નોટ આઉટ@106: ડોલમા પુતિત

યુનિયન ટેરિટરી લડાખમાં આવેલા તિંગમોસગૈંગ ગામનાં, ૧૦૬ વર્ષનાં વરિષ્ટ મહિલા ડોલમા પુતિત એક જાગૃત નાગરિક છે. જમ્મુ-કાશ્મીરની ૧૯૬૭ની લોકસભાની પહેલી ચૂંટણીથી આજ સુધીની લોકસભાની 13 ચૂંટણીઓમાં તેમણે દરેક વખત મતદાન કર્યું છે! આવો તેમની વાત સાંભળીએ તેમની જ પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

પાંચમી પેઢી જોવા ભાગ્યશાળી રહેલાં ડોલમાનો જન્મ લડાખના તિયા ગામમાં, સામાન્ય કુટુંબમાં થયો હતો. બે ભાઈ અને બે બહેનનું મધ્યમવર્ગી કુટુંબ. પિતા પાસે જમીન અને પશુઓ હતાં, જેમાંથી કુટુંબ-નિર્વાહ સારી રીતે થતો હતો. પોતાની કિશોરાવસ્થામાં તેઓ ઘેટાં-બકરાં લઈને ગામના પાદરમાં ચરાવવા જતાં. બહેનપણીઓ પણ પોતાનાં ઘેટાં-બકરાં લઈ આવે. સાથે રમવાનું અને ઘેરથી લાવેલા નાસ્તાની પિકનિક કરવાની! કેટલું સાદું અને સુંદર જીવન!

૧૪-૧૫ વર્ષે તેમના લગ્ન થયા. પતિ સફરજન અને એપ્રિકોટનો નાનો ધંધો કરતા. ઘરમાં 25 ગાય, 3 યાક, 60 ઘેટાં-બકરાં, 3 ઘોડા હતાં. જમીન પણ હતી. જમીનની ઉપજથી વરસની જરૂરિયાત પૂરી થઈ જતી. સામાન્ય રીતે રોજબરોજના ભોજનમાં બાર્લીનો ઉપયોગ થતો.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

કુટુંબમાં 14 સભ્યો છે. ઘરનાં લોકો તેમનું બહુ ધ્યાન રાખે છે. તેઓ 40 વર્ષ પહેલાં વિધવા થયાં હતાં. તેમને એક દીકરો અને એક દીકરી, જેમાંથી દીકરો થોડા સમય પર જ અવસાન પામ્યો. તેઓ સવારે છ વાગ્યે ઊઠી જાય એટલે ઘરની મહિલા તેમને ગરમાગરમ ચા આપી જાય. સૂર્યોદય સુધી તેઓ ખાટલામાં બેસીને જ મંત્રજાપ કર્યા કરે : “ઓમ મણી પદ્મા ઓમ”. બુદ્ધધર્મમાં આસ્થા છે. તે પછી નહાવા-ધોવાનું અને સાફસૂફીનું કામ ચાલે. વળી પાછી માળા લઈ મંત્રો ગણવા બેસી જાય. છેક કોવિડ સુધી એપ્રિકોટ છોલવામાં મદદ કરતાં. બપોરે જમ્યાં પછી થોડો આરામ કરે અને વળી પાછું ઈશ્વરનું નામ!

વર્ષમાં છ મહિના બરફ પડે, બાકીના છ મહિનામાં પુરુષ-વર્ગ બહારનાં કામકાજ કરે. બરફના છ મહિનામાં આખું કુટુંબ એક મોટા રૂમમાં વચ્ચે લાકડા સળગાવી આજુબાજુ બેસે. ઘરનાં બધાં સભ્યો સાથે રહે! કેટલું સુંદર કૌટુંબિક જીવન!

શોખના વિષયો :

એ જમાનામાં તો ખેતીવાડી, ઘરની સંભાળ રાખવાની અને પશુઓને ચરાવવાના, એ જ કામ! બીજો કોઈ શોખ નહીં. સમય જ મળે નહીં!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

આંખો થોડી ઝાંખી પડી છે, પગ ઢીલા થઈ ગયા છે, કાને બરાબર સંભળાતું નથી, પણ કોઈ મોટી બીમારી નથી. ખુલ્લી હવામાં જીવ્યાં છીએ અને બધું કામ જાતે કર્યું છે એટલે તબિયત પ્રમાણમાં સારી રહે છે!

યાદગાર પ્રસંગો : 

1971ના વોર વખતે પાકિસ્તાનના યુવાનો સાદા વસ્ત્રોમાં ગામમાં ઘૂસી આવ્યા હતા. ભૂખ્યા થતા ખેતરોમાંથી શાકભાજી ખેંચી કાઢીને ખાતા અને પાકને નુકસાન કરતા. ગામનાં લોકો એટલાં ભોળાં કે અમને લાગ્યું કે મહેમાન આવ્યા છે, તેમને ભૂખ્યા કેવી રીતે રખાય? ગામલોકોએ ભેગાં થઈ તેમને ખવડાવ્યું. ત્રણ દિવસ પછી ભારતીય સેના આવી ત્યારે ખબર પડી કે આ લોકો તો દુશ્મનના માણસો છે. ગામના લોકો પાકિસ્તાનના માણસોને છેક સરહદ સુધી પ્રેમથી વળાવી આવ્યા! કેવા ભોળા લોકો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:

હવે તો બાળકો જ અમારી ટેકનોલોજી! જરૂર હોય ત્યારે મોબાઇલ જોડી આપે, ટીવી ઉપર લોકલ ન્યુઝ સંભળાવી દે. બાકી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. ડોલમાના મતે, ટેકનોલોજીએ યુવાનોની જિંદગી બગાડી નાંખી છે. યુવાનો થોડું ચાલે ત્યાં તો થાકી જાય છે! જમવાનું કોઈ ઠેકાણું નથી. પૈસાની કોઈ કિંમત નથી. અમને ચાર રૂપિયામાં આખા મહિનાનું રાશન મળતું હતું, જ્યારે હવે હજારો રૂપિયામાં પણ કંઈ આવતું નથી!

 

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બરફના મહિનાઓમાં આખું કુટુંબ સાથે રહે ત્યારે બધાં ભેગાં જ હોય! બાકી તો સૌ સૌના કામે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

અમે લોકો બહુ હાડમારીનું જીવન જીવ્યાં છીએ, બહુ મહેનત કરી છે. બાળકના જન્મના આગલા દિવસ સુધી મહિલાઓ ખેતરમાં કામ કરતી કે પશુઓને ચરાવતી. હવે મહિલાઓ એવું કામ કરી શકતી નથી. પુરુષો પણ ખાસ કામ કરી શકતા નથી. લડાખ જેવા પર્વતો-વાળા વેરાન પ્રદેશમાં કામકાજ ન કરીએ તો જીવન કેવી રીતે જીવાય?

સંદેશ :

ડોલમા પોતાની જાતને બહુ ભાગ્યશાળી માને છે! સૌને આશીર્વાદ આપે છે કે તેઓ પણ ડોલમા જેવા જ ભાગ્યશાળી બને અને લાંબુ જીવન જીવે!