નોટઆઉટ@84: હસુબેન પટેલ

પૂ. પાંડુરંગ આઠવલેજીની પ્રેરણાથી ચાલતા સાન-હોઝે (અમેરિકા)ના સંસ્કાર-કેન્દ્રની શિબિરમાં 400 બાળકોના કલબલાટની વચ્ચેથી એક મીઠો, પ્રેમાળ છતાં બુલંદ સ્વર રણકે “કૃષ્ણમ્ વંદે”……એક સ્વરે “જગદ્ ગુરું”નો પડઘો ન પાડે ત્યાં  સુધી બાળકો સાથે આ સંવાદ ચાલે! પછી સ્થપાય પાવક શાંતિ! આ મીઠો, બુલંદ સ્વર હસુબેન મણીભાઈ પટેલ (૮૪)નો!  અમેરિકાથી વડોદરા આવ્યાં છે, ૮૨ વર્ષનાં બહેનની સાથે પોતાનાં ૧૦૪ વર્ષનાં માતાની સંભાળ રાખવા!

તેમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, ચાર બહેન, બે ભાઈના  કુટુંબમાં તેઓ સૌથી મોટાં. ગાંધીવાદી કન્યા શાળામાંથી વિનીત સુધીના અભ્યાસ પછી MA, LLB, ભણ્યાં. ૧૭ વર્ષે લગ્ન,  અભ્યાસ બાદ ગાંધીનગર, વિધાનસભા, સચિવાલયમાં નોકરી સ્વીકારી. ત્યાં તેમને  પૂ. આઠવલેજીના “સ્વાધ્યાય”નો પરિચય થયો. સ્વાધ્યાય પરિવારનો ભાગ બન્યાં. ૧૯૮૩માં અમેરિકા ગયાં. ન્યૂયોર્ક સિટીની  ભૂગર્ભ-ટ્રેન માટેની પરીક્ષા પાસ કરી સારી નોકરી મેળવી. દીકરાને ડોક્ટર બનાવ્યો! ન્યુયોર્કમાં પણ સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ રહી.

નિવૃત્તિની પ્રવૃત્તિ:

સ્વાધ્યાય તેમની આખા સમયની નોકરી! સ્વાધ્યાયની પ્રવૃત્તિ જાણે તેમના લોહીમાં ઊતરી ગઈ છે! તેને લીધે ઘણી શક્તિઓ ખીલી છે. દીકરો-વહુ અને દીકરી પણ સ્વાધ્યાયમાં સામેલ છે. સ્વાધ્યાય માટે  ૫૪ વર્ષની ઉંમરે તેઓ ડ્રાઇવિંગ શીખ્યાં! સંસ્કાર-કેન્દ્રમાં તેઓ બાળકોને શ્લોક શીખવાડે, એક્ટિવિટી કરાવે, બાળકોમાં સંસ્કાર ઊભા કરવા “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ,  આચાર્ય દેવો” શીખવે. વાર્તાઓ દ્વારા સંસ્કાર સિંચન કરે.  ભગવાન માટે આદર-પ્રેમ હશે તો મા-બાપ માટે પણ થશે એવી શ્રદ્ધા સાથે! ૧૯૯૧માં પૂ. દાદાની પ્રેરણાથી પરદેશમાં  ભારતીય સંસ્કૃતિના વિચારો, સ્વાધ્યાયનું મહત્ત્વ અને સાચી ભક્તિના વિચારો લઈ જવા ભક્તિફેરી શરૂ કરી. ફીજી આઈલેન્ડ બાર-ચૌદ વાર તથા ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા દસ-બાર વાર જઈ આવ્યાં.

શોખના વિષયો :

વાંચવું, લખવું, ભગવાનનું કામ કરવું, પ્રવાસયાત્રા કરવી, બાળકો માટે વાર્તાઓ, નાટકો, જુદા જુદા પ્રોગ્રામ તૈયાર કરવા વગેરે. અમેરિકામાં એટલે બધું અંગ્રેજીમાં.

