નોટઆઉટ@89: અશોકભાઈ ડોક્ટર

એકવડા બાંધાના અશોકભાઈ પોતાના મિત્રો અને સ્નેહીજનોને તેમની વર્ષગાંઠ પર શુભેચ્છાની સાથે-સાથે જાતે બનાવેલ સુંદર પુષ્પ પણ ભેટ આપે. ઘરમાં ઠેરઠેર એમની હસ્તકલાના આર્ટિકલ્સ જોવા મળે. આટલી મોટી ઉંમરે આટલું રચનાત્મક કાર્ય તેઓ કેવી રીતે કરતા હશે? આવો તેમની પાસેથી સાંભળીયે તેમની વાત.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

બે ભાઈ અને પાંચ બહેનોનું મધ્યમ વર્ગનું કુટુંબ. અશોકભાઈ સૌથી નાના. ઘરમાં બધાં ભણેલાં. પિતાજી વડોદરામાં વકીલ. તબિયત બગડતાં તેઓ ઘરેથી જ કામ કરે. અશોકભાઈ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને Diploma In Textile Chemistry ભણ્યા. જોબ લઈ મુંબઈ ગયા. મુંબઈથી નવસારી અને વળી પાછા મુંબઈ. એક પુત્ર અને પુત્રીનું નાનું અને સુખી કુટુંબ.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

મેં ૭૪ વર્ષ સુધી મારું પ્રોફેશનલ કામ કર્યું. એ પછી નિવૃત્ત થયો. ઘરની પાસે જ સાંતાક્રુઝમાં, સિનિયર સીટીઝન ક્લબ ચાલે. તેમાં રોજ સંગીત, યોગા, હાઉસી, ક્વિઝ, હેન્ડીક્રાફ્ટ વગેરે પ્રવૃત્તિઓ થાય. કેરમ, ચેસ, ડાન્સ, અંતાક્ષરી, ચિત્રકામ, નાસ્તો વગેરે પણ ક્યારેક હોય! છેલ્લાં ઘણાં વર્ષથી આ બધું નિયમિત કરતો આવ્યો છું, એટલે હવે મારી રોજની જિંદગીનો એક ભાગ બની ગયું છે. સવારે વહેલો ઊઠીને 40-45 મિનિટ યોગ કરું, ચા પીધા પછી ગીતાનો એક અધ્યાય કરું. ટીવી પર આસ્થા ચેનલમાં દર્શન કરું, છાપાં વાંચું, crossword ની રમતો રમું. જમીને આરામ કરું, વાંચન કરું. કોરોના પછી કસરત થતી નથી, ચાલવાનું ગમતું નથી, પણ આ બધી ઓનલાઇન એક્ટિવિટી કર્યા કરું છું.

શોખના વિષયો :

સંગીતમાં આનંદ આવે. વાંચવાનું ગમે, સત્ય હકીકત પર આધારિત પુસ્તકો વાંચવા વધારે ગમે. સૌથી વધારે શોખ ક્રિએટિવ એક્ટિવિટી કરવાનો. રોજ કંઈક નવું બનાવું! તેના નમૂના માટે YouTube પર શોધખોળ કરવી ગમે, જેમાં પણ ઘણો સમય જતો રહે.

યાદગાર પ્રસંગ : એ જમાનામાં પણ અમે છાપામાં જાહેરાત આપીને લગ્ન કર્યાં હતાં. પછી તો ઘણી ઓળખાણ નીકળી પણ પહેલો પરિચય જાહેરાતથી થયો! એ અનુભવ બહુ યાદ રહી ગયો છે. પત્ની એકદમ એક્ટિવ, તે સમયમાં પણ, સાંતાક્રુઝથી મરીનડ્રાઈવ સુધી ગાડી જાતે ચલાવી કામે જાય! મુંબઈથી નવસારી શિફ્ટ કર્યું તો નવસારીના લોકોને નવાઈ લાગે કે બહેન ગાડી ચલાવે છે! તેમણે નવસારીમાં લાઇબ્રેરી ચાલુ કરાવી, કુકિંગ કોમ્પિટિશન કરાવી. બહુ જ રચનાત્મક અભિગમ હતો એમનો! એમની ગેરહાજરી બહુ સાલે છે, મને અને બાળકોને, બધાંને!

કોરોનામાં સીનીયર સીટીઝન ક્લબ બંધ થઈ ગઈ. ત્યાં કામ કરતા નાના કાર્યકરોને પગાર આપવો મુશ્કેલ થઈ ગયો. અમે સભ્યો પાસેથી પૈસા ભેગા કરી તેમને ત્રણ મહિનાનો પગાર આગોતરા આપ્યો જેથી તેઓ પોતાનું પ્લાનિંગ કરી શકે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:

રચનાત્મક કામ માટે YouTube ઉપર શોધ કરવી ખૂબ ગમે, નવું-નવું ઘણું જાણવાનું મળે. દર્શન અને મનોરંજન માટે ટીવી વાપરું છું એટલે નવી ટેકનોલોજીનો આ રીતે બહુ સારો ઉપયોગ કરું છું. ઉપયોગી વસ્તુ છે, પણ છોકરાંઓ સોશિયલ મીડિયા ઉપર બહુ જ બીઝી થઈ ગયાં છે અને સોશિયલ મિટિંગ્સમાંથી બિલકુલ કટ-ઓફ થઈ ગયાં છે. પહેલા તો મામા-કાકા-ફોઈનાં છોકરાંઓ નિયમિત મળતાં રહે. હવે તો કોઈની પાસે સમય નથી. પ્રસંગે WhatsApp કરી દે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત ઘણી સારી છે, બીપી, સુગર જેવી કંઈ બીમારી નથી. વજન ઘણું ઓછું છે તેનો ફાયદો! કોરોના પછીની નબળાઈ લાગે છે. છેલ્લા ૩૦ વર્ષથી યોગ કરું છું, એટલે બધી જાતનાં આસનો હું આજે પણ કરી શકું છું.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? : 

બે પૌત્રીઓ છે એટલે એમનાં થકી યુવાનો સાથે સંકળાયેલો છું. વળી, મારી પાસે મિત્રો અને કુટુંબી-જનોની વર્ષગાંઠ અને શુભ-પ્રસંગોની તારીખો નોંધેલી છે. રોજ સવારે શુભેચ્છાઓ પાઠવવામાં હું પહેલો હોઉં! આ રીતે પણ યુવાનો, બાળકો, મિત્રો અને કુટુંબીઓ સાથે સંકળાયેલો છું.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બાળકો અને યુવાનો મોબાઇલ અને કોમ્પ્યુટરમાં જ ખોવાઈ ગયાં છે. આમને-સામને મળવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે.

સંદેશો:

મારો સંદેશો વડીલો માટે છે. છોકરાંઓને તેમની જિંદગી તેમની રીતે જીવવા દેવી. આપણે તેમાં દખલ કરવી નહીં. વડીલોએ પોતાની રીતે જીવન જીવવાની સગવડ રાખવી, આર્થિક અને શારીરિક, બંને રીતે!