નોટ આઉટ@ 82: હસમુખભાઈ જોષી

કર્મ-કાંડી બ્રાહ્મણ કુટુંબમાં જન્મથી શરૂઆત કરી Life Insurance Corporation (LIC)માં ડિવિઝન મેનેજર સુધીની રસભરી સફર કરનાર હસમુખભાઈ(હરસુખભાઈ)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

શિવ-ભક્ત હસમુખભાઈ જોષીનો જન્મ જુનાગઢ, માંગરોળના બ્રાહ્મણ પરિવારમાં. મોસાળ અમરેલીમાં. કુટુંબમાં બે બહેન, એક ભાઈ. બાળપણમાં આર્થિક તકલીફ ઘણી ભોગવી. પિતાને કર્મકાંડી કામમાં નિષ્ફળતા મળતા સિહોર પાસે ગૌતમેશ્વર આશ્રમમાં આશ્રય લીધો. 1950માં દોરી અને લોટો લઈને અમદાવાદ આવ્યા. અમદાવાદ આવીને જીવન સુધર્યું! ફી માફી થતા અમરેલીથી શરુ કરેલ અભ્યાસ ચાલુ રાખ્યો. મેટ્રિકમાં ફર્સ્ટ-ક્લાસ મળ્યો. હેવમોરમાં 80 રૂપિયાના પગારથી પહેલી નોકરી શરૂ કરી! માતાની માંદગીમાં સાથે ન રહી શક્યા અને મરતી માતાને મળી શક્યા નહીં એ અફસોસ જીવન-ભર રહી ગયો. નાના નારણજી મોતીરામ ભટ્ટ તેમના આદર્શ! 20 વર્ષે LICમાં આસિસ્ટન્ટ તરીકે જોડાયા અને 40 વર્ષની નોકરી બાદ ડિવિઝન-મેનેજર તરીકે રીટાયર થયા! જીવનની સફળતામાં પત્નીનો અને LICનો સહકાર મુખ્ય!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રિટાયર થયા પછી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંથી લેક્ચર માટે ઘણાં ઇન્વિટેશન આવતાં અને ઘણું કામ કર્યું, પણ પછી જાત્રાઓ અને પ્રવાસમાં સમય વધુ જતા ઇન્સ્યોરન્સનું કામ ઓછું કર્યું. રોજ 7:00 વાગે ઊઠીને ચા-પાણી કરે. બે-ત્રણ કલાક સૂર્ય-નમસ્કાર, ધ્યાન, ઓમકાર, ગાયત્રી-મંત્ર, જપ, દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્મરણ વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જાય. 10 વાગે ફરી ચા જોઈએ, સાથે છાપા લઈને બેસે. બહારનું કામ હોય તો પતાવે. જમીને આરામ કરે. રોજ ગણપતિ અથર્વ-શિષ્યના પાઠ કરે. એક દિવસનો એક પાઠ તો થવો જ જોઈએ. મૃત્યુંજયના પાઠ પણ ચાલુ હોય. સાંજે પોણો કલાક સ્વિમિંગ કરે. ઘેર આવીને ટીવી જોઈ, જમી અને 11 વાગે સૂઈ જાય.

શોખના વિષયો : 

માહિતી-પૂર્ણ વાંચન અને ધાર્મિક વાંચન બહુ ગમે. આપણા મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોનું વાંચન નિયમિત કરે. મિત્રો અને કુટુંબીઓને મળવાનું ગમે. ભારતમાં ઘણું ફર્યા છે, બહુ પ્રવાસ કર્યા છે. દક્ષિણ-ભારત, ચારધામ, કૈલાશ અને માનસરોવર એમ ઘણું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

નિયમિતતા, નિર્વ્યસન જીવન, અનુકૂળ અને નિખાલસ સ્વભાવ વગેરેને લીધે તબિયત ઘણી સારી છે. રોજ એક મુઠ્ઠી બદામ, ચાર ખજૂર અને ઋતુ પ્રમાણે ફળો લે છે. બંને આંખનાં મોતિયાનાં ઓપરેશન થયાં છે. હર્નિયાનું ઓપરેશન કરાવ્યું છે. ક્યારેય વાહન ચલાવ્યું નથી. સવારે બે કલાક યોગ, ભ્રામરી, અનુલોમ-વિલોમ કરે અને સાંજે પોણો કલાક સ્વિમિંગ કરે. 

યાદગાર પ્રસંગ: 

એકવાર મિત્રો સાથે રાજપીપળા ફરવા ગયા હતા. નર્મદામાં તરવા પડ્યા. જોરથી વહેણ આવ્યું અને અડધો કિલોમીટર જેટલું તણાયા. મિત્રોને એમ કે તરતા તો આવડે જ છે એટલે હમણાં નીકળી જશે! એ દિવસે ભગવાને જ બચાવ્યો બાકી ડૂબી ગયા હોત!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી સાથે માણસે એડજસ્ટ થવું જ જોઈએ. તેમણે પણ પોતાની જરૂર જેટલું શીખી લીધું છે પણ શોખથી નહીં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

જમાનો આગળ વધતો જ રહે છે. સંજોગો પ્રમાણે શોધખોળો થતી રહે છે. ગાડાના દિવસો ગયા, અને વિમાનના દિવસો આવ્યા! અત્યારે બાળકોને અને યુવાનોને બહુ સ્કોપ મળે છે. તેમના બાર વર્ષના પૌત્રે હેરી પોટરની ઘણીબધી ચોપડીઓ વાંચી નાંખી છે. તેમને તેનો બહુ આનંદ છે પણ તેમને એમ થાય છે કે તેમણે એટલું બધું કેમ વાંચ્યું નહીં હોય?

આજની પેઢી સાથે સંકળાયેલા છો

તેમને 3 બાળકો અને 5 પૌત્ર-પૌત્રીઓ છે. યુવાનો સાથે ફાવે છે. યુવાનો સાથે જનરેશન ગેપ અવોઇડ કરવો જોઈએ. અડપટેબિલિટી હોવી જરૂરી છે. તેઓ સ્વિમિંગમાં જાય ત્યારે ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ સ્વિમિંગ માટે આવે છે. હસમુખભાઈની તબિયત જોઈને એ લોકો કહે કે “તમે તો અનિલ કપૂરને પણ પાછો પાડી દીધો!”

સંદેશો : 

9876543210 ? એટલે શું??

9 કલાક પરિશ્રમ કરો, 8 કલાક નિંદ્રા લો, 7 સાત-અજાયબીઓ જુઓ, પ્રવાસ કરો, 6 ડિજિટનો સેલેરી મેળવો!,

5 પંચ-મહાભૂતને જાણો, 4 સગવડ માટે ફોર-વ્હિલર રાખો,  3 થ્રી-BHKના ફ્લેટમાં રહો, ટેશથી!, 2 બે બાળકો હોય,

1 એક પતિ/પત્ની/સાથીદાર હોય!.

જો જિંદગીમાં આ ના હોય તો જિંદગી શૂન્ય છે! તેમને આ બધું પ્રાપ્ત થયું છે અને બધાંને પ્રાપ્ત થાય તેવી આશા છે!