વીર જવાનોના સ્વાસ્થ્ય, પર્યાવરણની રક્ષા કરતું ‘શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ’

‘અમારો મૂળ મંત્ર જ દેશની સુરક્ષાનો છે, અને તેના ભાગરૂપે અમે દેશની સરહદો પર સેવા બજાવતા રહીએ છીએ. અમે અનેક સરહદો પર ફરજ બજાવી છે, પરંતુ ગુજરાતની વાત જ કંઈક અલગ છે. ગુજરાતીઓના ખમીર સાથે તેમનો સેવા ગુણ એટલો સંમિલિત છે કે તેમની ખમીરી ઉંચે આસમાન સુધી પહોંચી જાય છે… અને એમાં પણ ‘શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના ડો. પ્રકાશ કુરમિ જેવા વ્યવસાયે તબીબ એવા વ્યક્તિ દેશની રક્ષા કરતા અમારા જવાનોની સ્વાસ્થ્ય સુરક્ષા કરે છે ત્યારે તેમને સલામ કરવી પડે…’

પાકિસ્તાનની ગુજરાત સરહદ પર તહેનાત BSF કમાન્ડન્ટ સુધીર હુડ્ડાના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. તેઓ કહે છે કે, ‘ દર શનિ-રવિ ટ્રસ્ટના તબીબો અમારી સરહદે અથવા તો અન્ય સરહદે જઈને જવાનોના સ્વાસ્થ્યની ચકાસણી કરે, તેમનું નિદાન કરે અને જરૂરી દવાઓ પણ આપે તે ખરેખર પ્રશંસનીય કામ છે.’

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલ ગરીબો માટે હોસ્પિટલ કરતાં સેવા કેન્દ્ર તરીકે ગણી શકાય તેવી પ્રવૃત્તિ કરે છે. વર્ષ ૨૦૦૭માં શરુ થયેલું ‘શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ’ શરુઆતમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કામગીરી કરતું.  પ્રાથમિક તબક્કામાં ૧૦ શાળાઓને દત્તક લઈને ૨૫૦૦ બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય વિષયક સેવાની શરૂઆત કરી હતી. હારીજ તાલુકામાં આ શાળાઓના વિધ્યાર્થિઓને અનેક રીતે પ્રોત્સાહન આપ્યું હતું. હારીજ તાલુકાના માસા ગામમાં એક સમયે માત્ર ૫-૧૦ દીકરીઓ શળાએ જતી હતી પણ સંસ્થાના પ્રયાસોથી આજે ૧૨૫થી વધુ દીકરીઓ હોંશે હોંશે શાળાએ જતી થઈ છે. ડો. પ્રકાશ કુરમિ કહે છે કે, ‘ દીકરીઓને ભણાવવા રાજ્ય સરકારે કમર કસી છે. આ આવકારદાયક અભિગમને આગળ વધારવા અમારું ટ્રસ્ટ પણ બનતા પ્રયાસ કરે છે. અમને તેમાં સફળતા પણ મળી છે.’

આ કામ કરવાની પ્રેરણ ક્યાંથી મળી? એવા સવાલના જવાબમાં પ્રકાશભાઈએ કહ્યું કે, ‘ મારા પિતા હંમેશા કહેતા કે, કમાણીની ૧૦% જેટલી રકમ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવી જોઈએ. મેં તેને જીવનમંત્ર બનાવ્યો અને સાથોસાથ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને મેં સરહદ પર તહેનાત જવાનોની સેવા કરવાનું નક્કી કર્યું. અમે એક સપ્તાહના અંતિમ દિવસોમાં એક પોસ્ટ પર જઈને જવાનોનું હેલ્થ ચેક-અપ કરીએ છીએ. ત્યાં તેમના તમામ તબીબી ટેસ્ટ કરીએ છીએ. એ માટે અમે 2D ઈકો, સોગ્રાફી મશીન સાથે લઈ જઈએ છીએ જેથી સ્થળ પર જરૂરી ટેસ્ટ થઈ શકે. પરિવારથી દૂર રહેતા જવાનોને નાની તકલીફ પણ મોટી પીડા આપતી હોય છે તેથી અમારા તબીબો અને અન્ય સ્ટાફ સરહદ પર તેમની સાથે હળીમળીને વાત કરે છે ત્યારે જ તેમની અડધી પીડા દૂર થઈ જાય છે. તેમના ટેસ્ટના આધારે બીજા સપ્તાહે તેમને જરૂરી દવાઓ તથા સારવાર પણ અપાય છે. આ માટે તબીબોની આખી ટીમ કાર્યરત છે,’ એમ પ્રકાશભાઈ ઉમેરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ ટ્રસ્ટ દ્વારા ૧૦,૦૦૦ જેટલા જવાનોનું હેલ્થ-ચેકઅપ કરાયું છે.

ડો. કુરમિનું કહેવું છે કે, સરહદની ચેકપોસ્ટ પર અમે આરોગ્ય કેમ્પની સાથે વૃક્ષારોપણ કરવાનું પણ નક્કી કર્યું છે. નડાબેટ પોસ્ટ પર અમે આગામી ત્રણ માસમાં ૫,૦૦૦ વૃક્ષો વાવવાના છીએ. સરહદ પર મુખ્ય પોસ્ટ પછીની પોસ્ટ પર જ્યાં વીજળી પહોંચી નથી ત્યાં અમે ટ્રસ્ટ તરફથી સોલાર પેનલ મુકવાનું નક્કી કર્યુ છે અને એ દિશામાં કામ પણ આગળ વધાર્યું છે.

‘હું લશ્કરના કોઈ જવાનને જોઉં છું ત્યારે મારામાં એક પ્રકારની ચેતના જાગે છે કે જે લોકો આપણી સુરક્ષા માટે દિવસ-રાત કે ઋતુ-સમય જોયા વિના ફરજ બજાવતા હોય તો તેમના માટે આપણે ગમે એટલું કરીએ એ ઓછું છે. હમણાં BSFના સાયકલવીર જવાનોની એક યાત્રા જમ્મુ-કાશ્મીરથી નીકની દાંડી ગઈ હતી. તેના યજમાન બનવાની તક પણ મેં ઝડપી લીધી. આ યાત્રા મહેસાણા-કલોલ આવી પહોંચી હતી. ત્યાંથી એ અમદાવાદ આવી ત્યાં બે દિવસ માટે અમદાવાદ રોકાઈ તો તેનું યજમાનપદ મેં નિભાવ્યું. બે દિવસ દરમ્યાન તેમના માટે મનોરંજક કાર્યક્રમો, દેશભક્તિનાં ગીતો, રીવરફ્રન્ટની મુલાકાત, તેમના માટે ફિલ્મ-શોનું આયોજન વગેરે કર્યું હતું,’ એમ પ્રકાશભાઈ વધુમાં કહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]