફેશનલ્સ પેદા કરવાની અને દિલ્હી તથા રાજ્યોની રાજધાનીમાં અમલદારો પેદા કરવાની સિસ્ટમમાંથી ગુજરાતી યુવાનો બહાર નીકળી ગયા. આઈટીમાં ક્રાંતિ આવી ત્યારે દક્ષિણ ભારતના યુવાનો ફાવ્યા અને ગુજરાત તે ગાડી ચૂકી ગયું છે. માત્ર અંગ્રેજીના અભાવના કારણે.

સરકાર માટે આ માધ્યમ કે પેલું માધ્યમ નક્કી કરી નાખવું એ માત્ર નીતિનો વિષય છે. વાલીઓ માટે પોતાના સંતાનોના ભવિષ્યનો સવાલ છે. વાલીઓનો વિરોધ નથી કે માતૃભાષામાં શિક્ષણ ના આપો. વાલીઓનો સ્વાર્થ એટલો જ છે કે સારું શિક્ષણ મળવું જોઈએ. પરંતુ અત્યારે તો કોઈક કારણસર સારું શિક્ષણ મળે અને સસ્તું પણ મળે તેનો કશો વિચાર કર્યા વિના સરકારે ગુજરાતીને ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. વાલીઓ વિચારમાં પડી જશે અને ફી ઘટાડવા માટે અને શિક્ષણની ઘોર ખોદી નાખનારી ખાનગી શિક્ષણની પ્રથા સામેનો વિરોધ ભૂલીને માધ્યમના વિરોધમાં પડી જાય એવું પણ બને.