નોટ આઉટ @ 95: જગજીવનભાઈ બેલાણી

ભાવનગરની શામળદાસ કોલેજમાં વિદ્યાર્થી-નેતા તરીકે આંદોલનમાં આગળ રહી સૌરાષ્ટ્રમાં કન્યા-શિક્ષણ મફત કરાવવામાં મહત્વનો ફાળો આપનાર, મહાગુજરાત-આંદોલન વખતે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને જગાડવામાં ઇન્દુલાલ યાજ્ઞિકનો જમણો હાથ ગણાતા વિદ્યાર્થી-નેતા જગજીવનભાઈ બેલાણીની  વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ ભાવનગરમાં, પિતા લાઠી બજારમાં મુનિમ અને યુનિયન-લીડર એટલે  ઘરમાંથી જ લીડરશીપના પાઠ ભણેલા! ત્રણ બહેન પછીના ભાઈ એટલે બહુ લાડમાં ઊછરેલા. મોતીબાગ અખાડામાં શરીરે તેલ-માલિશ કરીને બંને હાથમાં તલવાર લઈને મલખમ ખેલતા! ભગતસિંહ-ત્રિપુટીના ત્રણે શહીદો એક જ ગાળીએ લટક્યા તે વાત યાદ કરી આજે ૯૫ વર્ષે પણ જુસ્સામાં આવી જાય! “અનેક લોકોને મારી નાખ્યા છતાં બ્રિટિશ-સામ્રાજ્યને ઘણી વાર સાથ આપ્યો” કહી  જુસ્સામાં અહિંસાના પૂજારી ગાંધીજીને દંભી-નેતા કહેતા અચકાય નહીં! તેમના જુસ્સાને લીધે કુન્દનિકાબહેન કાપડિયા તેમને પોતાનો નાનોભાઈ ગણે અને  “ઉત્સાહનો ફુવારો” કહે!

બીએસસી સુધીનું ભણતર ભાવનગરની શામળદાસ કોલેજમાં. ગણિત અને રાજકારણ ગમતા વિષયો! ભાવનગરના ઘોઘા દરવાજાના બોર્ડ પર તેમના લખાણો રોજ લખાય. કોલેજમાં પણ તેમનું માન ઘણું! લેબર મુવમેન્ટમાં ભાગ લીધો અને સામ્યવાદી-નેતા ટ્રોત્સકીની વિચારધારાથી પ્રભાવિત થયા. બી.એડ બોમ્બે એલ્ફિસ્ટન કોલેજમાંથી અને એલએલબી અમદાવાદમાં  મહાવીર જૈન-વિદ્યાલયમાં રહીને. ભાવનગર રહી થોડો વખત પાલીતાણા ગુરુકુળમાં નોકરી કરી, વિજ્ઞાન અને ગણિત તેમના પ્રિય વિષય. પછી અમદાવાદ અને મુંબઈ આવ્યા. બંને દીકરીઓને સરસ તૈયાર કરી, દીકરો ન હોવાનો કોઈ રંજ નહીં! રાજકારણમાં આવતા આવતા રહી ગયા! સીધા માણસનું રાજકારણમાં કામ નહીં!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી દસ વાગ્યા સુધી નહાવા-ધોવાનું કામકાજ ચાલે,  હવે આંખોની તકલીફને કારણે ધાર્યું વાંચન નથી થતું એટલે વાંચવાની મજા આવતી નથી. ધર્મ તરીકે જૈન ધર્મ ગમે પણ અંધ-ભક્તિ નહીં. એકવાર મહાવીર જૈન-વિદ્યાલયમાં ભણતા હતા  ત્યારે સાફ-સૂફી કરતા હાથમાંથી મૂર્તિ પડી ગઈ હતી અને તેમને દંડ થયો હતો ત્યારથી મૂર્તિપૂજા ગમે નહીં.

