નોટ આઉટ@82: બકુલાબેન પરીખ

બાળકોને શાળાનું જ્ઞાન આપતાં-આપતાં પોતે આધ્યાત્મ જ્ઞાનની સફરે નીકળી પડ્યાં એવાં બકુલાબેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ સુરેન્દ્રનગરમાં, સાત બહેનો, ત્રણ ભાઈનું સુખી કુટુંબ. પિતા ક્રિમિનલ લોયર. બકુલાબેનનો અભ્યાસ બીએ, બીએડ સુધી. જીએલએસ સ્કૂલમાં 23 વર્ષ શિક્ષણ-કાર્ય કર્યું છે. ઇંગલિશ અને ભાષાઓ ઉપર સારો કાબૂ, જરૂર પ્રમાણે સમાજવિદ્યા કે પર્યાવરણ જેવા વિષયો પણ ભણાવે. આજે 40 વર્ષે પણ જૂનાં વિદ્યાર્થીઓ પ્રેમથી મળવા આવે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

નિવૃત્તિમાં ભગવાનનું નામ! હસતાં હસતાં કહે છે. સવારે વહેલા ઊઠી ચા પી ભક્તિ કરે. ઘરકામ, સફાઈ, રસોઈ બધું જાતે કરે.  પછી છાપુ વાંચે. એકલાં છે, કોઈ સમય સાચવવાના નથી. ઘણું વાંચન કરે છે,  વિવેકાનંદ, શ્રી અરવિંદ, યોગીને વાંચ્યા છે. મહાવતારબાબાનો પરિચય થયો, નવરંગભાઈના ધ્યાનના અનુભવોનો લાભ લીધો. હિમાચલ-પ્રદેશમાં તથા ઉત્તરાખંડમાં ગુરુના  આશ્રમમાં જઈને રહે છે. દસ-વર્ષ સોસાયટીમાં સત્સંગ કરાવ્યો, રામાયણ, શિવપુરાણ, ભાગવત સમજાવ્યું. અગિયારસે વિષ્ણુ-સહસ્ત્રનામ કરાવ્યું. અહીંથી પરદેશ ગયેલી બહેનો હજુ પણ વિષ્ણુ-સહસ્ત્રનામ કરે છે! દર શનિવારે સાંજના  સાડા-સાતથી સાડા-નવ તેમના ઘરે ભજન હોય,. 15-20 જણનો પ્રસાદ (જમવાનું) જાતે બનાવે! રામનવમીએ 70-80 જણનો પ્રસાદ તેઓ જાતે બનાવે!

શોખના વિષયો :

સંગીત, રસોઈ, વાંચન, ટીવી જોવું, પિક્ચર જોવાં, ગરબા કરવા. સ્કૂલ-કોલેજમાં નાટક બહુ જોયાં અને કરાવ્યાં! ફરવાનો ઘણો શોખ. ચારધામ યાત્રા અને વૈષ્ણવી-દેવીની યાત્રા પાંચ વાર કરી. લેહ-લડાખ તથા હિમાચલ-પ્રદેશ ઘણીવાર જઈ આવ્યાં. હિમાચલ-પ્રદેશમાં તથા ઉત્તરાખંડમાં ગુરુના આશ્રમમાં વારંવાર જવાનું થાય છે.

યાદગાર પ્રસંગો :

“મને ધ્યાન-ભક્તિ કરવી-કરાવવી પહેલેથી ગમે. હું સ્કૂલમાં પણ છોકરાંઓને ધ્યાન કરાવું. એકવાર છોકરાઓને ધ્યાનમાં બેસાડ્યા. એક છોકરો મુસ્લિમ. ધ્યાન કર્યા પછી મેં બધાને પૂછ્યું કે તમને શું દેખાયું? આંખો બંધ કરીને મુસ્લિમ છોકરાએ કીધું: મને એક કાળો અર્ધગોળાકાર પથ્થર દેખાયો,  તેને ફરતો સાપ હતો અને ઉપર ઘંટ વાગતો હતો! જાણે સાક્ષાત શિવજીએ દર્શન આપ્યા હોય તેવું મુસ્લિમ છોકરાએ વર્ણન કર્યું!”

