આંતરરાષ્ટ્રીય મેન્સ ડેઃ ઘુઘવતા દરિયાની વ્યથા કહો કોણે જાણી?

નવી દિલ્હીઃ આપણે વુમન્સ ડે, ડોટર્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, આ બધા ડેઝ ઉજવતા થયા છીએ. હકીકતમાં આપણે સમાજમાં એક દ્રષ્ટી કરીએ તો કોઈપણ મંચ પરથી કે પુસ્તકો કે પછી લેખોમાં આપણે ત્યાં હંમેશા સ્ત્રીના, દિકરીના, માં ના, આ બધા જ પાત્રોના ગુણગાન ગાયા છે જે ખૂબ સારી બાબત છે, પરંતુ મ્હાયલામાંથી ઉદ્ભવતો એક પ્રશ્ન સતત સતાવ્યા કરે આખરે પુરુષની વેદના કે વ્યથા કોણ સમજ્યું? પુરુષ વિશે લખાયું છે એ વાત સાચી પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં. ત્યારે આજે વાત કરવી છે વિશ્વ પુરુષ દિવસની.

80 જેટલા દેશોમાંમાં 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવામાં આવે છે અને આને યુનેસ્કોનું સમર્થન પણ મળ્યું છે. આ વખતે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ છે, “મેકિંગ એ ડિફરન્સ ફોર મેન એન્ડ બોયઝ”

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાની શરુઆત 7 ફેબ્રુઆરી 1992 માં થોમસ ઓસ્ટર દ્વારા કરવામાં આવી હતી. આની પ્રોજેક્ટની કલ્પના તેના એક વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારબાદ 1999 માં આના પ્રોજેક્ટને ત્રિનિદાદ અને ટોબૈગોમાં ફરીથી શરુ કરવામાં આવી.

હકીકતમાં 1923 માં કેટલાક પુરુષો દ્વારા 8 માર્ચના રોજ મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાની માંગ કરવામાં આવી. આને લઈને પુરુષો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તે સમયે પુરુષોએ 23 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવાની માંગ કરી હતી. ત્યારબાદ 1968 માં અમેરિકન જર્નલિસ્ટ જોન પી. હેરિસે એક આર્ટિકલ લખતા કહ્યું હતું કે, સોવિયત પ્રણાલીમાં સંતુલનની કમી છે. તેમણે કહ્યું કે સોવિયત પ્રણાલી મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવે છે પરંતુ પુરુષો માટે કોઈપણ પ્રકારનો દિવસ નથી મનાવતી. ત્યારબાદ 1999 માં ત્રિનિદાદ અને ટોબૈગોના લોકો દ્વારા પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવામાં આવ્યો. ડો.જીરોમ તિલકસિંહે જીવનમાં પુરુષોના યોગદાનને એક નામ આપવાનું બીડુ ઝડપ્યું હતું. તેમના પિતાના જન્મ દિવસ પર ભારત સહિત વિશ્વભરમાં વિશ્વ પુરુષ દિવસ મનાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મુખ્યત્વે પુરુષ અને છોકરાઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા, લિંગ સંબંધોમાં સુધાર, લૈંગિક સમાનતાને વેગ આપવા અને પુરુષ રોલ મોડલ્સને ઉજાગર કરવા માટે મનાવવામાં આવે છે. InternationalMensDay અનુસાર દુનિયામાં મહિલાઓથી 3 ગણા વધારે પુરુષો આત્મહત્યા કરે છે. 3 માંથી 1 પુરુષ ઘરેલુ હિંસાનો શિકાર છે. મહિલાઓ કરતા 4 થી 5 વર્ષ પહેલા પુરુષોનું મૃત્યું થાય છે. મહિલાઓથી બેગણા વધારે પુરુષો હ્યદયની બિમારીના શિકાર થાય છે. પુરુષ દિવસ પુરુષોની ઓળખના સકારાત્મક પહેલુઓ પર કામ કરે છે.

વિશ્વ પુરુષ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય

  • પુરુષ રોલ મોડલને વેગ આપવો
  • સમાજ, પરિવાર, લગ્ન, બાળકોની સારસંભાળ અને પર્યાવરણ માટે પુરુષોના સકારાત્મક યોગદાનની ઉજવણી કરવી   
  • પુરુષોના સ્વાસ્થ્ય અને ભલા પર ધ્યાન કેન્દ્રીત કરવું, સામાજિક, ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક રીતે.
    પુરુષો વિરુદ્ધ ભેદભાવને ઉજાગર કરવો
  • લિંગ સંબંધોમાં સુધાર અને લૈંગિક સમાનતાને વેગ આપવો
  • એક સુરક્ષિત, અને ઉત્કૃષ્ઠ દુનિયા બનાવવી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]