શોખના વિષયો :

નાટકો કરવાનો અને ગંભીર વાંચન-લેખનનો ઘણો શોખ, આંદોલન કરવા અને કરાવવા ગમે, હિમાલયનું અનેરૂં આકર્ષણ અને હિમાલયનો પ્રવાસ બહુ ગમે, પત્રકાર મિત્રો દર અઠવાડિયે મળતા અને સામ્યવાદી-નેતા ટ્રોત્સકીની વિચારધારા પર ચર્ચા કરતા. પરદેશી મિત્રો ઘણા. ટ્રોત્સકીની કબર જોવાનું સપનું અધૂરું રહ્યું.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત એટલી સારી તો નથી જ, પણ હરતા-ફરતા અને દીકરી-જમાઈની છત્ર-છાયામાં 100 વર્ષ પુરા કરવા છે!

યાદગાર પ્રસંગ: 

પત્ની રંજનબેન પાંચ-સાત વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં, રંજનબેન ખૂબ કાબેલ મહિલા, 17 વર્ષ પેરાલીસિસથી આખું શરીર નંખાઈ ગયેલું પણ મગજ અને હૃદય છેક સુધી અકબંધ હતાં! તેમના પિતા તે જમાનાના સંસ્કૃત અને ઇંગ્લિશ સાથે એમએ થયેલા!

સૌરાષ્ટ્રની કોલેજોના ફી-વધારા-વિરોધી આંદોલનમાં શામળદાસ કોલેજમાં વિદ્યાર્થી-નેતા તરીકે આગળ આવ્યા, આ આંદોલનને લીધે સૌરાષ્ટ્રમાં કન્યા-શિક્ષણ મફત થયું. ઇન્દુલાલ યાજ્ઞિકનો જમણો હાથ, બોલવામાં ઝનૂની. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને જગાડવામાં તેમનો મોટો હાથ રહ્યો, મહાગુજરાત આંદોલન વખતે “ઘરે-ઘરે એક જ વાત, અમને જોઈએ મહાગુજરાત” કહી ઈન્દુલાલ યાજ્ઞિક પછી તરત તેમનો ભાષણ આપવામાં વારો આવતો!

મુંબઈની  કોલેજમાં એક આફ્રિકન ગીત ઉપર નાટક કર્યું/કરાવ્યું  હતું. આખા શરીરે કાજલ ચોપડી અંધારામાં વીજળીનો ચમકારો થાય ત્યારે ઝુલુ ભાષામાં “કિયા ફકિયા” ગીત સાથે તેઓની એન્ટ્રી થાય અને લોકો ઝૂમી ઊઠે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:   

ટેકનોલોજીનો  બહુ ઓછો ઉપયોગ કરે છે કારણ કે જરૂર નથી, પણ યુવાનો અને કિશોરોએ નવી  ટેકનોલોજી વાપરવી જ જોઈએ અને નવાં સાધનોનો ઉપયોગ કરવો જ જોઈએ!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેમના શબ્દોમાં: અમે યુવાન હતા ત્યારે “કંઈક કરી છૂટવાની” જે ભાવના હતી તેનો અત્યારે બિલકુલ અભાવ દેખાય છે. યુવાનોમાં માત્ર  કેરિયર-વિઝન દેખાય છે, મા-બાપ બાળકને “ભણવામાં ધ્યાન આપ નહીં તો શું કરીશ?” એમ કહી પૈસા અને નોકરી તરફ જ ધ્યાન દોરે છે! એમણે બાળકને કેરિયર ઓરિએન્ટેડ બનાવી દીધો છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમના શબ્દોમાં:મુંબઈ હતો ત્યારે ગણિતના લેક્ચર માટે કોલેજમાં જતો. પૌત્ર સાથે બહુ સારો તાલમેલ છે, એ તો મારો ભક્ત છે! દર અઠવાડિયે વાત થાય. ઇટાલિયન વહુને પણ મેં ગુજરાતી શીખવી દીધું છે! યુવાનોને લાયકાત મુજબ નોકરી મળવી જોઈએ એવું હું માનું છું. 

સંદેશો : 

કોઈ આદર્શ માટે અથવા “કંઈક કરી છૂટવાની” ભાવના સાથે જીવન જીવો!