નોટ આઉટ @ 83: અરૂણભાઈ અંજારિયા 

નખત્રાણાની પ્રાથમિક-શાળાના શિક્ષકની નોકરીથી શરૂઆત કરી કેળવણી-નિરીક્ષક અને છેલ્લે શિક્ષણ-અધિકારી (DPEO)ની ઉચ્ચ પદવી સુધીની મજલ કાપનાર અરૂણભાઈ અંજારિયાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અને કાર્યક્ષેત્ર બંને ભુજમાં. બે ભાઈ, બે બહેનનું મધ્યમ-વર્ગનું કુટુંબ. માંડવીમાં બોર્ડિંગમાં રહીને વિદ્વાન શિક્ષકો પાસે ભણ્યા. 1956માં મેટ્રિક પાસ કરી નખત્રાણામાં પ્રાથમિક-શિક્ષકની નોકરી સ્વીકારી. MA, B.Ed સુધીનું શિક્ષણ મેળવ્યું. 1964માં કેળવણી-નિરીક્ષક અને છેલ્લે શિક્ષણ-અધિકારીની પદવી પર હતા! નિવૃત્તિ પછી પણ સરકારી આમંત્રણથી સર્વશિક્ષા-અભિયાન સાથે જોડાઈ કચ્છનું માળખું બનાવ્યું હતું. મોટા-પુત્ર(નીલેશકુમાર) અને પુત્રવધૂ (આશા) ભાવનગરમાં જજ છે, નાના-દીકરા(અચલ) અમેરિકામાં આઇટી કંપનીમાં ડીરેક્ટર છે, પુત્રવધૂ (આનલ) સંગીતનું શિક્ષણ આપે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે 6:30 ઊઠે. જાતે ચા-નાસ્તો બનાવી પત્નીને જગાડે. ટીવી ઉપર સમાચાર જોઈ સાથે-સાથે છાપાં પણ જોઈ લે! 10:00 વાગે કામવાળી બહેન આવે. રસોઈમાં પત્નીને થોડી-ઘણી મદદ કરે. ઘરનું ગરમા-ગરમ ખાવાનું ખાય. જમીને થોડો સમય આરામ કરે. સાડા-ચાર વાગે ચા પીએ. ચાનો  ભારે શોખ! બાળકો નક્કી કર્યા મુજબ પરદેશથી ફોન ઉપર વાત કરે. ફળિયામાં, કુટુંબમાં મોટા છે એટલે અવરજવર સારી રહે છે. ફોન/ટીવીને લીધે એકલું લાગતું નથી. સાંજે પ્રાર્થના કરે. રાતના 10-થી-11 અચૂક પત્તા (રમી) રમે. ટીવી પર અનુપમા સીરીયલ જુએ. મોડેથી સમાચાર જુએ અને પછી એક ઊંઘે સવાર!

શોખના વિષયો :  

શાળાના સમૃદ્ધ પુસ્તકાલયને કારણે વાંચનનો બાળપણથી શોખ. નાટક અને સાહિત્યનો શોખ. કવિતાઓ, ગઝલો, તેનું વિશ્લેષણ ગમે. રવીન્દ્રનાથ ટાગોરનાં પુસ્તકો, અનુવાદો ગમે. રમેશ પારેખ, અનિલ જોશી એમના પ્રિય કવિઓ. સંગીત સાંભળવું બહુ ગમે. શાસ્ત્રીય-સંગીતની સમજ સારી છે. ક્રિકેટ જોવાનો ભારે શોખ! પ્રવાસનો શોખ.અમેરિકા ફરવા ગયા ત્યારે માહિતી સાથે ગયા હતા એટલે થોડા સમયમાં ઘણું ફરી આવ્યા. સાથે ક્રૂઝ પણ કરી!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત સારી છે. તબિયત સાચવવા ખાવા-પીવામાં સાચવવું. ડોક્ટરને મળ્યે ત્રણ વર્ષ થઈ ગયાં! કોરોનામાં મળ્યાં હતાં! તેમના હાર્ટનું પંપિંગ ઓછું છે, ક્યારેક ચાલે તો પગ ભારે લાગે. ચક્કર આવે ત્યારે ધીમે-ધીમે ચાલે. જિંદગી સાથે તાલ તો મેળવવો જ પડે!

