નોટ આઉટ@ 88: પ્રવીણભાઈ દેસાઈ

૫૩ વર્ષની ઉંમરે ધીખતો ધંધો છોડી, ઘર-બાર વેચી, સંપત્તિ દીકરીઓને વહેંચી, સંસારનાં બંધનો કાપી, આધ્યાત્મના માર્ગે ચાલી નીકળનાર, પ્રવીણભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ખેડા જિલ્લાના નરસિંહપુર ગામમાં, ત્રણ ભાઈ, એક  બહેનવાળા મધ્યમ-વર્ગના કુટુંબમાં જન્મ, તેઓ સૌથી મોટા. પાંચ વર્ષે અમદાવાદ આવ્યા. ન્યુ-એજયુકેશન શાળામાં અભ્યાસ. મુંબઈ મેડિકલ કોલેજમાં એડમીશન લીધુ. અમદાવાદમાં પિતાની તબિયત બગડી. માંદગી લાંબી ચાલતા મુંબઈનો અભ્યાસ છોડી અમદાવાદ આવી એચ. એલ. કોમર્સમાંથી બી. કોમ. કર્યું. ૧૯૫૭માં લગ્ન કર્યા. પાંચ દીકરીઓ સાથેનો સુખી સંસાર ભોગવ્યો. બહુ સાદો અને સેવાભાવી સ્વભાવ. ઘરમાં અને આસપાસની બહેનોને નાનાં-મોટાં  કામો કરી આપે.

૧૩ વર્ષ શ્રીમદ્ રાજચંદ્રના કોબા આશ્રમમાં ડૉક્ટર સોનેજી સાહેબની નિશ્રામાં રહ્યા બાદ પત્નીની તબિયત બગડતા ઘુમા આવી ગયા. અમેરિકા રહેતી દીકરીએ ઘુમામાં પિતાએ આપેલ જમીન પર ઘર બનાવ્યું હતું. હાલ તે ઘરમાં તેઓ રહે છે. પત્નીને છેલ્લા દસ વર્ષમાં આઠ ઓપરેશન કરવાં પડ્યાં. દસેક વર્ષ પહેલાં તેમનો સ્વર્ગવાસ થયો.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

આશ્રમનો નિત્યક્રમ: સવારે સાડા-પાંચે ઊઠે. કલાક ધ્યાન ધરે. સાતથી આઠમાં તૈયાર થાય. આઠ વાગ્યે અભિષેક, 9:30 એ પૂજા, પછી નાસ્તો, ત્યારબાદ પ્રવચન. બાર વાગે જમવાનું, બે કલાક આરામ. રોજ ચાર કલાક સાહેબની સેવામાં. સાંજે ચારથી સાડા પાંચ સ્વાધ્યાય, પછી જમવાનું. જમ્યા પછી આશ્રમમાં થોડું ફરવાનું. રાત્રે  8:30 વાગ્યે  ભક્તિ, પછી સેવા. લગભગ એ નિત્યક્રમ અહીં પણ ચાલે છે.

શોખના વિષયો :

૫૩ વર્ષ પછી શોખ બદલાઈ ગયા છે. હવે ફક્ત ઈશ્વરની ભક્તિમાં જ રસ છે. પહેલાં ફરવાનો ઘણો શોખ હતો. આખું ભારત ફરી વળ્યા છે. અમેરિકા પણ ઘણું ફર્યા છે. ૨૯ વાર ભારતમાં પ્રવાસો કર્યા છે, ૧૨ વાર અમેરિકાની ટુર મારી છે!

