નોટઆઉટ@87: કર્નલ રોહિતભાઈ દેસાઈ

કર્નલ રોહિતભાઈ દેસાઈ, જન્મ સૌરાષ્ટ્રમાં, અભ્યાસ મુંબઈમાં. ચાર ભાઈ-બેનનું મધ્યમવર્ગી કુટુંબ. મુંબઈમાં બીડીએસ (BDS) ભણીને તરત કોલેજમાં જ નોકરી લઈ લીધી. યુ.એસ.એ જવાની તૈયારી કરતા હતા ત્યાં આર્મીમાં ભરતીની એક જાહેરાત પર નજર પડી. તૈયારી કરી પરીક્ષા આપી અને લેફ્ટનન્ટ તરીકેની માતબાર પગાર (૧૯૫૯માં મહિને રૂ.550/- અને બહુ બધી સવલતો)  સાથેની સરસ નોકરી મળી ગઈ એટલે લઈ લીધી!

 તેમની સાથેની વાતચીતનો એક્સ-રે :

પુના અને લખનૌમાં ટ્રેનિંગ લીધા બાદ અંબાલામાં આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજમાં પહેલું પોસ્ટિંગ થયું. પછી તો સિક્કિમ, મિઝો હીલ્સ, ઔરંગાબાદ, પંજાબ, હિમાચલ પ્રદેશ,જમ્મુ-કાશ્મીર, ધ્રાંગધ્રા, અહેમદનગર (NDA) અને છેલ્લે વડોદરા… એમ આખા ભારતમાં જુદા જુદા સ્થળોએ પોસ્ટિંગ થયું. ૭૧ની લડાઈ વખતે જમ્મુ-કાશ્મીર હતા! પિતાના મૃત્યુ બાદ ૩ વર્ષ ધ્રાંગધ્રા પોસ્ટિંગ લીધું. દસ વર્ષે કેપ્ટન અને પછી સમય જતાં લેફટેનન કર્નલ અને કર્નલ તરીકે બઢતી મળી.

નિવૃત્તિની પ્રવૃત્તિ:

૧૯૯૧માં રીટાયર થયો એ પછી 15 વર્ષ દાંતના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી. મારી જાતને હું કાયમ અપડેટ કર્યા કરું છું. દુનિયા ઝડપથી બદલાઈ  રહી છે તેથી તેની સાથે કદમ મિલાવવા આપણે પણ બદલાતા જ રહેવું પડે! રોજ સવારે ત્રણ-ચાર કલાક ગોલ્ફ રમું છું.  આવીને 3 ન્યૂઝ પેપર વાંચું છું, એક મોદી વિરોધી, એક મોદી તરફનું અને એક તટસ્થ! જમીને થોડો આરામ કરીને યોગ તથા મેડિટેશન પણ નિયમિત રીતે કરું છું. મેડિટેશન મને ગોલ્ફ રમવાના  કોન્સન્ટ્રેશન માટે બહુ ઉપયોગી લાગે છે.

શોખના વિષયો :

હું રમતવીર (sports person) છું એટલે ટેનિસ, સ્ક્વોશ કે  કોઈપણ રેકેટ ગેમ રમવી મને ગમે છે. મારા પત્ની પણ સારા ખેલાડી છે. તેમના સમયના રાજ્યકક્ષાના કબડી તથા ખો-ખોના ખેલાડી રહી ચૂક્યાં છે. અઠવાડીયામાં ચાર વાર તો ગોલ્ફ રમું જ છું. વાંચવાનું  બહુ ગમે છે. કોલેજના સમયમાં નાટકમાં પણ ભાગ લીધો હતો! ભારતની સ્વતંત્રતાનો ઇતિહાસ વાંચવાનો બહુ ગમે છે.

યાદગાર પ્રસંગ :

મારું મિઝો હીલ્સમાં પોસ્ટિંગ હતું ત્યારે સરહદ પર તકલીફ ઊભી થઈ હતી. ટેકનિકલ સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને વર્કશોપનો સ્ટાફ ગભરાતો હતો. ત્યારે મેં ડોક્ટર હોવા છતાં ગઢ સંભાળ્યો હતો. લશ્કરી મદદ આવે ત્યાં સુધી મોરલ સાચવી બધાંને ધરપત આપી હતી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

મને કંઈ ને કંઈ નવું  કરતા રહેવાનું બહુ ગમે છે. સતત સક્રિય રહું છું. રમતગમતમાં ઇન્ટરેસ્ટ હોવાથી અને મેડિટેશનને લીધે તબિયત સારી રહે છે. છેલ્લા બે વર્ષના કોરોનાના  ટાઈમમાં youtube ઉપર જોઈ જોઈને હું રસોઈ કરતા પણ સરસ શીખી ગયો છું!

આજની પેઢી સાથે સંકળાયેલા છો ?

હા, હું ગોલ્ફ રમવા જઉં ત્યાં ઘણા યુવાનો સાથે ગોલ્ફ રમું છું. તેઓ માટે તો હું ઇન્સ્પિરેશન છું! મને કોઈની પણ  સાથે વાતો કરવામાં કે હળવા-મળવામાં કોઈ પણ જાતનો સંકોચ નથી. અમારી સોસાયટીના યુવાનો સાથે પણ દિલ ખોલીને મળું છું. કોરોનામાં ચાલવા નીકળતો ત્યારે પણ ઘણા યુવાનો સાથે મળવાનું થતું.

શું ફેર છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

પહેલાના જમાનામાં વડીલો તરફથી ઘણી મર્યાદાઓ મૂકવામાં આવતી. વડીલોની સામેથી નીકળાય નહીં, એમની સામે બોલાય નહીં, ઘરનાં વડીલો કહે તેમ જ કરવું પડે, વગેરે વગેરે. આજના જમાનામાં વડીલો અને યુવાનો વચ્ચે કોમ્યુનિકેશન બહુ સરસ ખુલી ગયું છે. યુવાનો પોતાની મરજીથી નિર્ણયો લઈ શકે છે.

નવી ટેકનોલોજી વાપરો છો? તેના ફાયદા, ગેરફાયદા અને ભયસ્થાનો :

60 વર્ષની ઉંમરે હું પહેલા ટાઇપિંગ શીખ્યો અને પછી ઈ-કોમર્સ શીખ્યો! અને છેલ્લે કોમ્પ્યુટરના ક્લાસ કર્યા! આજે બધી જાતનું કામકાજ હું કોમ્પ્યુટરની મદદથી કરી શકું છું. એકદમ ટેક્નો-સેવી (Techno savvy) છું. ટાટા ક્લિક, જીઓ, ઝોમેટો, વગેરેનો રેગ્યુલર ગ્રાહક છું! કોઈપણ ટેકનોલોજી એ સારી વસ્તુ છે, પણ તેનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. તમારે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરવો તે નિર્ણય તમારે સમજી, વિચારીને કરવો જોઈએ.

સંદેશ :

બાળકો, યુવાનો અને વડીલોએ એકબીજા સાથે પરફેક્ટ કોમ્યુનિકેશન રાખવું જોઈએ. ક્યારેય ગેરસમજ થવા દેવી નહીં. કોમ્યુનિકેશનની બધી બારીઓ ખુલ્લી રાખો. બાળકો અને યુવાનો સાથે વડીલોએ તેમની રીતે અને તેમની ભાષામાં વાત કરવી જોઈએ!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]