યાદગાર પ્રસંગો :

સરહદે આવેલા ખડિલ તાલુકાના અમરપુર ગામમાં ઇન્સ્પેક્શન માટે ગયા હતા. પાણી પણ મળે નહીં તેવું ગામ. બે ઓરડાના નાના ઘરમાં શાળા ચાલે. એક રૂમમાં એક શિક્ષક ભણાવતા હતા તેમનું નિરીક્ષણ કર્યું. બાજુના રૂમમાં શિક્ષિકા ભણાવતાં હતાં. બાળકો રોજ આવે પણ ભણે નહીં એટલે શિક્ષકે પોતાની પત્નીને બાળકોને ભણાવવાં તૈયાર કર્યાં! તેમના મતે બહેનને માનવસેવા એવોર્ડ આપવો જોઈએ!

એકવાર ભુજના ટાઉનહોલ પર ટોળેટોળાં હતાં. અરૂણભાઈ દૂર ઊભા-ઊભા જોતા હતા. મોટી ગાડીમાં સોહરાબ મોદી આવ્યા, સાથે હતા ઓલ-ઇન્ડિયા-રેડિયો-સ્ટેશન, ભુજના મોટા કલાકાર અને શિક્ષક હસન જમાદાર. હોદ્દાની રુએ અરૂણભાઈ હસન જમાદારની ઉપર. બંનેની નજર મળી. અરૂણભાઈને તરત બોલાવી સોહરાબ મોદી સાથે ઓળખાણ કરાવી, સંબંધની આમન્યા જાળવી. આટલો મોટો કલાકાર પણ કેટલો નમ્ર!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. સોશિયલ-મીડિયા ઉપર એક્ટિવ છે. youtube/google નો પૂરતો ઉપયોગ કરે છે. લેપટોપ/ડેસ્કટોપ વાપરે છે. મોબાઇલ પણ ખરો! જીવન સરળ બનાવવા અને સંબંધોને એકબીજા સાથે જોડી રાખવા ટેકનોલોજી ઉપયોગી છે. મનોજ ખંડેરીયાને યાદ કરે છે :

મને સૌભાગ્ય કે શબ્દો મળ્યા, તારે નગર જાવા,

ચરણ લઈ ચાલવા બેસું, તો વર્ષોના વરસ લાગે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા, બધામાં ફેર પડી ગયો! અત્યારે બાળપણ છે જ ક્યાં? બાળકને ઘણી નાની ઉંમરથી સ્કૂલમાં મૂકે, અનેક પ્રવૃત્તિઓ કરાવે, ટ્યુશન કરાવે….. કુટુંબ વિભક્ત થતાં બાળકને હૂંફ નથી મળતી, તેઓ કૌટુંબિક વારસાથી અલગ થઈ ગયા છે. યુવાનીમાં અરૂણભાઈને નોકરી સામેથી મળી હતી, આજે નોકરી ક્યાં છે? પટાવાળાની નોકરી માટે હજારો ભણેલા યુવાનો અરજી કરે! વૃદ્ધાવસ્થામાં એડજસ્ટમેન્ટ અને આયોજન કરવું પડે. વૃદ્ધોને સલાહ કે ક્યાંય આડા ન આવવું!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

કુટુંબના, ફળિયાના યુવાનો સાથે સંપર્કમાં છે. સરકારે યુવાનો માટે ઘણી સ્કીમો કાઢી છે, તેનો યુવાનો લાભ લે અને આત્મનિર્ભર બને તેવી તેમની ઈચ્છા છે.

સંદેશો :

યુવાનો મા-બાપને સાચવવાની પ્રાયોરિટી રાખે. કંઈ પણ કામ શોધી નાંખે, ઉદ્યમ કરે, ટેકનોલોજીનો સહારો લે અને પગભર બને.