નોટ આઉટ @ 93 : વિપીનભાઈ પરીખ 

અસાધારણ બુદ્ધિ-પ્રતિભા ધરાવનાર, સ્વભાવે શાંત અને વાણીમાં સૌમ્યતા ધરાવતા, સામાજિક કાર્યોમાં અનોખું યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વકીલ, વિપિનભાઈ શાંતિલાલ પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ વડોદરામાં, ગર્ભ-શ્રીમંત પુષ્ટિમાર્ગી કુટુંબ, પિતા જમીનોના કામકાજના વકીલ હતા અને નાના રાવ-સાહેબ સોમાભાઈ પરીખ સુપરીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની મોભાદાર પદવી પર હતા. બાળપણ અમદાવાદમાં, શાળાનો અભ્યાસ સી.એન. વિદ્યાલયમાં. એચ. એલ. કોમર્સ કોલેજમાંથી રેન્ક સાથે બીકોમ કર્યું, ફેલોશીપ મળી, LLBમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, સફળ વકીલ થયા. આઈ.એ.એસ.ની પરીક્ષા  પાસ કરી. તેમને  ત્રણ ભાઈ અને બે બહેન,  બધાં ભાઈબહેનોએ  બહુ જ ઉચ્ચ અભ્યાસ કરેલો છે. મોટાભાઈ એફઆરસીએસ ડોક્ટર. કિરીટભાઈ ઇકોનોમિસ્ટ, મેમ્બર ઓફ પ્લાનિંગ કમિટી, પદ્મભૂષણ વિજેતા. નાનાભાઈ પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સીટીમાં ભણ્યા હતા, મોટાં-બહેન પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીમાંથી એલ.એલ.એમ. થયાં, નાનાં-બહેન બોસ્ટન યુનિવર્સીટીમાં ભણેલાં અને ગાંધીવાદી વિચારધારામાં માને. વિપિનભાઈએ 1953થી વકીલાત શરૂ કરી. જમીનોના કામમાં  ફાવટ ઘણી સારી. 1976માં અર્બન સીલીંગ એક્ટ આવ્યો ત્યારે ભરપૂર કામ કર્યું, લોકોને માહિતી આપતાં ઘણાં ભાષણો કર્યાં. અસીલોની 50-50 ગાડીઓની લાઈન ઘરે લાગતી! ચાર-ચાર ટાઈપીસ્ટોને એક સાથે ડીકટેશન આપતા! દિવસના 16-16 કલાક કામ કરતા! આજે પણ માર્યાદિત કામ સાથે પ્રોફેશનલ કેરિયર ચાલુ છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

માનસિક અને શારીરિક તબિયત સારી છે એટલે નિવૃત્તિ નથી લીધી. એકદમ નિયમિત જીવન છે. સવારે 7:30 વાગે ઊઠે. 9:00 વાગે દીકરા-વહુ સાથે ચા-નાસ્તો કરે. દીકરો ઓફિસ જાય પછી ફિઝિયોથેરેપીસ્ટ આવે, કલાક યોગ અને કસરત કરાવે. તૈયાર થઈ કામકાજ કરે. દોઢ વાગે જમે. જમ્યા પછી  બે કલાક નવલકથાઓ વાંચે! સાંજે પાંચેક  વાગે ચા-નાસ્તો કરે. સાત વાગ્યે ટીવીમાં સમાચાર અને સીરીયલ જોઈ જમે. 9:30 થી 11 ફરી ટીવી જોઈ સૂઈ જાય. તેમને એક દીકરો, બે દીકરી, સાત પૌત્ર-પૌત્રી તથા ચાર પ્ર-પૌત્રી  છે અને બધાં પ્રસંગે ભેગાં થાય છે.

