નોટ આઉટ@ 82: જોરાવરસિંહ જાદવ

લોક-કલા, લોક-સંસ્કૃતિ અને લોક-સાહિત્યના ક્ષેત્રે જેમણે છેલ્લી-અડધી સદી અવિરત કાર્ય કર્યું છે અને પદ્મશ્રી સહિતના અગણિત પુરસ્કારથી વિભૂષિત છે તેવા જોરાવરસિંહ જાદવની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

ધંધુકા જિલ્લાના આક્રુ ગામના રાજપૂત ખેડૂત પરિવારમાં જન્મ. ચાર ભાઈ, બે બહેનનું  મધ્યમ-વર્ગનું  કુટુંબ. પિતાને લોક-કલાનો શોખ. લોક-કલાકાર મહેમાનોથી ઘર ભર્યું ભાદરું રહે. ભજનો, લોકડાયરાનો  નાનપણથી પરિચય. ધોળકા રાજપૂત-સમાજની બોર્ડિંગમાં, પછી  બે વર્ષ જયંતીભાઈ-દેવીબેનના ઘેર રહી અભ્યાસ કર્યો. સાચું ઘડતર પામ્યા. પછી ગુજરાત વિદ્યાપીઠમાં અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા. પ્રોફેસર જેસલપુરા જાતે લેખકોનો પરિચય કરાવે, લેખકોને મળવા લઈ જાય. મેઘાણીની વાર્તાઓ વાંચી લખવાનો શોખ જાગ્યો. પિતાને ICS ઓફિસર બનાવવાની ગણતરી,  પણ બીએ, એમએ(પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં) કરી તેમણે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પબ્લિસિટી ઓફિસર તરીકે 30 વર્ષ અને સીઈઓ તરીકે 5 વર્ષ કામ કર્યું. સાથે-સાથે લોક-કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

ફોર્મલ નિવૃત્તિને 23 વર્ષ થયાં છે, પણ લોક-કલા સંશોધનનું કાર્ય ચાલુ છે. દેશભરનાં 5000 કલાકારો સંપર્કમાં છે. તેમને કામ અપાવવું, દેશ-પરદેશ મોકલવાં, ક્યારેક ગ્રુપની સાથે જવું,  કોઈ સ્ટેજ ના આપે તેવા કલાકારોને સ્ટેજ અપાવવું. લોક-કલા, લોક-સાહિત્ય, લોક-સંસ્કૃતિના  સંશોધન માટે ગામેગામ ફરીને, વાદી-મદારીથી રાજા-મહારાજા સુધી પરિચય કેળવી કામ કર્યું છે. વતનમાં લોક-કલાનું મ્યુઝિયમ બનાવે છે.

શોખના વિષયો :

વાંચન, લેખન, ગુજરાતનાં તમામ છાપામાં લોકકલાની કોલમ લખી છે. 99 પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે. તેમની  ‘ગુજરાતનો લોક-કલા વૈભવ’ GPSCની રેફરન્સ-બૂક તરીકે માન્ય છે.

યાદગાર પ્રસંગો :  

આકાશવાણી પર આવતી શૌર્ય-કથાઓનું  તેમના પહેલા પુસ્તક “મરદ કસુંબલ રંગ” રૂપે પ્રકાશન,  વિદ્વાન કેકા શાસ્ત્રીનું પ્રુફરીડિંગ, પૂજ્ય મોટાના અમૃત-મહોત્સવ પ્રસંગે આશીર્વાદ સાથે પુસ્તક-વિમોચન!

પુષ્કરના મેળામાં ગુલાબીનો સરસ ડાન્સ જોઈ અમદાવાદના મોટા પ્રોગ્રામમાં તેને સ્ટેજ અપાવ્યું. એના ડાન્સે ધમાલ કરી મૂકી! 1985માં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ફ્રાંસમાં અને પછી  80 ઉપરાંત દેશોમાં તે પ્રોગ્રામ કરી આવી! 2016માં ગુલાબીને “પદ્મશ્રી” પુરસ્કાર મળ્યો!

