નોટઆઉટ@82: કલાબહેન વ્યાસ

દર્દીઓને ખાવાનું હોસ્પિટલમાંથી મળે.પરંતુ, તેમની સાથે રહેતાં કુટુંબીઓનાં ખાવા-પીવાનું શું થાય? તમને ક્યારેય એવો વિચાર આવે છે? 8૨ વર્ષનાં કલાબેન અને તેમના પતિ બળવંતભાઈ વ્યાસને આ વિચાર વર્ષોથી સતાવતો. આજે કલાબેન તેમના ‘ગુજરાત દર્દી-લોક-કલ્યાણ-ટ્રસ્ટ’ દ્વારા રોજનાં ૭૦૦ ટિફિન દર્દીઓનાં કુટુંબીઓને પહોંચાડે છે. વરસે 250 કુટુંબોને અનાજ/કરિયાણું ભરી આપે છે.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ગાંધીનગરના વલાદ ગામમાં મધ્યમવર્ગી કુટુંબમાં જન્મ. પિતા ખેતી કરે. ૬ દીકરીઓ અને ૨ દીકરાઓને ભણાવવા માતા અમદાવાદ, અસારવા, આવીને રહ્યાં. કોઈ પણ ઓળખીતું-પાળખીતું સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય તો તેમને ટિફિન પહોંચાડવાનું! કલાબહેનમાં બાળપણથી આ સંસ્કાર! મેટ્રિકની પરીક્ષાના રિઝલ્ટને દિવસે કલાબેનના લગ્ન બળવંતભાઈ વ્યાસ સાથે થયાં. પતિ સાથે વિચારોમાં સુમેળ. બળવંતભાઈએ ઇન્સ્યોરન્સ કંપનીમાં આણંદ, સુરત, મહેસાણા, અમદાવાદ કામ કર્યું. બે દીકરા, એક દીકરીનો નાનો, સુખી પરિવાર. ૧૯૮૭માં બળવંતભાઈ મહેસાણા રોટરી ક્લબમાં પ્રેસિડેન્ટ હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં ટિફિન આપવાનું શરૂ કર્યું. ઓફિસના ઉપરીઓએ તેમના કામની પ્રશંસા કરી. ચાલુ ઓફિસે બે કલાક આ કામ માટે ફાળવવા આગ્રહ રાખ્યો. ત્યારે બે માણસો સાયકલ ઉપર 50-60 ટિફિન પહોંચાડતા. 1996ની સાલમાં રિટાયર થયા પછી “પૈસા માટે કામ નથી કરવું” એવું નક્કી કર્યું. અનિલભાઈ પટેલે એક રીક્ષા આપી. ધીમે-ધીમે સાત રીક્ષાનો કાફલો થઈ ગયો. 2015માં બળવંતભાઈનું મૃત્યુ થયું ત્યારે ૩૦૦-૫૦૦ ટિફિન જતાં. કલાબહેને પતિનું પુનિત કામ ચાલું રાખ્યું. આજે રોજનાં ૭૦૦ ટિફિન તેઓ પહોંચાડે છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ:

સવારે આઠ વાગ્યે રીક્ષા-સ્વયંસેવકો પાંચ જુદા-જુદા રૂટ પર નીકળે. મહિનામાં એક ઘેરથી એક જ વાર ટિફિન લેવાનું. 15000 ઘર ફર્યાં ત્યારે તેમાંથી 7૦૦ ટિફિનનો મેળ પડ્યો! ઘુમા, બદરખા, સહિતનાં શહેરનાં તમામ વિસ્તારોમાં તેમની રીક્ષા ફરે. સિવિલ હોસ્પિટલના હોલમાં બે સ્વયંસેવકો દર્દીનાં સગાંને ટોકન પાંચ રૂપિયા લઈ સાત્વિક ભોજનવાળું ટિફિન આપે અને સાફ ટિફિન પાછું લે. રંગ અને નંબર દ્વારા ટિફિનના વિતરણનું સરસ આયોજન કર્યું છે. દર બુધવારે કેન્સર પેશન્ટ માટે શીરો, પ્રોટીન-પાવડર, દવાઓ અને ઈન્જેકશન પહોંચાડે છે, ત્રણ કેન્સર પેશન્ટ માટે કિમો-થેરેપીનો ખર્ચ ઉપાડે છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