“મારા પતિ ઇન્શ્યોરન્સ-સર્વેયર હતા. એકવાર એક ટ્રક-માલિક તેમની પાસે આવ્યા. ખાનગીમાં વાત કરી કે 30,000 પાસ કરાવી દો તો 15,000 તમને આપું. મેં પાછળથી સાંભળ્યું! તેમના ગયા પછી પતિને આજીજી કરી  કે ખોટો રૂપિયો ઘરમાં લાવશો નહીં. મારા પતિ 2014માં અવસાન પામ્યા ત્યાં સુધી કોઈનો ચાનો કપ પણ પીધો નથી! ઓફિસરો કામ આપતા બંધ થઈ ગયા. મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો!”

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

ઈશ્વર-કૃપાથી તબિયત સારી છે. હજુ સુધી બસમાં મુસાફરી કરી શકું છું! ચાલવા જતી નથી કે કસરત કરતી નથી. બહારનું ખાતી નથી, ઘરનું જ ખાવાની ટેવ છે. કામ કરવાનું ગમે છે અને શરીરનું વજન ઓછું છે, કદાચ, એટલે તબિયત સારી છે. બીપીની દવા લેવી પડે બાકી બીજી કોઈ દવા નથી. માતા-પિતાના આશીર્વાદથી નીતિ અને પ્રમાણિકતા જીવનમાં આવી. સંતોના સત્સંગ અને સમાગમથી મન આધ્યાત્મ તરફ વળ્યું.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

હા, મારા વિદ્યાર્થીઓ, તેમનાં બાળકો, કુટુંબમાં બેનનાં, જેઠનાં બાળકો વગેરે સાથે ટચમાં છું. પણ, આજની જનરેશનને ઘરડા માણસો ગમતાં નથી, એવું  મારું માનવું છે. આપણા અનુભવ પ્રમાણે આપણાથી કંઈ બોલાઈ જાય તે બાળકોને અને યુવાનોને ગમે નહીં. હમણાં રસ્તા પર થોડાક યુવાનો તમાકુ ખાતા હતા. મારાથી બોલાઈ ગયું: ‘કેમ તમાકુ ખાવ છો? કેન્સર થઈ જશે!’ આજુબાજુનાં લોકો ગુસ્સે થયાં કે કેમ સલાહ આપો છો? મારા દેશનું યુવા-ધન વેડફાતું હોય અને કંઈ કહેવાય પણ નહીં?

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

વાસ્ટ ડીફરન્સ છે! પેઢી બદલાઈ ગઈ છે, વર્તન બદલાઈ ગયું છે! માતા-પિતાને સાંભળતા નથી. આપણે ક્યારેય માતા-પિતાને સામે-મોઢે થતાં નહીં, આજે ઘેર-ઘેર મા-બાપની સ્થિતિ ખરાબ છે. સંસ્કાર, વિનય, વિવેક રહ્યા નથી. નીતિ, પ્રામાણિકતા ઘટી રહી છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

કોમ્પ્યુટર ઉપર સારી રીતે કામ કરી શકતાં. ટેકનોલોજીનો  ઉપયોગ ગમે. તેઓ કોમ્પ્યુટર પર રમતો રમતાં, ખાસ કરીને વર્ડ-ગેમ રમતાં. હવે યાદદાસ્ત થોડી ઓછી થઈ છે, પણ તેમના મતે ટેકનોલોજીનો ઉપયોગ તો કરવો જ જોઈએ.

સંદેશો :

સાચી દેશભક્તિ રાખજો અને દેશની સેવા કરજો! સત્ય, નીતિ અને  પ્રમાણિકતાનું મહત્વ સમજજો! જીવનમાં ક્યારેય ખોટું કામ કરશો નહીં તો સુખી થશો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]