નવરાત્રી: ધ્યેય સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય જરૂરી

જયારે જયારે દેવોને લાગ્યું કે હવે પરિસ્થિતિ એમના કાબુમાં નથી ત્યારે એમને શક્તિના સહરાની જરૂર પડી છે. શિવજી ભોળા છે તે ન્યાયી છે. સહુને સમાન ગણે છે. તેથી જ જેનામાં જીવ છે તે સહુ શિવ પૂજા કરી શકે છે. એના માટે કોઈ ધર્મ, જતી કે વાડાઓના બંધનો નડતા નથી. મંદિરમાં જવા માટેના નિયમો કદાચ અલગ હોઈ શકે પણ આસ્થા અને આરાધના માટે એ જરૂરી નથી. મનમાં શિવનો જાપ કરવા માટે કોઈ નિયમો નડે ખરા? શિવ જગતના કણ કણમાં છે. અને શિવ શક્તિ બંને એકાકાર થાય ત્યારે સુખની અનુભૂતિ થાય છે. માં પાર્વતી એ પ્રેમનું પ્રતિક છે. અનેક જન્મો સુધી એક જ પતિની કામના કરવી અને સમર્પિત રહેવું એ કાઈ નાની સુની બાબત છે?

સ્વભાવમાં દ્રઢતા હોય ત્યારે અશક્ય પણ શક્ય બની શકે છે. તમે ક્યારેય પત્થરમાં કોઈ હથિયારની મદદ વિના કાણું પડ્યું છે? લગભગ અશક્ય લાગે છે ને? એ પત્થર પર લાંબા સમય સુધી એકજ જગ્યાએ પાણીનું નાનું ટીપું પડ્યા કરે તો અંતે એમાં કાણું પડી જાય છે. પુરા ખંતથી અડગ રહીને કોઈ કાર્ય કરવામાં આવે તો એમાં સફળતા મળે જ છે. આમ પણ સફળતા રાતોરાત નથી મળતી. એના માટે ધીરજ પણ જરૂરી છે. અને ધીરજ તાકી રહે એના માટે દ્રઢ નિશ્ચય હોવો જરૂરી છે.

કાર્ય સિદ્ધિ ત્યારે જ થાય જયારે નિશ્ચય અડગ હોય. પરિબળો બદલાય, સંજોગો બદલાય, સમય સાથ ન આપે તો શું કરવું આવા સવાલો ઉદ્ભવે. સવાલ ઉદ્ભવે એ પણ સારી જ બાબત છે. કારણ કે જયારે કોઈ સવાલો અંતહી ઉદ્ભવતા ત્યારે દિશા ખોટી હોય છે અથવા તો જે છે એને સ્વીકારવાની ભાવના ઘર કરી ગઈ છે. સવાલોની પાછળ જવાબો અને સમસ્યાની પાછળ સમાધાન હોય જ છે. ક્યારેક કપરા સંજોગો લાગે તો થોડું અટકી, વિચારીને આગળ વધાય. પણ સાવ ઉભા તો ન જ રહેવાય ને? જો રસ્તો બરાબર નથી તો રસ્તો બીજો મળી શકે પણ નવું ધ્યેય તો ન જ શોધાય ને?

દ્રઢતાનું ઉદાહરણ જોવું હોય તો દરરોજ માટે એક કલાક ચાલો. એક વરસ પછી તમે ક્યાં સુધી ચાલ્યા એ અનાર તમને દ્રઢ સંકલ્પનું મહત્વ સમજાવી શકશે. નાનપણમાં અમે એક રમત રમતા. મિત્રને કહેતા કે તારે આજે મને એક રૂપિયો આપવાનો, કાલે બે, પરમ દિવસે ચાર, પછીના દિવસે આઠ એમ દરરોજ  આગળના દિવસ કરતા બમણી રકમ આપતા જવાનું. મહીના સુધી આપવાના જો તું વચ્ચે અટકી જઈશ તો આગળ આપેલા બધા પૈસા મારા. જો તું મહિના સુધી સતત આપ્યા કરીશ તો હું તને એક મહિના પછી એક કરોડ રૂપિયા આપીશ. વીસ દિવસની ગણતરી તો રમતા રમતા થઇ જાય. સાચી મજા પચીસમા દિવસથી આવે. ગણી જુઓ મજા પડશે. આવુજ ધ્યેય સિદ્ધિ માટે પણ છે. શરૂઆતમાં પરિણામો ન દેખાય પણ સતત લાગ્યા રહેવાથી માન્યામાં ન આવે એવા પરિણામો મળી શકે. દ્રઢ નિશ્ચય એ પણ શક્તિનો ખુબ મોટો સ્ત્રોત છે. એ ચોક્કસ વિજયી બનાવશે જ.

(મયંક રાવલ)