નોટઆઉટ@94: ગિરધરભાઈ પુજારા

ગિરધરભાઈ પુજારા (૯૪ વર્ષ).  જન્મ ધાંગધ્રામાં પણ જીવનના શરૂઆતના 20 વર્ષ કરાંચીમાં ગાળ્યાં. ત્યાં પિતાનો કોટનનો બિઝનેસ હતો. કરાંચીમાં ગુજરાતીઓ વધુ.  ત્યાંની “ગુજરાત વિદ્યાલય” નામની ગુજરાતી મીડીયમ શાળામાં મેટ્રિક સુધી ભણ્યા. પાર્ટીશન વખતે કરાંચીથી જામનગર બોટમાં સફર કરી આવ્યા. પાર્ટીશન સમયની સરકારની પોઝીટીવ વાતો બહુ ઓછી સાંભળવા મળે છે જે તેમની પાસેથી સાંભળી.

 

 

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

પાર્ટીશન વખતે કરાંચીથી બોટમાં બેસી જામનગર બેડી બંદર ઊતર્યા. સરકારની અને સ્થાનિક લોકોની વ્યવસ્થા એટલી સરસ કે નિરાશ્રિતો  બોટમાંથી ભારતની બોર્ડરમાં લેન્ડ થાય કે તરત તેઓ પ્રેમથી તેમને જમાડે અને તેમની ખૂબ જ કાળજી લે. તેમને ખબર હતી કે આવનારાં લોકો પોતાનાં ઘર-બાર, માલ-મિલકત અને પોતાનું બધું છોડીને, પહેરે કપાળે માત્ર  મા-બાપ કે ભાઈ-બહેન સાથે અહીં આવી રહ્યાં છે. નિરાશ્રિતો થોડાં સેટલ થાય તે પછી તેમને દરેકને ગ્રુપમાં પોતાના કુટુંબ અને મિત્રો સાથે જામનગરથી પોત-પોતાને ગામ કાળજી લઈને  પહોંચાડે અને તેમના જીવન-નિર્વાહ માટે સગવડ કરે. તેમને  ટાઈપિંગ આવડતું હતું એટલે ધાંગધ્રા સ્ટેટમાં તેમને તરત જ નોકરી મળી ગઈ. 42 રૂપિયાના પગારથી પહેલી નોકરી શરૂ કરી! આટલા પગારમાં ઘરનો  જીવન-નિર્વાહ થઈ જતો હતો એટલે તેમણે સાથે સાથે ભણવાનું શરૂ કર્યું. ધાંગધ્રામાં જ એક કલાકાર મિત્ર પાસેથી પેઇન્ટિંગ કરતાં શીખ્યો અને ચિત્રકલામાં ઊંડો રસ જાગ્યો.

ગુજરાત સ્ટેટ અલગ થતાં અમદાવાદ સચિવાલયમાં નોકરી મળી. ત્યારથી તે રીટાયર થતાં સુધી સચિવાલયની નોકરી ચાલુ રહી! જુદી જુદી પોસ્ટ ઉપર જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરતો રહ્યો. સચિવાલયની નોકરી સાથે બી.એ. એલ.એલ.બી. ભણ્યો. ગુજરાતના ઘણા બધા મિનિસ્ટર જેવાં કે શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ, વજુભાઇ શાહ, છબીલદાસ મહેતા, પ્રતાપ શાહ, યશવંત મહેતા વગેરે સાથે કામ કર્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

શરૂઆતના વર્ષોમાં ઓફિસનું ઘણું કામ રહેતું. તેને પણ ૩૦ વર્ષ થઈ ગયાં! હવે વાંચન, આરામ, ટીવી, પેઇન્ટિંગ અને રોજ સાંજે મિત્રો સાથે કેરમ, પત્તા વગેરે રમવાનું.

યાદગાર પ્રસંગ :

૭૮ વર્ષની ઉંમરે કળાનો કીડો ફરી સળવળ્યો! કલા-મહાવિદ્યાલયમાં ચિત્ર શીખવા ગયો! ઈન્દુબેન, એજ્યુકેશન મિનિસ્ટરનો હું પી.એ. રહી ચુક્યો હતો એટલે ઓળખી ગયા. મારાં ચિત્રો જોઈ મને એડમીશન આપવાનો તેમણે વાયદો કર્યો. કહે કે આપ આવી જાઓ શીખવા માટે, પણ આ ઉંમરે હું તમારી ફી લઈ શકું નહીં.  મને પણ એટલી ખુમારી કે ફી વગર મફત તો હું કેવી રીતે ભણું? બહુ ચર્ચા પછી નક્કી કર્યું કે હું ફી તો આપીશ જ! તે રકમમાંથી તમે એક યોગ્ય વિદ્યાર્થીની ફી ભરી  તેને એડમીશન આપજો અને ભણાવજો! મારી કલાયાત્રા પાછી આગળ ધપી!

ઉંમરની સાથે કઈ રીતે કદમ મિલાવો છો?

તબિયત એકદમ સરસ છે. ખાણીપીણીનો શોખ છે. અને મગજ એકદમ પોઝીટીવ છે! જો તમે પોઝિટિવ રહેશો તો કોઈ તકલીફ આવશે જ નહીં. નેગેટિવ શબ્દને પાસે આવવા દેવો જ ન જોઈએ.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

મારે ૩ યુવાન પૌત્ર-પૌત્રીઓ છે. તેમની સાથે અને તેમને લીધે આજની પેઢી સાથે સંકળાયેલો છું. પણ વધારે તો રોજ સાંજે બે કલાક કેરમ, પત્તા વગેરે રમતો રમીએ છીએ. બાળકો અને યુવાનો સાથે સંકળાયેલા રહેવા રમતો જેવું કંઈ નહીં!  સૌથી મોટો એંકર છે! તમે પણ એમની સાથે યુવાન બની જાવ!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેના ફાયદા, ગેરફાયદા અને ભયસ્થાનો :

મોબાઇલ અને કોમ્પ્યુટર ઘણી કામની વસ્તુઓ છે, પણ આ ઉપકરણો નાના બાળકોને ન આપવા જોઈએ. એનાથી એમનો પ્રોગ્રેસ અટકી જાય છે. બાળકોની ડેવલપમેન્ટ માટે તેમની સાથે સમય ગાળો, રમતો રમો, કિલ્લોલ કરો. તે જ તેમના વિકાસનું કારણ છે.

શું ફેર છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાંનું જીવન બહુ સરળ હતું. પહેલાં તો જે મળ્યું તે ખાઈ-પીને જીવવાનું! માં-બાપ જે કપડાં લાવે તે પહેરી લેવાનાં. આજે તો ખાવા-પીવા અને કપડાં માટે માં-બાપ અને બાળકો પણ બહુ પર્ટિક્યુલર છે. આજના બાળકોને  દેખાવના અને કપડાંના કેટલા બધા નખરા છે!

સંદેશ :

જે પણ ક્ષેત્રમાં હો ત્યાં આળસ રાખ્યા વગર કામ કર્યા કરો તો તમને સફળતા મળતી જ જશે. જીવનનો અર્થ જ છે બદલાવું ! એ તો Process of life છે. બદલાશો તો જ જીવતા રહેશો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]