નવરાત્રી: ગરબામાં પાડવામાં આવતા કાણા ક્યારેય ગણ્યા છે?

ગરબામાં પાડવામાં આવતા કાણા ક્યારેય ગણ્યા છે? આજની પેઢીમાં ઘણા લોકોને ગરબાનું મહાત્મય પણ નહિ ખબર હોય. પશ્ચિમી ઢબે ઉછળીને વાંકાચૂકા થઈને ફરવાની પ્રક્રિયાને જ ગરબા ન ગણી શકાય. શું કોઈ પણ તહેવાર એના મૂળ સ્વરૂપે ન ઉજવી શકાય?

મન્ચુરિયન ખીચડી ખાવા કરતા સાદી ખીચડી ખાઈ અને મન્ચુરિયન ખાવું વધારે યોગ્ય ગણાય. જેમ આપણા આહારના નિયમો પાછળ વિજ્ઞાન રહેલું છે તે જ રીતે આપણા તહેવારોની ઉજવણી પાછળ પણ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન છે જ. કદાચ નવી પેઢી એ સમજી નથી શકતી કે પછી આપણે એમને સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ. અન્ય વિચારધારાથી એટલું પણ પ્રભાવિત ન થવું જોઈએ કે પછી પોતાનું અસ્તિત્વ જ જોખમમાં આવી જાય. પોતાપણા માટે આદર હોવો એ સ્વાભિમાનની પ્રક્રિયા છે. કેટલાક લોકો આત્મસન્માન અને સ્વાભિમાનને એક સમજવાની ભૂલ કરતા હોય છે. પણ બંને શબ્દો અલગ અલગ છે અને બંનેનું જીવનમાં આગવું મહત્વ છે. સ્વાભિમાની માણસ પોતાના વિચારોને ચાહે છે. એ ક્યારેય કોઈ ખોટા પ્રલોભનોમાં આવી અને એવું કામ કરતો જોવા નહિ મળે કે જે નિમ્નસ્તરનું હોય.

કોઈનું આત્મસન્માન ઓછું કરી શકાય સ્વાભિમાન નહિ. કારણકે એ માણસનો પોતાનો ગુણધર્મ છે. સ્વાભિમાની વ્યક્તિ નિયમોમાં બાંધછોડ કરવા તૈયાર નહિ થાય. તેથી જ જેમને ખોટું કરવું છે એમના માટે સ્વાભિમાની વ્યક્તિ નડતરરૂપ બની જાય છે. ઇતિહાસમાં એવા અનેક નામો છે જે સ્વાભિમાન સાથે જોડાયેલા છે. જે વ્યક્તિ સ્વાભિમાની છે એ અન્ય સાચી વ્યક્તિને પારખી શકશે અને એને સન્માન પણ આપી શકશે. આવી વ્યક્તિઓ આસપાસ હોય એ સૌભાગ્ય ગણાય. આવી વ્યક્તિઓને ભૌતિકતા બહુ અસર નથી કરતી અને એમને કોઈ પ્રલોભનોથી પામી પણ નથી શકતા. હા, આવી વ્યક્તિઓ સાથે કાવાદાવા થઇ શકે પણ આવા લોકોમાં આંતરિક સુખ ચરમસીમા પર હોય છે. +

સ્વાભિમાન કોનામાં હોય? જેમનામાં કોઈ એવા ગુણ હોય જેના પર એ ગર્વ લઇ શકે. જે સત્યના માર્ગ પર ચાલતા હોય. કોલસો અને હીરો બંને કાર્બન તત્વ ધરાવે છે. પણ બંનેની કીમત અલગ અલગ હોય છે. હીરાની ચમક એ એનું સ્વાભિમાન છે. અને કોલસાની નરમાશ એ એનું સ્વાભિમાન છે. બંનેનું સર્જન અલગ કાર્ય માટે થયું છે. અને બંને એ વાત જાણે છે. કોઈ એવી ખાસિયત જે પોતાપણાનો અહેસાસ કરાવે એ હોય તો જ સ્વાભિમાન જાગે.

સફળ થવા માટે વ્યક્તિને પોતાના હોવા પર ગર્વ હોય એ જરૂરી છે. કારણે કે તો જ એ પોતાની ખાસિયતો પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાના ધ્યેય તરફ કોઈ પણ પ્રલોભનોથી પ્રભાવિત થયા વિના જઈ શકશે. સફળ થવા માટે સ્વાભિમાની હોવું ખુબ જરૂરી છે. તો ચાલો નવરાત્રી દરમિયાન પોતાની ખાસિયતોને સમજી એના પર ગર્વ લઈએ. આપણી જાતને, આપણા ઈતિહાસને અને આપણી સંસ્કૃતિને સમજીએ અને એના પર પણ ગર્વ લઈએ.

(મયંક રાવલ)