નોટઆઉટ@82: જીતેન્દ્ર મહેતા

જીતેન્દ્ર રસિકલાલ મહેતાનો (82)  જન્મ મહેમદાવાદમાં  અને જીવનના શરૂઆતના વર્ષો વડોદરામાં પણ ખરી કર્મભૂમિ બેંગ્લોર. 22 વર્ષે ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ કરી એલેમ્બિકમાં નોકરીએ લાગ્યા. પહેલો પગાર 135 રૂપિયા! આખી જિંદગી એલેમ્બિકમાં કામ કર્યું! Love all, Serve all! Help ever, hurt never !  “માનવસેવા એ જ માધવ સેવા” જેવા મંત્રો સાથે તેમણે બેંગ્લોરના સત્યસાંઈબાબાના આશ્રમમાંથી  જીવન જીવવાનું અમૂલ્ય ભાથું મેળવ્યું.

 

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

નોકરી શરૂ કર્યાના થોડા વખતમાં કંપનીના પ્રોજેક્ટ માટે બેંગ્લોર જવાનું કહેણ આવ્યું. ઘણી મથામણ પછી બેંગ્લોર (whitefield) જવાનું નક્કી કર્યું. ફેક્ટરીની નજીકમાં  સત્યસાંઈબાબાનો આશ્રમ. નોકરીમાં સાહેબો ધાર્મિક એટલે સમય હોય અને  આશ્રમમાં જરૂર હોય તો મદદ કરવા જવું એવું નક્કી થયું. આશ્રમમાં કોઈ એન્જિનિયર નહીં એટલે ઘણી વાર ત્યાં મદદ માટે જવું પડે. ગુરુવારે/ રવિવારે ભજન હોય, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવાનું કામ હોય, ટ્રેનિંગ-કેમ્પ, સ્ટડી-સર્કલનું આયોજન કરવાનું હોય તો તેઓ મદદ માટે જતા. ક્યારે આશ્રમનો રંગ લાગી ગયો અને ક્યારે તેઓ બાબાના ફેવરિટ પ્રિય થઈ ગયા તે ખબર જ પડી નહીં! તેમનું આખું જીવન ભક્તિના રંગમાં રંગાઈ ગયું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સત્યસાંઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ કો-ઓર્ડિનેટર તરીકે રોજ પાંચ-છ કલાકની સેવા આપી રહ્યા છે. સેવાદળ તૈયાર કરવાનું, તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવાની, તેમને ફરજો સમજાવવાની, તેમની બીજી સગવડો સાચવવાની… આ બધી જવાબદારીમાં તેમનો નિવૃત્તિનો સમય પૂરેપૂરી પ્રવૃત્તિમાં જઈ રહ્યો છે.

ઉંમરની સાથે કઈ રીતે કદમ મિલાવો છો?

કોઈ મોટી માંદગી આવી નથી. દસેક વર્ષ પહેલાં બંને ની રિપ્લેસમેન્ટના ઓપરેશન કર્યા છે, પરંતુ તબિયત ઘણી સારી રહે છે એટલે દોડાદોડ કરી શકાય છે. સેવા એ જ ધર્મ માની જીવન બહુ સરસ રીતે ચાલી રહ્યું છે.

યાદગાર પ્રસંગ :

આશ્રમમાં બાબાની વર્ષગાંઠનો મોટો પ્રસંગ સુંદર આયોજન સાથે ઊજવ્યો તેની યાદગીરીમાં બાબાએ મને ઘડિયાળ ભેટ આપી હતી જે હું આજે પણ વાપરી રહ્યો છું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?

સેવાદળમાં લગભગ ૧૧૦ સભ્યોના ટાઈમ-ટેબલ ગોઠવવાના, તેમને કામ શીખવવાનું, તેમનો હિસાબ રાખવાનો, એટલે મોબાઇલ અને ઇ-મેલનો ઉપયોગ કરવો જ પડે એટલે નવી ટેકનોલોજી સાથે વણાયેલો છું. વળી  દીકરો પણ નવી ટેકનોલોજીની કંપનીમાં ઘણો આગળ છે. નવી ટેકનોલોજી અને સેવાનું કોમ્બિનેશન જીવનમાં કંઈક નવું જ પ્રેરક બળ આપે છે!

નવી ટેકનોલોજીના ફાયદા, ગેરફાયદા અને ભયસ્થાનો :

હોસ્પિટલમાં અને સેવાદળમાં યુવાનો સાથે રોજ-બ-રોજની જિંદગીમાં જોડાયેલો છું. વળી ઘરમાં પૌત્રો મારી સાથે ઘણું હળીમળી ગયા  છે. એટલે તેમની સાથે પણ સંવાદ થતો રહે. નવી ટેકનોલોજીનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ તો સારું જ છે, પણ છોકરાઓ તેનો મિસ યુઝ કરે છે. ફોન, whatsapp, વિડીયોમાં સમય બગાડે છે. મારો સમય બગડે નહીં તે માટે હું બિલકુલ સાદો ફોન વાપરું છું!

શું ફેર છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

ત્યારે જીવન ધીમું હતું પણ સચોટ અને સારૂં હતું. ફેમિલી એક યુનિટ તરીકે જીવતું હતું. વડીલો માટે આદર હતો, માન હતું. હવે જીવન બહુ ફાસ્ટ થઈ ગયું છે. ફેમિલી બોન્ડીંગ ભૂલાતું જાય છે. કોરોનાએ પાછું શીખવી દીધું છે! લોકો પાસે સમય નથી. તમારી સગવડો વધી તો તમને સમય તો મળવો જોઈએને? વધેલો સમય બગાડવાને બદલે તમારે કુટુંબ માટે વાપરવો જોઈએ. પહેલાં પણ દિવસ તો ચોવીસ કલાકનો જ હતો! જાતે નક્કી કરો કે તમે કેટલા કલાક ડેવલપમેન્ટ માટે, સેવા માટે, જ્ઞાન માટે ઉપયોગમાં લેવા માંગો છો અને બાકીનો સમય મનોરંજનમાં  બગાડવા માંગો છો. સમયનો સદુપયોગ જ તમારી અને બીજાની જિંદગી સુધારી શકશે.

સંદેશ :

કાયમ હસતા રહો તો જિંદગી પણ તમને આગળ વધારતી રહેશે. તમારા માબાપ જ તમારા ભગવાન છે. ઘરમાં જ ભગવાન છે. તેમની સેવા કરો, માણસોની સેવા કરો. તમારે ભગવાન શોધવા ક્યાંય જવાની જરૂર નથી. બીજું, જિંદગીમાં કોઈ પણ જાતનું એટેચમેન્ટ રાખવું નહીં. ગીતા સાંભળ્યા પછી મહાભારતના સંગ્રામમાં લાખો લોકોનો સંહાર થયો પણ તેનું પાપ અર્જુનને લાગ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]