નોટ આઉટ@82 : ડૉ. ગોવિંદભાઈ પટેલ

૧૨ વર્ષના ગોવિંદભાઈના લગ્ન ૧૦ વર્ષનાં શકરીબહેન સાથે ૭૦ વર્ષ પહેલાં થયાં હતાં. તેમની  અકબંધ જોડીનું ૩૧મી જુલાઈએ જીવતે-જગતિયું કર્યું! ડૉ. ગોવિંદભાઈની  જીવનયાત્રાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

ડૉ.ગોવિંદભાઈ પટેલનો જન્મ સાણંદ પાસે નિધરાડ ગામમાં. પિતાને ખેતીવાડીનું કામ. ત્રણ ભાઈઓનું ખાધે-પીધે સુખી કુટુંબ. ગોવિંદભાઈ ગોધાવીમાં એસએસસી સુધી ભણ્યા. ત્યારબાદ સાણંદમાં ડોક્ટર ઉપાધ્યાય પાસે અને સી. કે. હોસ્પિટલમાં 12 વર્ષ ખંતથી સર્વિસ કરી.  તેમને સર્ટિફિકેટ ઓફ મેડીકલ પ્રેક્ટીસ મળ્યું. પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. ભવાનપુરમાં તેમનું દવાખાનું, આજુબાજુના યશવંતપુરા, ચંદ્રાસર, નદાણ જેવાં દસ-બાર ગામમાં સાયકલ લઈને ફરી વળે. સામાન્ય શરદી, ખાંસી, તાવ વગેરેમાં દર્દીને એક ઇન્જેક્શને સાજો કરે! લોકોની ઘણી સેવા કરી. માતા-પિતાની ૨૦ વર્ષ સેવા કરી. અભણ ખેડૂતોને ખૂબ મદદરૂપ થયેલ. ફી માટે ક્યારેય આગ્રહ રાખતા નહીં. પૈસા મળે કે ના મળે, પણ આશીર્વાદ ચોક્કસ મળે! ગોવિંદભાઈની ગુમડાની દવા અકસીર! ઠેઠ કચ્છથી  દર્દીઓ મંગાવે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

અત્યારે સવારે 6:00 વાગે ઊઠે. ચા-પાણી કરી ભક્તિ અને ભજન કરે. શ્રાવણ મહિનામાં  દિવસભર મૃત્યુંજયના જાપ કરે. ઘરનું અને દીકરાનું  બેંકનું બધું કામ તેઓએ સંભાળી લીધું છે! (એક દીકરી,બે દીકરા છે) રોજ બેંકમાં એકવાર જાય.  જમીને બપોરે આરામ, પાછા સાંજે ફરવા નીકળે. બાળકો સાથે બાળક થઈ રમે. ઘરના કામકાજમાં મદદ કરે. માળીયામાંથી વસ્તુ કાઢવાની હોય, ઝાડ કાપવાનું હોય, ખાટલો ભરવાનો હોય, નળિયાં ગોઠવવાનાં હોય, બધું કામ કરે!

શોખના વિષયો :

ખેતીવાડી કરવી અને ભજન ગાવાનું ગમે. યુવાનીમાં ફિલ્મોનો જોરદાર શોખ! ઉતરાણમાં પતંગનો ભારે શોખ! ખાવાનો શોખ. ચાઇનીઝ, પંજાબી, પાણીપુરી ભાવે. જમ્યા પછી બે લાડુ ભાંગ્યા વગર ખાઈ શકે! યુવાનીમાં ચેતના હોટલના ફુલ ભાણામાં ૮૦ પુરી ખાઈ જતા!

યાદગાર પ્રસંગો : 

વર્ષો પહેલા ભાણો ઘેર રહી ભણે. એસએસસીમાં તે ગણિતમાં નાપાસ થયો. ગોવિંદભાઈ પોતે ગણિતમાં હોશિયાર અને ભાણો ગણિતમાં નાપાસ થયો. ગોવિંદભાઈને બહુ ખરાબ લાગ્યું. તેમણે ભાણાને ગણિત ભણાવવાનું શરૂ કર્યું. પોતે થોડું નવું શીખ્યા. રોજ ચાર-પાંચ કલાક ગણિત ભણાવી તૈયાર કર્યો. ફરીવાર પરીક્ષા આપી ત્યારે ૮૬ માર્ક લાવ્યો! પછી કુટુંબના અને ગામના ઘણા વિદ્યાર્થીઓને ગણિતમાં તૈયાર કર્યા. એકવાર ગામની શાળામાં શિક્ષક પડી ગયા. શાળાએ જવાય નહીં. ગોવિંદભાઈએ ગણિતનું કામ ઉપાડી લીધું,  બધાં બાળકોને ગણિતમાં તૈયાર કર્યાં. તે વર્ષે બે છોકરાઓને ગણિતમાં 100 માંથી 100 માર્ક આવ્યા!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

કસાયેલું શરીર છે, એકવડો બાંધો છે, વજન ઓછું છે, ગામડામાં ખેતી કરેલી છે અને પોઝીટીવ વિચારે છે એટલે તબિયત સારી છે. કાનની થોડી તકલીફ છે. આંખની પણ તકલીફ છે.  ઝામરને લીધે જમણી આંખ જતી રહી છે, ડાબી આંખે 80% વિઝન છે. પણ હજી એક્ટીવા લઈને છેક ગામડે જઈ આવે છે! (બાળકોના વિરોધ છતાં!)

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?: 

ટીવીનો શોખ ખરો, આંખની તકલીફને  લીધે બરાબર દેખાતું નથી એટલે શોખ ઓછો થઈ ગયો છે. મોબાઇલ જરૂર જેટલો વાપરે. કાને ઓછું સંભળાય છે  એટલે મોબાઈલ પણ ઓછો વપરાય છે. આજકાલ નાનાં છોકરાં તોફાન કરે તો મા-બાપ મોબાઈલ આપી દે એટલે છોકરાઓ મોબાઈલથી રમ્યાં કરે! મોબાઈલમાં જાણવા તો ઘણું મળે પણ તેનો ઉપયોગ ખરાબ થઈ રહ્યો છે. માપનું આપે તો સારું, બાકી બાળકનું મગજ ખીલે નહીં.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?:

તેઓ ત્રણ પેઢી સાથે રહે છે. પુત્રના મિત્રો અને પૌત્રના મિત્રો બધા સાથે તેમને સારું ફાવે છે. તેમણે જે મહેનત કરી છે તે આજના યુવાનો કરી શકે નહીં એવું તેમનું માનવું છે. છોકરાઓ સાધનોને લીધે હોશિયાર તો થયા છે પણ પ્રામાણિકતા ઘટી ગઈ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં ગામડામાં વહુ વડીલની સામે બેસી પણ શકે નહીં. મર્યાદાથી જ વાત થાય. મોટેરાંઓની  લાજ કાઢવાની હોય. હવે ધીમે-ધીમે ગામડામાં પણ આ બધું ઓછું થઈ ગયું છે. પણ માણસના મન હવે ટૂંકા થઈ ગયાં છે. મહેમાન ઘેર આવે તો કોઈ ખાવાનો અને જમવાનો વિવેક પણ કરતા નથી. મહેમાન આવે તો છોકરાઓ મોબાઈલ લઈ બેસી જાય કે ટીવી ચાલુ કરીને બેસી જાય!

સંદેશો :  

મહેનત કરજો,  પોઝીટીવ વિચાર રાખજો! સેવા કરશો તો મેવા પામશો!

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]