નોટઆઉટ@100: ચંચળબેન પટેલ

આખી સદીની તડકી-છાંયડી જોઈ છે તેવા શતાયુ પૂજ્ય ચંચળબેન પટેલ સોસાયટીની બધી મહિલાઓના માર્ગદર્શક. બાળકો બધાં અમેરિકા રહે. વર્ષ દરમિયાન આવતાં-જતાં રહે, પણ મોટાભાગના સમયમાં એકલા.

 એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

1922માં  કરજણ તાલુકાના સાંદરણા ગામમાં જન્મ, ચાર ચોપડી સુધી ભણ્યાં. 13 વર્ષે લગ્ન થયા, કરજણ તાલુકાના અટાલી ગામમાં, પરસોતમભાઈ (નાગજીભાઈ) સાથે. પતિ ગામના સૌથી પહેલા ગ્રેજ્યુએટ! એલએલબી ભણવા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. આઝાદીની લડતમાં પાટા તોડવામાં તેમનું નામ આગળ, “વોન્ટેડ” જાહેર થયા. આગળ ભણવાનો સવાલ નહોતો. પોલીસ તેમને ઠેરઠેર શોધે. ચંચળબાને પણ પોલીસે માર માર્યો, ક્યાંક તેમના પતિની ભાળ મળે! બધું થાળે પડતાં બંને જણા મુંબઈ જતાં રહ્યાં. પરસોતમભાઈએ શાળામાં નોકરી લીધી પણ બહુ મજા આવી નહીં. મિત્ર સાથે ભાગીદારીમાં, નાના પાયે, નાસિકમાં ધંધો શરૂ કર્યો. નાસિકની વાત આવતા ચંચળબાના ચહેરા પર ચમક આવી જાય!  ત્યાં હતાં ત્યારે પેન્ટ-શર્ટ પહેરીને ઘોડેસવારી પણ કરતાં! ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ, પણ બે પુત્રીઓ બળિયામાં નાની ઉંમરે અવસાન પામી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે વહેલા ઊઠે. નાહીધોઈને  પૂજાપાઠ કરે. કોરોના  પહેલા સવારે ચાલતા મંદિરે જઈ આવે. આવીને શાક સમારે અને રસોઈ બનાવે. બાળકો અમેરિકાથી આવવાના હોય તો નાસ્તા-પાણી બનાવી રાખે. મોહનથાળ બનાવવામાં પારંગત! તેમની  સોસાયટી નાની છે પણ આજુબાજુનાં પડોશીઓ બહુ ધ્યાન રાખે. બપોરે પડોશની મહિલાઓ એમના ઘેર ભેગી થાય. જાતજાતનાં  કામ કરે. બાને દિવેટ બનાવવાનું બહુ ગમે, દિવેટ બનાવી મિત્રો/ સગા-સંબંધીઓને ભેટ આપે.

શોખના વિષયો :

જૂના જમાનામાં મહિલાઓને સ્વતંત્રતા બહુ ઓછી મળતી. કૂવેથી પાણી ભરવાનું, ઘંટીમાં લોટ દળવાનો, રસોઈ કરવાની…. એ બધાંમાં સમયે જ ક્યાંથી મળે? મારો શોખ રસોઈ કરવાનો અને જમાડવાનો! બાળકો અમેરિકાથી આવવાનાં હોય તો નાસ્તા બનાવી રાખું. ગામમાં હતાં ત્યારે આડોશ-પાડોશનાં લોકોને ભેગાં કરી તળાવે જઈ ઉજાણી કરતાં. મારાં મોહનથાળ, કઢી, ડાંગેલાં, દૂધીના રસિયા મુઠીયા બધાં વખાણે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

સામાન્ય રીતે, બીપી સિવાય બીજી કોઈ બિમારી નથી. બાળપણનું કસાયેલું શરીર છે. કૂવેથી પાણી ભર્યું છે, ઘંટીએ દળણાં દળ્યાં છે એટલે શરીર અત્યારે પણ કામ આપે છે.

યાદગાર પ્રસંગ: 

પરસોતમભાઈ બહુ કાબેલ. તેઓ તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચ. પંચાયતની સભા બોલાવે. ગરીબોનાં કામ કરે. રાજકારણમાં રસ, પણ કોઈ કાવાદાવામાં માને નહીં. 1971માં ઇન્દિરા ગાંધી લોકલ ચુંટણી માટે કરજણ આવેલાં. પરસોતમભાઈને મંચ પર જોઈને એમનું  ખમીર પામી ગયેલાં. એમને દિલ્હી બોલાવ્યા. ચુંટણીનું કામ તેમને સોંપ્યું. ઉમેદવાર પ્રભુદાસભાઈની જીતવાની શક્યતા ઓછી હતી, પણ પરસોતમભાઈની મહેનતથી જીતી ગયા. ચુંટણીની ભાગદોડમાં પરસોતમભાઈને કોઈક રોગ લાગુ પડી ગયો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને ટૂંકી માંદગી બાદ 1971માં જ તેમનું મૃત્યુ થયું. મારું જીવન બદલાઈ ગયું. ઘર આર્થિક રીતે સદ્ધર એટલે બીજી કોઈ તકલીફ પડી નથી પણ બાળકો વિઝા મળતાં એક પછી એક ઊડીને અમેરિકા જતાં રહ્યાં. મને ગામડે ગમે, વડોદરા આવવું ન હતું. પછી અડાલજ, દાદાભગવાનના ત્રિમંદિરમાં ગયાં, ત્યાં બહુ ગમ્યું નહીં, ૨૦૦૮માં દોઢ-બે મહિના અમેરિકા જઈ આવી, ત્યાં મન માન્યું નહીં. હવે અહીં વડોદરા રહું છું.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો સાથે રોજના સંપર્કમાં. રોજ સાંજે હું ઘરના ઓટલે બેસું. સોસાયટીનાં બધાં બાળકો અને યુવાનો મને  મળતાં જાય. બાળકોને બિસ્કીટ-ચોકલેટ આપું એટલે બાળકોને બા ગમે અને બાને બાળકો ગમે! પુત્રો, પૌત્રો અને પ્ર-પૌત્ર સાથે અઠવાડિયામાં એકાદ વાર તો અમેરિકા ફોનથી વાત થાય, એટલે તે સંપર્ક પણ ખરો.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

હું તો ગામડામાં રહેતી હતી. ગામડેથી વડોદરા જ મારા માટે મોટો ફેર હતો. અમે નાનાં હતાં ત્યારે મા-બાપ અને વડીલોનો બોલ કોઈ ઉથાપે નહીં. અત્યારે તો કોઈ મા-બાપ કે વડીલોનું સાંભળતાં જ નથી, આ મોટામાં મોટો ફેર.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

અમારા માટે તો ટેકનોલોજી એટલે મશીન. કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મનોરંજન માટે ટીવી અને અઠવાડિયામાં એકાદવાર કુટુંબીઓ સાથે અમેરિકા વાત કરવા ફોનનો ઉપયોગ કરી શકું એ મારા માટે મોટી વાત!

સંદેશ : 

સાદગીભર્યું, ભક્તિમય, નિયમિત જીવન જીવો. એકબીજાને મદદરૂપ થાઓ. પાડોશી જ સાચો સગો છે.  જરૂર વખતે પાડોશી જ કામ આવશે!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]