સવારે વહેલાં ઊઠી કસરત કરે, બે કલાક એટલે પાંચ કિલોમીટર ચાલે. કોફી પી, છાપુ વાંચે. નાહી-ધોઈ પૂર્ણાનંદ આશ્રમ જાય. સેવા-પૂજા કરી જાતે રસોઈ કરે. બીપીની થોડી તકલીફ છે, બાકી તબિયત સારી છે. કાયમ હસતી રહું છું. “મારું હસતું મોઢું જુઓ તો દિવસ સારો જાય” તેમ લોકો માને છે!

 

યાદગાર પ્રસંગ :

સિવિલ હોસ્પિટલમાં બાળકોને દર બુધવારે શીરો આપે. એકવાર એક બાળકે જીદ પકડી કે “મારે બટાકા પૌંઆ ખાવા છે!” કલાબહેને દોડાદોડ ઘરે આવી મોટો ડબ્બો ભરી બટાકા પૌંઆ બનાવ્યાં. બળવંતભાઈએ ગાડી લઈ બાળકને બટાકા પૌંઆ પહોંચાડ્યા! બાળકે ખુશ થઈ મિત્રોને ભેગાં કરી બટાકા પૌંઆ ખાધાં! બુધવારે કેન્સરના દર્દીઓને શીરો ખાતાં જોઈ તેમનાં મોં ઉપર લહેરાતો અલૌકિક આનંદ જીવનભરની મૂડી છે!

શોખના વિષયો :

સંગીત સાંભળવાનો શોખ છે. વાંચવાનું ગમે, ઐતિહાસિક નવલકથા વાંચવી વધુ ગમે. કનૈયાલાલ મુનશીની નવલકથાઓ તો અક્ષરે-અક્ષર યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

કામ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે, મોટેભાગે માણસો વાપરે. ટીવી, મોબાઇલ ખપ પૂરતાં વાપરે. દિકરાએ પ્રેમથી લેટેસ્ટ મોબાઈલ ફોન અપાવ્યો છે. ટેકનોલોજીમાં તો સિક્કાની બે બાજુ છે, ઘણાં લોકો તેમાંથી સારું શીખે છે, ઘણાં લોકો ખરાબ શીખે છે, એ તો માણસ ઉપર આધાર રાખે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બાળકોને પ્રસાદમાં આપવા જોઈએ, ખબર-અંતર પૂછીએ એટલે એમની સાથે ટચ ખરો. યુવાનો સાથે ટચમાં નથી, પણ અમારા અનાજ-વિતરણના કાર્યક્રમમાં, ઈશ્વર-ભુવનમાં દર વર્ષે મદદ કરવા 25-30 યુવાનો જાતે સ્વયં-સેવા માટે આવી જાય છે, ત્યારે આનંદ થાય કે યુવા પેઢીમાં આ સંસ્કાર હજુ પણ છે અને “સર્વે સન્તુ નિરામયા:”નો ભાવ પણ છે.

 

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

કુટુંબમાં હોવો જોઈએ તેવો સંપ હવે રહ્યો નથી. પહેલા સંયુક્ત કુટુંબમાં એક-બીજા તકલીફમાં સચવાઈ જતાં. હવે વિભક્ત કુટુંબમાં નબળા માણસો અટવાઈ જાય છે.

સંદેશ: 

યુવાનોને હું કહીશ કે ભણો અને ખૂબ-ખૂબ કમાવ. સાથે-સાથે સેવા કરો. પહેલા મા-બાપની અને પછી સમાજની સેવા કરો. પૈસા આપીને છૂટી જશો નહીં, શ્રમદાન કરો. એ મોટામાં મોટું દાન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]