નોટઆઉટ@95: વીણાબહેન શાહ

તમે ક્યારેય ૯૫ વર્ષના “તોફાની ટપુડા” ને મળ્યા છો? નહીં ને? તો આજે મળીએ વીણાબહેન શાંતિલાલ શાહને જેમને મિત્રો પ્રેમથી “તોફાની ટપુડા”ના નામથી ઓળખે છે! વ્યવસાયે ગૃહિણી અને શાળાનું ભણતર માર્યાદિત પણ જીવન જીવવાની કળામાં પારંગત! “નમતાં રહો તો સૌને ગમશો” એ મંત્ર શીખી ગયેલાં એટલે પરિવારમાં અને મિત્રોમાં પ્રિય. આવો, વીણાબહેનની વાત સંભાળીએ તેમની જ પાસેથી!

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

૭ બહેનો અને બે ભાઈનું સુખી કુટુંબ, ફોઈની ૩ દીકરીઓ સાથે રહે. પિતાની તાલીમ કે બધી સગી બહેનો જ ગણાય! વર્ષો પહેલાં, ઘરમાં ઘડો મૂકવાના વીણાબહેનને રૂ. ૧૧/- મળ્યા તો બધી બહેનો વચ્ચે તે બોણી સરખે ભાગે વહેંચાઈ! તેમના જન્મ પછી ઘરમાં સમૃદ્ધિ વધી એટલે પિતાજીના પ્રિય! બાળપણમાં એકવાર તબિયત બગડી તો પિતાએ અંબાજીમાં સાકરથી જોખ્યાં! વીણાબહેનને બે પુત્રો અને એક પુત્રી. કમનસીબે પતિ અને બાળકો હયાત નથી. પણ વહુઓ, પૌત્રો, પ્રપૌત્રો સાથેનો બહોળો પરિવાર અમેરિકા સુધી ફેલાયેલો છે! ૭૦ માણસોનો “LOVELY” પરિવાર Whats Appથી જોડાયેલો છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ :

મારો મોટાભાગનો સમય ધાર્મિક પ્રવૃત્તિમાં અને સંગીતમાં પસાર થાય છે. સમાયિક કરું છું. સ્તવન અને પ્રભુ-ભક્તિ કરું છું હર્મોનીઅમ/ કેસીઓ પર સૂર અને સ્વરથી! સંગીત મને ગળથૂથીમાંથી મળ્યું છે. કદાચ એટલે જ વડીલોએ નામ પણ “વીણા” પાડ્યું હશે! સંગીત મારું જીવન છે! સંગીતમાંથી મને જીવન જીવવાની શક્તિ મળે છે. જયારે હું ભક્તિ કરું છું ત્યારે ભગવાનમાં લીન થઈ જાઉં છું! ઘર નજીક લાફિંગ-ક્લબ શરુ થઈ ત્યારથી તેમાં સક્રિય છું. રોજ સવારે ૬.૩૦ વાગ્યે ક્લબમાં વીણાબા હાજર થઈ જ જાય! ક્લબમાં આવતાં નાની ઉમરનાં સભ્યો માટે તેઓ Role Model છે! રોજ છાપું વાંચે. ટીવી જોવું તેમને ગમે. ‘તારક મહેતા’ તેમની પ્રિય સિરિયલ. રસોઈ કરવાનો પણ શોખ! ઘરનું કમ્પાઉન્ડ વાળીને ચોખ્ખું રાખે. ઘડિયાળને કાંટે તેમનો દિવસ જાય.

શોખના વિષયો :

સંગીત, પ્રભુ-ભક્તિ, લાફિંગ-ક્લબ, ટીવી જોવું, છાપું વાંચવું…. ઘરડા અને માંદા લોકોની ચાકરી કરવી ગમે. ઘરમાં જેઠાણી અને બંને વહુઓની પણ સેવા કરેલી. લાંબુ પણ લોકોને ઉપયોગી થાય તેવું અને દયાભાવથી સભર જીવન જીવવાની ઈચ્છા છે.

યાદગાર પ્રસંગો :

પોતાના પૂજ્ય સસરા(શ્રીમદ્ રાજચંદ્રના અંતેવાસી)ની તેમણે ઘણી સેવા કરી. સસરાના પણ તે પ્રિય. સસરાની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. વીણાબહેન કંઈક કામે આસપાસમાં ગયાં હશે. ઘરનાં વડીલોએ સસરાને પાણી આપવાની કોશિશ કરી પણ મોઢું કોણ ખોલે? આખરે વીણાબહેન આવ્યાં, તેમના હાથે પાણી પીધું પછી સસરાએ જીવ છોડ્યો!

ઉમરની સાથે કેવી રીતે કદમ મિલાવો છો ?

જીવનમાં નાનાં-મોટાં થઈને ૮ ઓપરેશન થયાં છે! પણ, ભગવાનની મહેરબાનીથી અત્યારે શરીર તંદુરસ્ત છે. કોઈ દવા લેવી પડતી નથી! દુઃખોને યાદ નથી કરતી. ભક્તિમાં મન પરોવું છું. નાનાં બાળકો સાથે નાની અને મોટાં સાથે મોટી થઈ જાઉં છું! એટલે જ મંડળની બહેનો “તોફાની ટપુડા”ના નામથી ઓળખે છે. તેમની વર્ષગાંઠને દિવસે સૌને મીઠાઈનું પેકેટ આપે. ગ્રુપમાંથી મિત્રો અને કુટુંબીઓને જાત્રા કરાવે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?

પૌત્ર, પૌત્ર-વધૂ અને તેમનાં બાળકો USAમાં રહે છે એટલે શનિ-રવિ તેમની સાથે What’s Appની મદદથી વાતો કરે છે. આનાથી વધારે ટેકનોલોજી વાપરતાં નથી. પણ હા, ટીવી જોવું બહુ ગમે છે. ટેકનોલોજીમાં તેમને કોઈ દૂષણ દેખાતું નથી.

આજની પેઢી સાથે સંકળાયેલાં છો?

હા, કુટુંબમાં, લાફિંગ-ક્લબમાં અને શ્રીમદ્ રાજચંદ્રના મંડળમાં યુવાનો સાથે સંકળાયેલી છું. હું જમાના પ્રમાણેના વિચારોથી રહું છું તેથી યુવાનો મારી સાથે બેસવા અને વાતો કરવા તલપાપડ હોય છે! જાત્રામાં યુવાનો સાથે હસાહસ અને મશ્કરી કરતી હોઉં એટલે તેઓ મને છોડે જ નહીં! સોસાયટીના ગરબા તો મારા વગર કેવી રીતે થાય? હું ગરબે ફરું પણ ખરી અને ગરબા ગાઉં પણ ખરી, “સહિયર, આવો તો રમીએ…..” !

શું ફેર પડ્યો છે “ત્યાર”માં અને “અત્યાર”માં ? 

દેશમાં, રાજકારણમાં અને સમાજમાં બહુ બધા ફેરફારો થયા છે, પણ મને કોઈ ફેર પડ્યો નથી! હું તો પહેલા પણ આનંદથી રહેતી હતી અને અત્યારે પણ મોજથી રહું છું. ત્યારે ૩૫ જણનું કુટુંબ હતું, અત્યારે એનાથી મોટું કુટુંબ છે!

સંદેશો :

ગમે તેવા સંજોગો હોય, આનંદમાં રહો! મોજમાં રહો! સેવા-ચાકરી કરતા રહો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]