નોટ આઉટ @ 90: ઉષાબહેન મહેતા

વેપારી-પિતા પાસેથી ઉષાબહેનને વ્યાપારી સૂઝ-બૂઝ ગળથૂથીમાંથી મળી હતી. આજે ૯૦ વર્ષની ઉંમરે શેરબજારની ચહલપહલ અને માહિતી TV પર જોઈ, એનેલાઈઝ કરી, પોતાને યોગ્ય લાગતા સોદા કરી શેરબજારમાં સક્રિય રહી શૂન્યમાંથી સર્જન કરનાર ઉષાબહેન (ચંદનબહેન)  ધનસુખભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

ઉષાબહેનનો જન્મ 1932માં, મહારાષ્ટ્રમાં, તારાપુર નજીકના ચિંચણ ગામમાં, 9 ભાઈબહેનનું ખમતીધર કુટુંબ, પિતા ગ્રાસ-મરચંટ, કોંગ્રેસી વિચાર-ધારા ધરાવે, સત્યાગ્રહની ચળવળમાં સક્રિય ભાગ લઈ તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

19 વર્ષે ઉષાબહેનના લગ્ન થયાં, પહેલા દીકરાના જન્મ પછી પણ મુંબઈ જઈને મેટ્રિકની પરીક્ષા આપી. 13 વર્ષ મુંબઈ રહ્યાં પછી 1961માં અમદાવાદ આવ્યાં. મોટો દીકરો અમેરિકા, નાનો દીકરો CA, અમદાવાદમાં પ્રેક્ટીસ કરે અને દીકરી અમદાવાદમાં. ૪ પૌત્ર-પૌત્રીઓ, એક પ્ર-પૌત્ર, દીકરો-વહુ સિદ્ધાર્થ-નીતા બહુ ધ્યાન રાખે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે 8:00 વાગે ઊઠી ચા-પાણી અને પૂજા-પાઠ પતાવી ટીવી સામે  શેરબજારની ચહલ-પહલ જોવા બેસી જાય. શાળામાં શીખવાડે કે પહેલાં ખરીદો,પછી વેચો પણ તેમની સ્ટ્રેટેજી જુદી છે…. સારા શેર હાથમાં હોય તો ભાવ વધતા વેચી નાંખે અને ભાવ ઘટે ત્યારે ખરીદે! દીકરાની  ઓફિસમાં શેરબજારની ઊતરચઢ પ્રમાણે લે-વેચનો ઓર્ડર લખાવી દે. બજાર બંધ થાય પછી ચા-પાણી કરે. ‘ચા’ના શોખીન! Any Time is a Tea-Time! પછી છાપાં-ચોપડી-મેગેઝિન વાંચે, સગા-સંબંધીઓને ફોન કરે. રાતના ૯.૦૦ વાગે જમે, ૧૦.૦૦ વાગે દીકરા સાથે પાના (રમી) રમે, રોજની ૧૩ ગેમ. તીન-પત્તી રમવી પણ  ગમે. રાતના ગરમ દૂધ પી લગભગ ૧૨ વાગે સૂઈ જાય. 

શોખના વિષયો :  

મોટો શોખ શેર-બજારનો! પાના રમવા ગમે. બાળપણમાં ખો, સાતતાળી, સંતાકૂકડી રમતાં, ત્યારે પણ રાતના બાર વગાડતાં! ફોન પર વાતો કરવાનો શોખ, વાંચન ગમે, ‘ચા’ પીવાના શોખીન, ટીવી જોવું ગમે, KBC ફેવરિટ પ્રોગ્રામ. જિંદગીમાં ક્યારેય કંટાળો આવ્યો નથી!

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી, પગની તકલીફ ખરી, બહુ ચલાય નહીં, ખોરાક લેવાય, ખાવા-ખવડાવવાનો શોખ, ગળ્યું તો રોજ જોઈએ!

યાદગાર પ્રસંગ:  

સ્વતંત્રતાની ચળવળમાં પિતાજી જેલમાંથી છૂટીને પાછા આવ્યા ત્યારે ગામ-લોકોએ એમનું ભવ્ય  સન્માન કર્યું હતું, તે હજુ યાદ છે. પિતાજી ગાંધીજીના આદર્શોવાળા, સાદગી ખૂબ, મદદ કરવાનો સ્વભાવ. વેપારી કુટુંબ, ઘેર ઘણાં માણસો કામ કરે,  માતા બચીબા બધાંને વરસનું અનાજ ભરી આપે! ઉષાબહેનને લગ્ન પછી મુંબઈ રહેવાનું હતું, સાસુએ બોલાવીને પોતાના સુરતના ઘરની ચાવી આપી કહ્યું કે સુરતના ઘરમાંથી મુંબઈના ઘર માટે જે લેવું હોય તે લઈ આવો! સાસુ-નણંદ-જેઠ-દિયર બધાં સાથે ફાવે, ક્યારેય સાસરીમાં હોય તેવું ન લાગે. 25 વર્ષ સાસુ સાથે રહી તેમની સેવા કરી, પછી મોટા-નણંદની સેવા કરી. દિયર પરદેશ, તેમને બહુ માન આપે. કહે :”અમે તો પૈસા આપી છૂટી ગયા, પણ સેવા તો તમે જ કરો છો!” પાડોશી બહેનો સાથે બહુ ફાવે, નોમનું  “વઈડું” ખાવા  મિત્રો અને પડોશીઓ ભેગાં થાય, જાણે મોટો ઉત્સવ!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટીવી-મોબાઇલ-વિડીયો-કોલ બધું વાપરી જાણે, CNBC ટીવી પર શેરના ભાવોની વધઘટ અને ડિસ્કશન રસથી જુએ, એનું એનાલિસિસ મનમાં કરી લે…… પણ ઘરનાં બધાં સભ્યો મોબાઇલમાં વ્યસ્ત થઈ જાય તે તેમને ગમે નહીં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આ મોટો ફેર તે મોબાઈલ! ત્રણ વાર જુદા-જુદા પ્રસંગોએ અમેરિકા જઈ નવી દુનિયા જોયેલી છે. ત્યાંની દુનિયાથી પરિચિત છે. પહેલીવાર વહુની ડિલિવરી માટે ગયાં હતાં, 11 મહિના રહ્યાં, બહુ ફર્યાં, ડિઝની-વર્લ્ડમાં પણ રહ્યાં. બીજીવાર પૌત્રના ગ્રેજ્યુએશનમાં ગયાં અને એ માહોલ પણ જોયો. ત્રીજીવાર પૌત્રના લગ્નમાં ગયાં. બંને સમયમાં ખુશ!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

દીકરાના મિત્રોના ગ્રુપમાં હવે તે એકમાત્ર વડીલ છે, બધા મિત્રો તેમને બહુ માન આપે! તેમને કંપની પણ આપે. દીકરાના મિત્રો સાથે ઘણું ફાવે. યુવાનો બહુ ખર્ચા કરે તે ગમે નહીં, પણ  જાતે કમાઈને ખર્ચે એટલે બોલાય નહીં! પૌત્ર-પૌત્રીઓ સાથે ઘણું ફાવે! પોતાનાં દીકરા-દીકરી કરતાં પણ ત્રીજી પેઢી વધારે વહાલી! કુટુંબનાં અને પાડોશીઓનાં કેટલાંય બાળકોને તેમણે મોટાં કરી આપ્યાં છે. જરૂર પડી ત્યારે પાડોશીઓને ઘણી મદદ કરી છે. દીકરાને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે તેની સાથે ઊભાં છે. 

સંદેશો : 

સમાજને પાછું આપતા રહો, In cash or Kind!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]