યાદગાર પ્રસંગ :

દક્ષિણ અમેરિકાનો ગયાના દેશ. જૂની બ્રિટીશ કોલોની. બ્રિટીશરો મજુરી માટે લાલચ આપી ભારતમાંથી લોકોને ત્યાં લઈ ગયા હતા. કેટલાક મૂળ ભારતીય લોકો ન્યૂયોર્ક આવીને વસ્યા છે. ભાવફેરીના ભાગરૂપ એમના પરિચયમાં આવવાનું થયું. ભારતીય સંસ્કૃતિ માટે તેમને અપાર પ્રેમ. એક ભાઈએ ભારતની માટી મંગાવી  લાડવો બનાવી પૂજામાં મૂકી છે! ઘેર પૂજારી પૂજા કરવા જાય તો તેમના પગ ધોઈને પ્રણામ કરી આવકારે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?

મોટી કોઈ બીમારી આવી નથી. વેરીકોસ વેઈનની બીમારીથી પગ દુઃખે છે, હાથ થોડા ધ્રૂજે છે, પણ કસરતો, પ્રાણાયામ અને દવાઓથી બધું કંટ્રોલમાં છે. ખાવામાં બહુ જ નિયમિત છે, તળેલું કે ગળ્યું બહુ ઓછું લે છે. રોજના ઓછામાં ઓછા ૪૦૦૦ પગલાં ચાલે છે. દીકરો અને વહુ બહુ કાળજી રાખે છે. સ્વાધ્યાય કાર્યને લીધે મન ખીલેલું રહે છે.

આજની યુવાન પેઢી સાથે સંકળાયેલા છો ?

હા,સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ખૂબ સક્રિય છું. નવી પેઢી તેમાં ઉત્સાહથી સંકળાયેલી છે, તેથી તેમની સાથે આત્મીય સંબંધ છે. પૂ. દીદીજીના માર્ગદર્શન હેઠળ જીવનમાં સંસ્કૃતિ અને સદગુણોનું સિંચન થાય તે માટે પ્રયત્નશીલ છીએ. દેશ-વિદેશના સંતો અને મહાનુભાવો વિષે, આપણા તહેવારો, તીર્થધામો અને પ્રતીકો  વિષે ચર્ચાવિચારણા તેમની ભાષામાં કરીએ છીએ. મારે એક પૌત્ર છે જેની સાથે મારે ખૂબ આત્મીય સંબંધ છે.

શું ફેર પડ્યો ‘ત્યાર’માં અને ‘અત્યાર’માં?

હંમેશા બે પેઢી વચ્ચે જનરેશન ગેપ તો રહેવાનો જ.  પણ બાળપણથી વડીલો માટે પ્રેમ અને આદરનું સિંચન થયું હોય અને વડીલો યુવાનોને સમજવા તૈયાર હોય તો સુંદર સુમેળ જામી શકે અને સંઘર્ષ ન થાય.

નવી ટેકનોલોજી વાપરો છો? ફાયદા, ગેરફાયદા અને ભયસ્થાનો :

વર્તમાન યુગમાં બહારની દુનિયા સાથે અને દૂર વસતાં આત્મીયજન સાથે સંપર્કમાં રહેવા માટે whatsapp, E-mail, facebook વાપરું છું, પણ હાર્ટ-ટુ-હાર્ટ વાત કરવી વધારે ગમે છે! નવાં ઉપકરણો દ્વારા નવું જાણવા અને શીખવા મળે છે, પણ તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થાય તે જરૂરી છે.

સંદેશ :

ભયથી, અપેક્ષાથી કે પરંપરાથી ચાલતી ભક્તિને બદલે જીવનમાં સાચી ભક્તિ લાવવી જરૂરી છે. સૃષ્ટિ ચલાવવાવાળી વૈશ્વિક શક્તિ મારી અંદર જ છે. હું મહાન સંસ્કૃતિનું સંતાન છું તેનું ગૌરવ દરેકને થવું જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]