નોટ આઉટ @ 91 : અમૃતલાલ પારેખ

“હવે તો ઠાકોરજી જ મારા દોસ્ત!” એમ હસતા-હસતા, નિખાલસતાથી કહેતા અમૃતલાલ મણીલાલ પારેખની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ ગોંડલમાં, બે ભાઈઓનું નાનું કુટુંબ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી. 1946માં જૂનાગઢથી ગોંડલ આવ્યા, નાની ઉંમરે બા ગુજરી ગયા. બાપા ઘણા મક્કમ હતા! બાળકોને જાતે રાંધીને ખવડાવ્યું અને માતાની ગરજ સારી! બાપા કાયમ કહેતા કે દુઃખની પાછળ સુખ છે. તેમણે બહુ દુઃખ જોયુ છે, તો હવે સુખ જ સુખ છે, એવું તેઓ માને છે!

નાના હતા ત્યારે ગીલ્લી-દંડા બહુ રમતા. ગામની ગીલ્લી-દંડાની ટીમના તેઓ કેપ્ટન હતા! મેમ્બર પાસે રૂપિયો-રૂપિયો ફી લે અને વારે-તહેવારે બધાને જમાડે અને આનંદ કરાવે! ટીમને લઈને એકવાર રાજકોટ રમવા પણ ગયા હતા અને રાજકોટની ટીમને ગોંડલ રમવા પણ બોલાવી હતી! એકદમ ઈમાનદારીથી ગોંડલમાં એક જ દુકાનમાં 52 વર્ષ નોકરી કર્યું. કાયમ નીતિથી જ રહ્યા છે! તેમને 4 દીકરા, 6 પૌત્ર-પૌત્રીઓ અને 3 પ્ર-પૌત્ર-પૌત્રીઓ છે! 21 જણનું સંયુક્ત-કુટુંબ વર્ષો સુધી સાથે રહેતું હતું, જરૂર પ્રમાણે ગોંડલથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આવ્યા છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે સાડા છ વાગ્યે ઊઠે, થોડી વાર ચાલે, નાહી-ધોઈને તૈયાર થઈને ઠાકોરજીની માળા કરવા બેસે. સવાર-સાંજ માળા કરે. પહેલા કસરત કરતા, દોડવા પણ જતા. બપોરે જમીને છાપુ વાંચે ધાર્મિક પુસ્તકો વાંચે, આરામ કરે. છાપાની પૂર્તિઓ વાંચવી બહુ ગમે છે. ચાર-સાડા-ચારે ચા પીએ, વળી પાછું છાપુ, ટીવી, સમાચાર! થોડીવાર મેડીટેશન કરે અને પછી જમીને સુઈ જાય. ક્યારેય ઊંચે અવાજે બોલ્યા નથી, 87 વર્ષે બા અડીખમ છે!

શોખના વિષયો : 

રમતગમતનો અને કસરતનો બહુ શોખ. વાંચન, ચાલવું, તરવું પણ ગમે. જૂનાગઢ, ગોંડલ ડેમમાં તરતા. ક્રિકેટ જોવાનો શોખ છે. કોઈ પણ જાતનું વ્યસન નથી તેનો આનંદ છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

બીપી-ડાયાબિટીસની દવા હમણાં શરૂ કરી છે. ચાલવાનું ઘણું રાખે છે તેથી તબિયત સારી રહે છે. હરડા, બેરડા અને આમળા તથા હીમેજ નાખીને જાતે ફાકી બનાવે છે. પેટમાં ગડબડ થાય તો આ ફાકી લઈ લે છે. કાળીજીરી, મરી વગેરેની ફાકી જાતે બનાવે છે અને નાસ્તા પછી એક ચમચી લે છે.

યાદગાર પ્રસંગ:  

21 વર્ષની ઉંમરે, મહીને રૂ.60 પગાર હતો. 92 રૂપિએ તોલો સોનુ હતું ત્યારે બે તોલાના દાગીના કરાવી લગ્ન કર્યા હતા! જાન બાજુની ગલીમાં જ જવાની હતી એટલે લગ્નમાં કોઈ ખર્ચો થયો ન હતો! તેઓ  ગોંડલની દુકાનમાં એટલી સરસ રીતે કામ કરતા કે ઘરાકો તેમને જ શેઠ સમજતા! નોકરી મૂકી દીધા પછી એકવાર દિવાળીમાં શેઠને મળવા ભાવનગર ગયા હતા તો શેઠ-શેઠાણી અને ઘરનાં બધાં ખુશ-ખુશ થઈ ગયાં હતાં અને રાજી થઈને મોટો થેલો ભરીને ભેટ-સોગાદો આપી હતી! પૌત્રો નાના હતા ત્યારે અરીઠાનું પાણી કરી બધાં બાળકોને રવિવારે તેઓ જાતે માથે નવડાવતા તે હજુ તેમને યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી બહુ જ ઓછી વાપરે છે. ક્યારેય જરૂર પડી જ નથી. બહાર જવાનું ઘણું ઓછું થાય છે અને દીકરાઓ તથા પૌત્રો સાથે ઘરમાં જ રહે છે એટલે બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાના સમયમાં બહુ શાંતિ હતી, હવે અશાંતિ છે. હાઈ-વોઈનો જમાનો છે! પહેલા અજાણ્યા લોકો સામે મળે તો પણ સૌ રામરામ કરે અને અત્યારે બાપ-દીકરો સાથે હોય તો પણ વાત કરે નહીં!

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

પોતાના ચારેય છોકરાઓને તેમણે ભણાવ્યા છે. છોકરાઓ ડાહ્યા છે, કોઈને  કોઈ પણ જાતનું વ્યસન નથી. બાળકો અને યુવાનો સાથે તેમને ફાવે છે, બાળકો સાથે હજુ પણ મસ્તી કરે છે. વર્ષો સુધી સંયુક્ત કુટુંબમાં જ રહ્યા છે એટલે સંયુક્ત કુટુંબનું મહત્વ સમજે છે અને યુવાનોને તેનું મહત્વ સમજાવે છે.

સંદેશો :  

તંદુરસ્ત જીવન જીવવું હોય તો વ્યસનથી દૂર રહો. આપણે હસતા-હસતા દુનિયામાંથી જઈએ અને લોકો રડતા-રડતા આપણને યાદ કરે તે જ જીવન ધન્ય છે!