પર્યાવરણના રક્ષણ કાજે કર્મચારીઓ બન્યા ગ્રીન એમ્બેસેડર

અમદાવાદસ્થિત એક્યુપ્રેક રિસર્ચ લેબના આઠમા સ્થાપના દિને તમામ ૭૫ કર્મચારીઓ લીલો રંગ ધરાવતા પોષાકમાં સુસજ્જ થઈને આવ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. તેઓએ ગ્રીન એમ્બેસેડર બનીને વૃક્ષોનો સારી રીતે ઉછેર કરવા અને પર્યાવરણની પૂરતી સારસંભાળ લેવાનો સંકલ્પ કર્યો હતો. તે ઉપરાંત ‘પર્યાવરણ બચાઓ, જીવન બચાઓ’ વિષય પર ચિત્રકળા સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.

રામકૃષ્ણ મઠ, અમદાવાદના સ્વામી ધર્મપાલનંદના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓને પર્યાવરણનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે પૂર, વાવાઝોડા અને એવી અન્ય કુદરતી આફતોથી ભાવિ પેઢીને બચાવવી હોય તો આપણે પર્યાવરણનું જતન કરવું જ પડશે. આ હેતુસર તેમણે સ્ટાફને ગ્રીન એમ્બેસેડરની ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો, જેનો તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ સ્વીકાર કર્યો હતો.

એક્યુપ્રેકના ડાયરેક્ટર અને સીઈઓ ડૉ. મનિષ રાચ્છે જણાવ્યું હતું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને પગલે અમે પાણીનો ઉપયોગ અને તેનું રિસાયક્લીંગ કરીને તેનો ફરીથી ઉપયોગ એમ બેવડો વ્યૂહ અપનાવીને પાણીની બચત કરવાનો નિર્ણય લીધો છે. તે દિશામાં અમે હાલમાં અમુક ટેસ્ટીંગ પ્રક્રિયાઓને આવરી લીધી છે. ભવિષ્યમાં વધુ વિભાગોમાં પણ તેનો અમલ કરવામાં આવશે. તેમના નિવેદનમાં સૂર પુરાવતા સીઆરઓના ડાયરેક્ટર અને ચીફ સાયન્ટીફિક ઑફિસર ડૉ. રીના ગોકાણીએ કહ્યું હતું કે તમામ સ્ટાફ મેમ્બરો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અનોખા મેસેજ આપતા પેઈન્ટીંગ બનાવ્યા હતા.

એક્યુપ્રેકના ડાયરેક્ટર મયુર કંડોરીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગજગતમાં પાણી બચત વિશે કર્મચારીઓ વિચારતા થાય એવા હેતુસર આ કાર્યક્રમ હાથ ધર્યો હતો. તેઓના સંદેશાઓ સમાજ સુધી પહોંચે અને જનતા તેમજ ઔદ્યોગિક એકમો પાણીની બચતનું મૂલ્ય સમજે તો અમારો આ પ્રયાસ સાર્થક થયો ગણાશે. એક્યુપ્રેકના મેનેજીંગ ડાયરેક્ટર મુળુભાઈ કંડોરીયાએ આપેલા સંદેશને અનુલક્ષીને આ કોન્ટ્રેક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ)માં વિવિધ પ્રકારના ટેસ્ટીંગ કરવામાં વપરાતા પાણીનું રિસાયક્લીંગ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવા તેમજ અલગ અલગ ટેસ્ટમાં પાણીનો ઉપયોગ ઘટાડીને તેની બચત કેવી રીતે થઈ શકે તે બાબતે વ્યૂહ ઘડવામાં આવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]