નોટ આઉટ@ 92: રમણીકભાઈ વેલાણી

ભાવનગર પાસે આવેલ વરતેજ જેવા નાના ગામથી વડોદરા થઈ અમેરિકા (ટેક્સાસ, હ્યુસ્ટન)ની રસપ્રદ જીવન-સફર ખેડનાર રમણીકભાઈ વેલાણીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ વરતેજમાં, શિક્ષણ ભાવનગરમાં.પિતા રેલવેમાં કોન્ટ્રાક્ટર. આઠ ભાઈઓનું બહોળું કુટુંબ. ભાઈઓમાં અપ્રતિમ પ્રેમ. રોજ રાત્રે આઠે ભાઈઓ ભેગા ન થાય ત્યાં સુધી જમે નહીં! ભાઈઓએ રાત્રે જમવાનું એક જ મોટી થાળીમાં!

રમણીકભાઈએ જીવનમાં જાતજાતના ધંધા કર્યા! વરતેજમાં પથ્થરની ખાણ લીધી, પાલીતાણામાં કેનાલનું કામ કર્યું. શેત્રુંજય ડેમ પાસે 40 વીઘા જમીન લઈ શેરડી વાવી અને ગોળ બનાવી વેચ્યો. સ્ટુડિયોમાં પણ કામ કર્યું. ફોટોગ્રાફી તેમનું મનગમતું કામ! ભાવનગરના હાઈનેસના તેઓ પર્સનલ ફોટોગ્રાફર હતા.પ્રિન્સના તથા કુંવરના લગ્નમાં તેમણે ફોટોગ્રાફી કરી હતી. 1964ની સાલમાં તેઓ વડોદરા આવ્યા. જીએસએફસી, રિફાઇનરી વગેરેમાં ઇલેક્ટ્રીકનું કામ કર્યું અને 90ની સાલમાં લંડન થઈ અમેરિકા આવ્યા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

તેઓ સવારે છ વાગ્યે ઊઠે અને જાતે ચા બનાવી પીએ. સામાન્ય કસરત કરે. ગરમ નાસ્તો કરે, કઠોળ, થેપલા વગેરે. બે કલાક આઇપેડમાં ભારતના તથા ગુજરાતના સમાચાર જાણે, ગુજરાત સમાચાર, સંદેશ વગેરે છાપાઓ જુએ, હવામાનના સમાચાર જાણે. જરૂર હોય ત્યારે  બાળકોને લેવા-મૂકવાનું કામ પણ કરે. જૈન દેરાસરોમાં સેવા આપે છે. દેરાસરમાં સારું ગ્રુપ થઈ ગયું છે. હ્યુસ્ટનમાં જૈન લોકોની વસ્તી વધી રહી છે. ભારતથી નવા-નવા ભણવા આવેલા યુવાનોને એકલું લાગે તો દેરાસરમાં, બહાર બેસી તેમની સાથે વાતો કરે, તેમને યોગ્ય સલાહ આપે, તેમને મદદ કરે, સ્ટોરમાં લઈ જઈ ગ્રોસરીની ખરીદીમાં મદદ કરે.

શોખના વિષયો : 

બાળપણમાં દરબારના દીકરાઓ સાથે ભાઈબંધી હતી એટલે શોખ બધા જ શાહી રહ્યા છે! સ્વિમિંગનો ઘણો શોખ. ગમે તે પાણીમાં કૂદી પડે! મોટરસાયકલ ચલાવવી પણ બહુ ગમે, અને ઘોડેસવારીનો પણ ઘણો શોખ. ફોટોગ્રાફી તો શોખ અને પ્રોફેશન બંને!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, ભગવાનની મહેરબાની. હજુ પણ અમેરિકામાં સારી રીતે ગાડી ડ્રાઈવ કરી શકે છે. ચશ્મા નથી, કાનનું મશીન નથી, ટાંટીયા ચાલે છે! થોડું બીપી રહે છે, પણ બીજો કોઈ પ્રોબ્લેમ નથી.

યાદગાર પ્રસંગ: 

ભાવનગરના હાઈનેસ અને વિજયાબા સાથે બહુ સારા સંબંધો. ખેતીવાડીનો કોમન શોખ એટલે તેઓ સાથે ઘણું ફરતાં. ૭૫ વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ કરે છે. વરતેજની બાજુના ગામમાં યુવાનોએ શરત લગાડી કે અમુક કૂવામાંથી જો કોઈ નીચેની રેતી લઈ આવે તો પાંચ રૂપિયા ઇનામ મળે! રમણીકભાઈએ તો બીડું ઝડપી લીધું! કૂવામાં કૂદી પડ્યા! છેક નીચે સુધી પહોંચી ગયા અને રેતી પણ લઈ લીધી! પણ પછી ઉપર આવતા તકલીફ પડી. અંદર દોરડા એવી રીતે બાંધી દીધેલા કે સહેલાઈથી ઉપર અવાય નહીં. જેમ તેમ કરીને કુદરતે બચાવી લીધા અને છેક ઉપર સુધી આવી ગયા. ત્યાં તો ગામમાં ખબર પહોંચી ગઈ હતી એટલે રમણીકભાઈના બાપુજી ગભરાઈને દોડતા દોડતા કૂવે આવી લાગ્યા. છેક ઉપર આવેલા રમણીકભાઈએ બાપુજીને જોયા અને પાછી કૂવામાં ડૂબકી મારી દીધી!!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી માટે એકદમ પોઝીટીવ છે. લેટેસ્ટ ટેલીફોન અને આઇપેડ વાપરે છે. બે કલાક છાપા અને સમાચારમાં જાય છે, પછી લોકગીતો, ડાયરા, સાઈરામનો પ્રોગ્રામ વગેરે જુએ છે. ટેકનોલોજીના ઉપયોગથી સિનિયરોને સારો સમય પસાર થાય છે, બાકી તો ટેકનોલોજી બેધારી તલવાર છે. શું જુઓ છો એ અગત્યનું છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અમેરિકા કરતાં ભારતમાં, વડીલો અને મા-બાપ પ્રત્યે માન ઓછું થયું છે. અમે નાના હતા ત્યારે બહાર જતા પહેલાં વડીલોને પગે લાગતા. હવે યુવાનોને અને કિશોરોને તેમ કરતા  શરમ લાગે છે, અને તે લગભગ બંધ થઈ ગયું છે. મોબાઈલ સાથે યુવાનો પોતાનામાં જ મસ્ત રહે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

દેરાસરને કારણે યુવાનોના સતત સંપર્કમાં છે.  તેમને પાંચ બાળકો, દસ ગ્રાન્ડ-ચિલ્ડ્રન અને સાત ગ્રેટ-ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે. બધાં પ્રસંગે ભેગાં થાય છે. હવે સંયુક્ત-કુટુંબ હોય તો બરાબર છે, બાકી એકલા હોય તો યુવાનો પર કોઈ કંટ્રોલ રહે નહીં. કોઈને સલાહ ગમતી નથી. તેમને સુધારવાના પ્રયત્નો કરવા નહીં! 

સંદેશો : 

જંક-ફૂડ ખાશો નહીં. મેંદો-મેગી-પાસ્તા વગેરે બંધ કરો. હોટલનું અને બહારનું ખાવાનું ઓછું કરો.