નોટ આઉટ@ 96: જ્યોતિભાઈ દેસાઈ

શિક્ષણમાં પરંપરાગત-અભિગમ કરતા ભિન્ન-અભિગમથી પ્રયોગો કરવા ગુંદી આશ્રમ, લોકભારતી અને વેડછી ગાંધી-વિદ્યાપીઠમાં (જે શિક્ષક-તાલીમ-પ્રોગ્રામને UNESCOએ માન્યતાની મહોર મારી!) અધ્યાપક રહી ચૂકેલા ગાંધીવાદી ક્રાંતિકારી જ્યોતિભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મુંબઈમાં. પિતા સ્વતંત્ર-સેનાની, માતા જુહુતારામાં કર્મઠ સ્વયંસેવિકા. મામા-માસીનાં આઠ ભાઈ-બહેનોમાં સૌથી નાના એટલે સૌ “નાનો” કહે. સ્વામી આનંદે તેમને દીકરાની જેમ સાથે રાખ્યા. તેમણે જ્યોતિભાઈનું જીવન અને વિચારધારા બદલી નાંખ્યાં! જ્યોતિભાઈએ 1942ની ચળવળમાં ભાગ લીધો અને જેલમાં ગયા, જ્યાં તેમનો આત્મવિશ્વાસ કેળવાયો. તેમની પ્રતિષ્ઠા એટલી વધી કે કોઈ તેમને કોલેજમાં લેવા તૈયાર થાય નહીં! મુંબઈના ત્યારના મેયર યુસુફ મેરેલ્લીને જ્યોતિભાઈ માટે માન. તેમણે એલ્ફિસ્ટન કૉલેજના પ્રિન્સિપલ પ્રોફેસર સીલને જ્યોતિભાઈના એડમિશન માટે ભલામણ કરી. પ્રોફેસર સીલે તેમને માત્ર અભ્યાસ માટે અને બીજી કોઈ પ્રવૃત્તિ ન કરવાની શરતે એડમિશન આપ્યું. જ્યોતિભાઈએ સામે શરત કરી કે નવમી ઓગસ્ટે ચળવળ થવાની છે જો તમે આગોતરા કોલેજમાં રજા આપો તો ચળવળ કરવાનો પ્રશ્ન જ આવે નહીં!

બીએસસી એલ્ફિસ્ટન કૉલેજ, મુંબઈથી. 1957માં લંડન યુનિવર્સિટીમાંથી શિક્ષણ-શાસ્ત્રની અનુસ્નાતક ડિગ્રી. 1975માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ-શાસ્ત્રનું ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ. શરૂઆતમાં ગુંદી સંતબાલજીના આશ્રમમાં, ત્યારબાદ લોકભારતી અને છેલ્લે વેડછીમાં 35 વર્ષ કામ કર્યું. પત્ની માલિનીબહેને આખી જિંદગી ખભેખભા મિલાવીને કામો કર્યાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

“નિવૃત્ત થયો જ નથી! હું કંઈ ઘરડો છું?!” સવારે ચાર વાગ્યે ઊઠે ત્યારથી  લેખન-વાંચન-ચિંતન-મનન કરે. ઉપનિષદની પ્રાર્થના કરે. રોજ બે કલાક અંબર-ચરખો કાંતે. વર્ષે 30 મીટર કાપડ એમને મળે. કામકાજ માટે 24 કલાક ઓછા પડે છે! સવારના નાસ્તા પછી થોડો આરામ કરે, ભોજન પછી પણ થોડો આરામ કરે. રાત્રે 9:00 વાગે સૂઈ જાય અને સવારે 4:00 વાગે ઊઠે. ઊંઘ સારી આવે છે.