યાદગાર પ્રસંગો :

૫૩ વર્ષની ઉંમરે જીવનમાં મોટો બદલાવ આવ્યો તે જીવનનો યાદગાર પ્રસંગ. દિગંબર-મંદિરમાં પ્રવીણભાઈ ટ્રસ્ટી હતા. મૂર્તિની પ્રતિષ્ઠા માટે તેમના હાથે અંજન-શલાકા કરવાની હતી. ડૉક્ટર સોનેજી સાહેબ(કોબા આશ્રમ)ને અઠવાડિયા સુધી રોજ મળવાનું થયું. ડૉક્ટર સાહેબે તેમને  કોબા આશ્રમમાં આવા આમંત્રણ આપ્યું. ટ્રસ્ટીની કામગીરી સ્વીકારવા કહ્યું. આગલા ભવના સંસ્કાર હશે અને આ જન્મનો પરિશ્રમ! પ્રવીણભાઈ અને તેમના પત્નીને આશ્રમમાં ગમી ગયું. પત્નીનો પૂરેપૂરો સહકાર મળ્યો, બંનેને ધર્મમાં અને કર્મમાં અટલ વિશ્વાસ, નસીબમાં હશે તે થશે એવો દ્રઢ વિશ્વાસ!  ડોક્ટર સાહેબ પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું, શાસ્ત્રોનું  વાંચન તથા મનન સતત ૧૩ વર્ષ સુધી કર્યું.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત સારી છે, ડાયાબિટીસ છે. બાયપાસનું  ઓપરેશન કરાવ્યું છે. બીજી કોઈ તકલીફ નથી, થોડો થાક ક્યારેક લાગે. સાંભળવામાં, જોવામાં, ચાલવામાં, થોડી તકલીફ થાય પણ તેનો સહજ ભાવે સ્વીકાર છે.  મરચું-તેલ, વગેરે ઓછું ખાય છે. સ્વાદ છોડ્યો છે એટલે કોઈ ફરિયાદ નથી. ક્યારેક મન થાય તો અમદાવાદ સગાં-સંબંધીને ત્યાં એક આંટો મારી આવે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ટેકનોલોજીનો સારો ઉપયોગ કરે છે. લગભગ 20 વિદ્યાર્થીઓને ઝૂમ ઉપર ઓનલાઇન ધાર્મિક અભ્યાસ કરાવે છે. તેઓ માને છે કે વિજ્ઞાનના  વિકાસ  સાથે ધર્મની પડતી થાય છે. પ્રસંગે જોઈએ તો બધાં લોકો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય. કોઈને સામે બેઠેલા માણસ માટે  સમય નથી. કોઈ કોઈને મદદ કરતું નથી.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?  

અત્યારે ફક્ત દેખાવ પૂરતો ધર્મ રહ્યો છે, બાકી ધર્મ છે નહીં. મનને એકાગ્ર કરવાની, ચિત્તને સ્થિર કરવાની કોઈ વાત કરતું નથી. સારા ગુરુ ક્યાં છે? પૈસા પડાવે, ખોટા માર્ગે દોરે, ધર્મના નામે ધંધો કરે, એવા ગુરુઓથી મંદિર ભરાઈ જાય છે! પણ આત્માની કોઈ વાત કરતું નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

સામાન્ય  લોકો સાથેનો સંપર્ક પણ ઘટાડી દીધો છે એટલે આજની પેઢી સાથેનો  સંબંધ ઓછો થઈ  ગયો છે. દીકરીઓ તબિયતના સમાચાર પૂછે છે, બે-ત્રણ મિનિટ વાત કરે. પૌત્ર-પૌત્રીઓ અથવા સંબંધીઓ સાથે સાંસારિક વાતો કરતા નથી.

સંદેશો :

મોક્ષની આકાંક્ષા કરો,  ભોગની નહીં. વસ્તુ હોય કે ના હોય, પોઝિટિવ રહો. મળ્યું તોય સારું, ના મળ્યું તોય  સારું! કોઈ કોઈનું ભલું કરી શકે કે બગાડી શકે નહીં! માણસે પોતાના કર્મનું પરિણામ ભોગવવાનું છે. અત્યારની અવસ્થા પૂર્વનાં પાપ-પૂણ્યને કારણે છે, વર્તમાનને કારણે નહીં.