મુંબઈગરાંઓની આવક વધી; દુનિયામાં ત્રીજો નંબર

વાર્ષિક ઘરેલુ આવકની વૃદ્ધિમાં દુનિયાના 32 મોટા દેશોમાં મુંબઈનો નંબર ત્રીજો આવ્યો છે. 2014-18ના વર્ષોના સમયગાળામાં કરવામાં આવેલા સર્વેક્ષણ પરથી આ આંકડા મળ્યા છે.

નાઈટ ફ્રાન્ક એજન્સીના અર્બન ફ્યૂચર્સ નામના પ્રારંભિક વૈશ્વિક અહેવાલમાં આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

પાંચ વર્ષના સમયગાળામાં મુંબઈના રહેવાસીઓની આવકમાં ઘણો વધારો થયો છે અને ઘરોની કિંમતમાં મધ્યમ વધારો નોંધાયો છે. આને કારણે મુંબઈ શહેર રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવું બન્યું છે. જોકે ભારતમાં રિયલ એસ્ટેટની માર્કેટ સૌથી મોંઘી મુંબઈમાં હોવાનું પણ માલુમ પડ્યું છે.

મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘરોની કિંમત 8 ટકાની ધીમી ગતિએ આગળ વધી છે, જ્યારે સરેરાશ ઘરેલુ આવક 20.4 ટકા વધી છે.

નાઈટ ફ્રાન્કે આ સર્વેક્ષણમાં દુનિયાના 32 મોટા શહેરોનો સમાવેશ કર્યો હતો. સર્વેક્ષણમાં ઘરોની કિંમત તથા લોકોની માથાદીઠ આવક વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

દુનિયામાં સૌથી વધુ આવક વધી છે, સેન ફ્રાન્સિસ્કો શહેરના લોકોની. એમની આવકમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે ઘરોની કિંમતમાં આવેલા ઉછાળાના મામલે એમ્સટરડેમ શહેર આવે છે. ત્યાં 2014-18ના સમયગાળામાં ઘરોની કિંમતમાં 63.6 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે સૌથી વધારે છે.

મુંબઈ ઉપરાંત મોસ્કો, સિંગાપોર અને પેરિસ શહેરોમાં પણ લોકોની સરેરાશ રિયલ ઈન્કમ રિયલ એસ્ટેટ ઘરોની કિંમતની સરખામણીમાં વધારે ઝડપથી વધી છે.

હાલનો અંદાજ એવો છે કે મુંબઈમાં સરેરાશ એક ઘરની કિંમત વાર્ષિક માથાદીઠ આવકની સરખામણીએ સાત ગણી છે, જે આંકડો 2014માં 11 હતો.