શોખના વિષયો :  

વાંચવું, લખવું, વિચારવું, અંબર-ચરખો કાંતવો, શિક્ષણમાં ભિન્ન અભિગમથી પ્રયોગો કરવા વગેરે.  મધ્ય-અમેરિકામાં શાંતિકાર્ય વિશે છ લાંબા પત્રો પ્રગટ કર્યા, જે “અમાસ” પુસ્તક રૂપે પ્રગટ થયા. ગાંધી-વિચાર, નઈ-તાલીમ, શિક્ષણ, સાહિત્ય, પર્યાવરણ વગેરે વિષયો ઉપર અનેક લેખો તથા ‘વેડછીની સંસ્થાઓ’ અને ‘જીમ કોરબેટ’ નામની બે પરિચય-પુસ્તિકાઓ લખી છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત સારી છે, કોઈ દવા લેતા નથી. તબિયત સાચવવી એકદમ સિમ્પલ છે! પચે એટલું જ ખાવું! કંઈ થાય તો એક ઉપવાસ કરી લેવો. ઉપવાસ સારામાં સારી દવા! સવારે ઊઠી થોડી કસરત કરે. યોગ નથી કરતા. હસતા-હસતા ઉમેરે છે: “આટલાં બધાં તોફાન કર્યાં એ યોગ જ છે ને!”

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

મોબાઈલ, લેપટોપ વાપરે છે, વિકિપીડિયાનો  ડગલે-ને-પગલે સાથ લે છે, લેખ અને પુસ્તકો લખવા માટે જરૂરી બધી માહિતી મેળવી લે છે. તેમના મતે નવી ટેકનોલોજીનો  દુરુપયોગ કરનારા વધારે છે.

યાદગાર પ્રસંગો :

કોલેજમાં છેલ્લી બેંચે બેસે, જેથી તોફાન થઈ શકે! મજમુદાર સાહેબના ફિઝિક્સના ક્લાસમાં કોઈએ પાછળથી ચોક માર્યો. પ્રોફેસર કહે: કોણ છે આ ડરપોક? હિંમત હોય તો સામેથી ચોક મારો! જ્યોતિભાઈએ  ઊભા થઈ સામેથી ચોક માર્યો! અને પછી તો કેસ ગયો પ્રિન્સિપાલ પાસે! પ્રિન્સિપાલે પ્રોફેસરને સમજાવ્યા કે તમારે આ છોકરાઓ સાથે અભ્યાસ સિવાય બીજી કોઈ વાત કરવી નહીં!

Quit India ચળવળ બાદ ગાંધીજી રોજ સવારે જુહુ દરિયા-કિનારે ચાલવા જાય. જ્યોતિભાઈ પણ ત્યારે જ એ ચળવળમાંથી છૂટ્યા હતા. તેઓ પણ રોજ ચાલવા જાય. એકવાર જ્યોતિભાઈને થયું કે ગાંધીજીનાં પગલે-પગલે ચાલું! ગાંધીજી પાણીની નજીક એવી રીતે ચાલે કે તેમનાં પગલાં સ્પષ્ટ દેખાય. ગાંધીજીનો જેવો પગ ઉપડે કે જ્યોતિભાઈ તેમાં પગ મૂકે!  થોડા પગલાં ચાલ્યા હશે ત્યાં ગાંધીજીને ખ્યાલ આવ્યો કે કોઈ તેમના પગલે-પગલે ચાલે છે. એમણે તરત પાછું વળીને જોયું તો યુવાન જ્યોતિભાઈ! આંખોમાં આંખો નાંખી જ્યોતિભાઈ સામે તીખી નજરે જોઈ રહ્યા જાણે કહેતા હોય: “મારા પેંગડામાં પગ નાખવો સહેલો નથી!”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?:  

જીવી બતાવનારા યુવાનો ત્યારે પણ હતા અને આજે પણ છે! એની ખોટ સમાજને પડવાની નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

આજના યુવાનોમાં વધુ તાકાત છે, વધુ કમિટમેન્ટ છે. તેઓ વધારે ફોર્સફુલ છે. મને આજના યુવાનો માટે ઘણું  માન છે, ઘણી આશાઓ છે.

સંદેશો :

it’s a time to act! Things  are going wrong! REVOLT!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]