કોઇમ્બતુરમાં ઇન્ટરનેશનલ મેજિક કન્વેન્શનમાં ધાંગધ્રાના પાઘડીધારી દઢિયલ સમજુનાથે હાથ-ચાલાકી અને સાપ-વીંછીના ખેલ કરી લોકોનાં દીલ જીતી વિશ્યમ-૨૦૦૦ પુરસ્કાર ઝડપી લીધો!

અમદાવાદમાં દર-વર્ષે લોકનૃત્યના પ્રોગ્રામમાં કલાકારોને નેશનલ એવોર્ડ અપાય(આજ-પર્યંત લગભગ ૧૦૦ એવોર્ડ). પ્રોગ્રામમાં આશરે બે લાખનો ખર્ચ થાય. અમદાવાદનાં દાતાઓ અને મહેમાનો તે ખર્ચ સહર્ષ ઉપાડી લે છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત જાળવવી તે માણસની  ફરજ છે. તેઓ રોજ સવારે ગળો-ઘનવટી અને હળદર-સુંઠનું દૂધ લે, ચ્યવનપ્રાસ અને ડ્રાયફ્રુટ લે. પછી બગીચામાં ચાલે, પ્રાણાયામ-કસરતો કરે, લાફિંગ-ક્લબમાં મિત્રો સાથે કલાકેક  આનંદ કરે. તબિયત સરસ છે, બીપીની ગોળી લે છે. જાતે ડ્રાઇવ કરીને ભાવનગર સુધી જઈ શકે છે! ગરીબોના આશીર્વાદ છે. ખાવા-પીવામાં સાદગી, પણ જમ્યા પછી મીઠાઈ જોઈએ! ઊણોદરીમાં માને છે.રાત્રે જમીને 500 ડગલાં ચાલે છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:   

લોક-કલાકારો ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થયાં છે. મોબાઇલ/લેપટોપ વાપરે છે, તેમાં  સંગીત નાખીને લાવે એટલે લાઈવ પ્રોગ્રામ માટે ખર્ચો ઓછો થાય! પ્રિન્ટિંગમાં પહેલા હાથથી પ્રેસ ચાલતી, હવે બધું ઓટોમેટીક છે. વર્ષોના અનુભવને લીધે ટેકનોલોજીની મદદથી લેઆઉટ વગેરેમાં ઘણી અનુકૂળતા રહે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવા-કલાકારો અને કલાકારોનાં બાળકો સાથે સારો પરિચય. તેઓ પરંપરા, વેશભૂષા, સંસ્કારો જાળવે અને ફિલ્મો જોઈ બગડે નહીં તેવી આશા છે. લોકકલાના કલાકારો બાળકોને ભણાવે જરૂર, પરંતુ પરંપરા જીવંત રહે તેનું ધ્યાન રાખે. કોલેજોમાં, સામાજિક સંસ્થાઓમાં લોક-કલા ઉપર પ્રવચન માટે તેમને બોલાવે છે. નવી-પેઢીને ભારતીય સંસ્કૃતિ, કલા, સાહિત્યમાં રસ નથી. તેઓ યુવાનોને લોક-નૃત્યના પ્રોગ્રામો બતાવી તેમાં રસ લેતાં કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

અત્યારે પશ્ચિમની સંસ્કૃતિનું ગાડું અનુકરણ થાય છે. બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે લોક-સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે.  લોક-કલાકારોના ધંધા તૂટી ગયા છે, ઢોલ-શરણાઈ વગાડવા જેવા કામોમાં  સેટ થાય છે. પહેલાં લોક-કલાના ચિત્રોવાળા એક લાખ દિવાળી કાર્ડ બનાવતાં જે અત્યારે સાવ બંધ છે!

સંદેશો : 

ભારત પાસે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધિ છે તે બીજા કોઈ દેશ પાસે નથી. પરંપરાને જાળવવાની જવાબદારી સરકારની, મહાજનોની અને આપણા સૌની છે. દુષ્કાળ પડે તો અનાજ પરદેશથી લાવી શકાય, કલા-સંસ્કૃતિ નહીં!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]