શોખના વિષયો : 

વાંચવાનો જબરો શોખ, રોજ નવલકથાઓ વાંચે! એસ્ટ્રોલોજી તથા ન્યૂમેરોલોજીમાં ઘણો રસ પડે. પ્રવાસ કરવો ગમે. 1971થી 2006 સુધી, પાંચ કપલ ભેગાં થઈ દેશ-પરદેશમાં દર વર્ષે બે વેકેશન લેતાં. આખી દુનિયા જોઈ નાખી છે! શાસ્ત્રીય-સંગીતનો  ઘણો શોખ છે, જાતે શીખ્યા છે અને ઘરે કાર્યક્રમો પણ યોજે  છે. ચુસ્ત પુષ્ટિમાર્ગી છે અને મંત્રોચ્ચાર સરસ કરી શકે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, હરતાં-ફરતાં છે. થોડું બીપી રહે છે પણ ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ છે નહીં. 2011માં બાયપાસનું ઓપરેશન કરાવેલું. અત્યારે દસ્તાવેજોના લખાણનું કામકાજ નિયમિત કરે  છે, પણ બહાર ઓછું જાય છે.

યાદગાર પ્રસંગ: 

ત્રણે સંતાનોના લગ્ન ભવ્ય રીતે કર્યા તે પ્રસંગો યાદગાર છે. તેમની ૭૫મી વર્ષગાંઠ 2005માં ઉજવી તે પણ બહુ યાદગાર પ્રસંગ. દીકરીએ તે પ્રસંગે તેમના વિશે એક કોફી-ટેબલ-બુક તૈયાર કરી હતી. સામાજિક કામકાજોમાં, 1977માં તેઓ લાયન્સ-ક્લબના પ્રેસિડેન્ટ હતા તે વખતે માત્ર એક-વર્ષના સમયગાળામાં મીઠાખળી લાયન્સ-હોલ માટે જમીન ખરીદી, ડોનેશનના પૈસા ભેગા કરી અને હોલ બનાવ્યો. 1981થી 1987 સુધી જીવરાજ મહેતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી રહ્યા, 1984થી 2020 સુધી નિરમા યુનિવર્સિટીની કારોબારી કમિટીના સભ્ય, અત્યાર-સુધી ભવન્સ કોલેજમાં વાઈસ-પ્રેસિડેન્ટ છે. ખેડામાં 3500 વિદ્યાર્થીઓની KES શાળામાં પ્રેસિડેન્ટ છે. પત્ની મીનાક્ષીબહેન (2018માં દેવ થયાં) સામાજિક કાર્યમાં ઘણા એક્ટિવ હતાં, મોટાં દાતા હતાં, ઘણી હોસ્પિટલોમાં અને સંસ્થાઓમાં પ્રમુખ અને સભ્ય હતાં.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે નવી ટેકનોલોજી બિલકુલ વાપરતા નથી પણ હાથ નીચેના માણસો વાપરે છે. પ્રોફેશનલ કામ ચાલુ છે એટલે તેના વગર તો ચાલે જ નહીં! તેમને પોતાને પણ નવું શીખવાનો શોખ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ખાસ્સો ફેર છે! કામકાજ એનું એ જ પણ કામ કરવાની રીતમાં ઘણો ફેર આવી ગયો છે. કાયદો બદલાય ત્યારે તો બધું જ બદલાઈ જાય છે! મોંઘવારી વધી રહી છે પણ સાથે પ્રગતિ પણ થઈ રહી છે, ઇન્ફલેશન દેશની પ્રગતિની પારાશીશી છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?

કુટુંબના યુવાનો, લાર્જર-ફેમિલીના યુવાનો, યુવાન ક્લાયન્ટ્સ સાથે ટચમાં છે. આજની જનરેશન ઘણી HARDWORKING છે તેવું તેઓ માને છે.

સંદેશો : 

પહેલા જેવી HONESTY અને INTEGRITY હવે નથી. પ્રામાણિકતાથી HARDWORK કરો તો ચોક્કસ ઊંચા આવશો.