નોટ આઉટ@92: નાટ્યકાર જનક દવે

ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારથી વિભૂષિત, નાટ્યકાર, લેખક, અભિનેતા, દિગ્દર્શક અને રિસર્ચ- સ્કોલર કે જેમણે મૃત:પાય થઈ ગયેલ ‘ભવાઈ’ લોક-નાટ્યને પુનર્જીવિત કરી એવા શ્રી જનક દવેની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ અને ઉછેર સંસ્કાર-નગરી ભાવનગરમાં. કુટુંબમાં સાત ભાઈ અને એક બહેન. પિતા શિક્ષક. માતા ઘરનું કામ કરે પણ સાથે-સાથે હાલરડાં અને   લોકગીતો ગાય. હવેલી અને મંદિરમાં ભજનો ગાય. માના સંસ્કાર હોય તે જ ગીત ગાઈ શકે એવું કહી આ ઉંમરે પણ બુલંદ અવાજમાં “ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી” ભજન અમને સંભળાવ્યું. 26 વર્ષે વડોદરા જઈ મ્યુઝિક-કોલેજમાંથી સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી. રાજકોટમાં થોડો સમય સેવાઓ આપી. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટીમાં ચાર વર્ષ સેવાઓ આપી. ત્યાં તેમણે પંજાબી ભાષા શીખી અને પંજાબી નાટકોમાં પાત્રો ભજવવાની સાથે-સાથે દિગ્દર્શન પણ કર્યું! 1971 થી 88 સુધી તેમણે ગુજરાત કોલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

નાટ્યકાર ક્યારેય નિવૃત્તિ થઈ શકે ખરો? નિવૃત્તિમાં  30 જેટલી નાટકની વર્કશોપ કરી. ગુજરાતની કોઈ યુનિવર્સિટી એવી નથી જ્યાં જનકભાઈએ નાટ્ય-શિબિર કરી હોય નહીં! ઘણું લખ્યું, ઘણાં પુસ્તકો લખ્યાં, બાલ સાહિત્ય લખ્યું, ઓન-ડિમાન્ડ ઘણાંને નાટકની તાલીમ આપી. પત્ની કોકીલાબેન બહુ સરસ ચિત્રકાર હતાં. જનકભાઈનાં બધાં જ પુસ્તકોનાં ચિત્રો કોકીલાબેનને જ દોર્યાં હતાં. 2013માં તેઓ અવસાન પામ્યાં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

એકવડો બાંધો છે, વજન ઓછું છે અને સતત કામ કરતા  રહે છે એટલે તબિયત સારી છે. ગયા વર્ષે માઈલ્ડ હાર્ટએટેક આવ્યો, પણ અત્યારે બધું બરાબર છે. સવારે વહેલા ઊઠે છે, યોગ અને બ્રિધીંગ એક્સરસાઇઝ, હમિંગ, ઓમકાર વગેરે શ્વસન કસરતો અને વોઈસ-કલ્ચરની કસરતો કરે છે. સાંજે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ફરવા જાય છે. સાંભળવામાં અને શરીરના બેલેન્સમાં થોડી તકલીફ પડે છે. ખાવા-પીવામાં બહુ ધ્યાન રાખે છે.  દોઢ રોટલી, દાળ, શાક, ઘરનું જ બનાવેલું ખાવાનું ખાય છે. અત્યારે પણ મોટાભાગના દાંત તેમના પોતાના છે. દીકરો ડોક્ટર છે, દુબઈ રહે છે, તેમની બહુ સંભાળ રાખે છે.

શોખના વિષયો :

પુસ્તકો વાંચવા, ગીત-સંગીત જે માતૃ સંસ્કાર છે અને આશુતોષ-શિવ-સ્વરૂપ મહિમા-સ્તોત્રના જાપ કરવા, ઓન-ડિમાન્ડ નાટકની તાલીમ આપવી વગેરે.

યાદગાર પ્રસંગ: 

પંજાબી યુનિવર્સિટીમાં નોકરી મળી તે એક શરતે કે એક વર્ષમાં પંજાબી ભાષા શીખી જવાની. એક વર્ષમાં ભાષા તો શીખ્યા જ, પંજાબીમાં નાટક પણ કર્યું અને તેનું દિગ્દર્શન પણ કર્યું! એકવાર એક વિદ્યાર્થી નાટકની તાલીમ માટે આવ્યો. ‘સ’ ‘શ’ ‘ષ’ બરાબર બોલી ના શકે એટલે તેમણે તાલીમ આપવાની ના પાડી. તે વિદ્યાર્થી લોબીમાં જઈને બહુ જ રડ્યો. તેમને પણ દુઃખ થયું. રોજ બે કલાક તેને સ્પેશિઅલ ટ્રેનિંગ આપી અને ભાષા પર કાબુ જમાવ્યો. પ્રેમ અને ધગશથી  કેટલાંય વિદ્યાર્થીઓને વર્કશોપમાં તૈયાર કર્યાં. સાહિત્ય, અભિનય, ડાયરેક્શન, પ્રોડક્શન બધું શીખવાડતા!

ગયા વર્ષે માઈલ્ડ હાર્ટએટેક આવ્યો. દીકરો દુબઈ રહે છે તે તરત આવી ગયો. તબિયત તો સારી થઈ ગઈ પણ દીકરો તેમને એક સરસ ગાડી ભેટ આપતો ગયો. ડ્રાઇવર નક્કી કર્યો અને તેઓ પાછા હરતા  ફરતા  થઈ ગયા. કેવી સરસ ભેટ આપી દીકરાએ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

વર્કશોપને કારણે યુવાનોના સંપર્કમાં છું. વર્કશોપમાં જાતજાતના યુવાનો તાલીમ માટે આવે. અઠવાડિયું, પંદર દિવસ તાલીમ લે અને છૂટા પડે ત્યારે ખભે માથું મૂકીને રડે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

આજકાલ પ્રોફેસરો ઘડિયાળ પહેરીને કામ કરે છે. તેમને સમય સાથે જ કામ કરવું છે, જ્યારે હું પરિણામ સાથે કામ કરું છું! શ્વસન અને વોઈસ-કલ્ચરની તાલીમ આપુ, બોડી-લેંગ્વેજ શીખવાડું, એકાંકી તૈયાર કરાવું…. પણ હવે વિદ્યાર્થીઓમાં સિન્સિયારીટી ઘટી ગઈ છે. હસાહસ કર્યા કરે. નાણાકીય પરિસ્થિતિ સુધરી છે એટલે પણ વિદ્યાર્થીઓમાં સિન્સિયારીટી ઘટી હોય એવું બને.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી ટેકનોલોજી ઓછી વાપરી છે, પણ આજના સમયમાં તે જરૂરી છે. હું તાલીમ આપું તે લોકો મોબાઇલમાં રેકોર્ડ કરી લે, પણ તાલીમની એપ્લિકેશન થઈ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય? મૌલિકતાના ભોગે ખાલી પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ નહીં, એટલે ટેકનોલોજી સમજીને વાપરવી જોઈએ.

સંદેશો : 

જે મળ્યું છે તેનો ઉપયોગ કરો, નહીં તો તાલીમનો કોઈ અર્થ રહેશે નહીં.