વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને Happy Birthday

મદાવાદ શહેર માટે આજે મહત્વનો દિવસ છે. કારણ કે આજે આપણા હ્યદયસ્થ શહેર અમદાવાદનો આજે 607મો જન્મદિવસ છે. ત્યારે આવો આપણે પણ આપણા કર્ણાવતીને બર્થ ડે વિશ કરીએ અને જાણીએ અમદાવાદનો ઈતિહાસ.

જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહ બાદશાહને અહમદાબાદ બસાયા. અમદાવાદની સાથે આ કહેવત જોડાયેલી છે. અમદાવાદનો આજે 607મો સ્થાપના દિવસ છે. ઈ.સ.1411માં સુલતાન અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અહમદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યુ હતું ત્યારે શહેરમાં એક ડઝન દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો. જેની વચ્ચે અમદાવાદ કેદ હતુ. સમય જતાં અમદાવાદનો વિકાસ કિલ્લા પૂરતો નહીં પણ ચોમેર થયો છે, જેના પરિણામે આજે અમદાવાદ જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર અને નવું અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વહેંચાય ગયો છે. અમદાવાદની શાન ગણાતાં દરવાજાઓ આજે અડીખમ ઉભા છે, જે અમદાવાદના ભવ્ય ભૂતકાળના યાદ તાજી કરાવે છે.

ઈ.સ 1411માં જયારે અહેમદશાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. કર્ણરાજાએ પતન પછીનું પાટનગર કર્ણાવતી બનાવ્યું અને જે બાદ આ જ કર્ણાવતીને અહેમદશાહે અમદાવાદમાં બનાવ્યું. હાર બાદ કર્ણરાજાએ સરળતાથી વેપાર થઈ શકે તે હેતુંથી કર્ણાવતીને પાટનગર બનાવ્યું હતું. પ્રાચીન મંદિરો ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળી રહ્યું હતું. જ્યારે હાલમાં આધુનિક બનેલા અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં તમને પહેલાનું અમદાવાદ જોવા મળી શકે છે. પહેલાની કેટલીક પ્રતિકૃતિ આજે પણ મ્યુઝિયમમાં મુકેલી જોવા મળી રહી છે.

અહમદશાહ બાદશાહે ઇ.સ.1411માં અમદાવાદની સ્થાપના કરી ત્યાર બાદ અમદાવાદના વિકાસની ગતિ આગળ વધવા લાગી. સમયની સાથે અમદાવાદમાં વેપાર, વાણિજ્ય અને રહેઠાણો વિકસતાં ગયા એક તબક્કો એવો પણ આવ્યો કે અમદાવાદ દિલ્હી અને આગ્રા શહેરની હરોળમાં ગણાવા લાગ્યું હતું. તેથી જ તો ઇતિહાસકારો અમદાવાદના વિકાસને દિલ્હી અને આગ્રા સાથે સરખાવે છે. દિલ્હી અને આગ્રા શહેરને જેમ યમુના કાંઠો છે, તેમ અમદાવાદને પણ સાબરમતી નદીના કાંઠે વસાવવામાં આવ્યું છે.અમદાવાદનો માણેકચોક મોટા માર્કેટ તરીકે ઉપસી આવ્યું હતું. જ્યારે ભદ્રની આસપાસના વિસ્તારમાં વેપારી, કારીગરો અને કલાકારોના રહેઠાણ આવેલા હતા. ભદ્રની આસપાસ વેપાર, વાણિજ્ય અને ઉત્પાદનના મોટા કેન્દ્રો આવેલા હતા. પરંતુ વસ્તી ગીચતાને કારણે ધનિકોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસવાટ કરવાની શરૂઆત કરી હતી. તે સમયે રહેઠાણના વિસ્તાર તરીકે કાલુપુર, તાજપુર, અકબરપુર, જમાલપુર, દરિયાપુર, મિરઝાપુર વગેરેનો સમાવેશ થતો હતો. માણેકચોક અને ત્રણ દરવાજા વેપારનું હબ હોવાથી અહી મોટે ભાગે વેપારીઓ વસવાટ કરતા હતા.

અમદાવાદ શહેરમાં માણસ રોજીરોટીની શોધમાં આવે છે અને અમદાવાદી થઈને રહે છે. ખાલી હાથે આવેલી વ્યક્તિ પોતાના પુરૂષાર્થ અને નસીબને જોરે આગળ વધે છે, પણ તેની આ સફળતા પાછળ નગરદેવીના માં ભદ્રકાળીના આશિર્વાદ પણ હોય છે. અમદાવાદની સમૃધ્ધિ સાથે જોડાયેલી છે એક સ્વરુપવાન દેવીની દંતકથા. એક મુસ્લિમ ચોકીદારે 600 વર્ષ પહેલા આ સ્વરૂપવાન દેવીને રોકયા ન હોત તો અમદાવાદ આજે જૂદુ હોત.

હેપ્પી બર્થ ડે અમદાવાદ…

અહેવાલ-હાર્દિક વ્યાસ