તમે જીવતા છો તેના પૂરાવા છે ને તમારી પાસે?

કોમેડીમાં સૌથી વધુ વાર ભજવાયેલો સીન કદાચ એ છે, જેમાં સરકારી કચેરીમાં વ્યક્તિની ઓળખ માગવામાં આવે. ઓફિસ ઓફિસ સિરિયલમાં પંકજ કપૂરનું પેન્શન બંધ થઈ જાય છે. તે પેન્શન કચેરીમાં જઈને પૂછે એટલે તેને કહેવામાં આવે છે કે મુત્સદીલાલ તમે તો મરી ગયા છો. અરે હું તમારી સામે જીવતો જાગતો ઊભો છું, એવો તેનો જવાબ કોઈ અસર કરતો નથી, કેમ કે સરકારને તો પુરાવા જોઈએ કે તમે જીવતા છો.સરકારને અને સરકારી તંત્રને લોકો જીવે કે મરે તેની પરવા નથી હોતી. તેને તો આધાર જોઈએ કે તમે જીવો છો. આજના જમાનામાં સરકાર બધી જ વાતમાં આધાર કાર્ડ માગવા લાગી છે. તમે મરી જાવ અને તમારા દેહને અગ્નિદાહ દેવો હોય તો સ્મશાનવાળા મરી ગયેલાનું આધારકાર્ડ માગશે. સરકારે ચોખવટ કરી છે કે અંતિમક્રિયા માટે આધારકાર્ડની જરૂર નથી, પણ ચોખવટ ક્યારેય કામ આવતી નથી. એકવાર નિયમ જાહેર થયો એટલે થયો.

રેશન કાર્ડની બાબતમાં પણ એવું થયું છે. રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો સસ્તાં અનાજની દુકાનેથી સામગ્રી મળે. સતત કોદાળી અને પાવડા લઈને મજૂરી કરનારા મનુષ્યની હાથની રેખાઓ પણ ભૂંસાઈ જાય છે, કેમ કે તેમનું આમ પણ કોઈ ભવિષ્ય હોતું નથી. ભવિષ્ય દેખાડતી રેખાઓ જ ના હોય અને આંગળી અને અંગૂઠા ઘસાઇને ફિંગરપ્રિન્ટ વિનાના થઈ ગયા હોય. આવા વખતે આધારકાર્ડ હોય તોય ફિંગરપ્રિન્ટ સ્કેનર સ્વીકારતું નથી. તેથી વર્ષોથી જેને દુકાનદાર ઓળખતું હોય તે વ્યક્તિને પણ તમે જીવતાં છો એવું દુકાનદાર સ્વીકારી શકતો નથી. સસ્તાં અનાજનો સંચાલક ગરીબ માણસને તેના હકનું અનાજ, કઠોળ આપી શકતો નથી.

આવી પરિસ્થિતિમાં સરકારે કેટલાક કેસમાં સ્પષ્ટતા પણ કરી હતી કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય ત્યાં ગરીબ માણસને સામગ્રી આપી દેવી. પણ સરકારી તંત્ર ક્યારેય પ્રેક્ટિકલ થતું નથી. ઝારખંડમાં એક બાળકીનો જીવ જતો રહ્યો કેમ કે તેના કુટુંબનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલું નહોતું. આધાર કાર્ડનો મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે અને સર્વોચ્ચ અદાલતે કહ્યું જ છે કે આધાર કાર્ડ ના હોય તેટલા માત્રથી ગરીબોને કલ્યાણ યોજનાના લાભથી વંચિત રાખી શકાય નહીં.

આમ છતાં સિમડેગા જિલ્લાની 11 વર્ષની કિશોરી ભૂખમરાથી મરી ગઈ. આધાર કાર્ડ ન હોવાથી તેના કુટુંબનું રેશન કાર્ડ બંધ કરી દેવાયું હતું. સસ્તા અનાજની દુકાનવાળો તેમને અનાજ આપતો નહોતો. સંતોષી નામની કિશોરી રોજ શાળાએ જઈને મધ્યાહ્ન ભોજનમાં જમી લેતી હતી. પણ દુર્ગા પૂજાની આખા અઠવાડિયાની રજાઓ પડી એટલે શાળામાંથી જમવાનું મળતું હતું તે પણ બંધ થયું. આખરે ભૂખમરાએ સંતોષીનો ભોગ લઈ લીધો.કરિમાતી નામનું ગામ. તેમાં સંતોષીનું કુટુંબ રહેતું હતું. જમીનવિહોણા કુટુંબનો એક માત્ર આધાર મજૂરી, પણ તેય નિયમિત મળે નહીં. જે થોડી આવક થાય તેમાંથી સસ્તા અનાજની દુકાનેથી મળતી સામગ્રીથી કામ ચાલતું હતું. પણ છએક મહિના પહેલાં દુકાનદારે તેમનું કાર્ડ રદ કરી દીધું. નિયમો પ્રમાણે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડવું પડે. આધાર કાર્ડ હતું નહીં એટલે રેશન મળતું બંધ થયું. આખરે લાંબા ભૂખમરાની સ્થિતિ પછી 28 સપ્ટેમ્બરે 11 વર્ષની સંતોષીનું મોત થઈ ગયું.

ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે નિયમ કાઢ્યો કે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડવું. આ નિયમથી દેશમાં ગ્રામીણ સ્થિતિમાં ભારે કફોડી સ્થિતિ થઈ છે. ગામડાંમાં કેવી મુશ્કેલી છે તેની માહિતી બહાર આવતાં આવતાં પણ મહિનાઓ થઈ ગયાં હતાં. હવે છેક માહિતી બહાર આવી રહી છે. 11 વર્ષની કિશોરી મોતને પામી તે વાત પણ હવે મહિના પછી બહાર આવી છે. સુપ્રીમ કોર્ટે જે કહ્યું હતું તે શા માટે અગત્યનું હતું તે આનાથી સાબિત થાય છે. ગરીબો માટે રોજની મજૂરી કમાવી અઘરી હોય છે ત્યારે આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે કેવી રીતે ધક્કા ખાય તે સવાલ રહેવાનો છે. સરકાર દર થોડા વર્ષ નિયમો બદલે. દર થોડા વર્ષે નવા તુક્કા કાઢે. નવા ઓળખ કાર્ડ કાઢે અને નાગરિકો વળી ધંધે લાગે. મતદાન કાર્ડ બનાવવામાં પણ આ જ હાલત છે. નામ ક્યારે કમી થઈ જાય તે નક્કી જ નહીં. વળી ફરી નામ ઉમેરવાની પ્રક્રિયા કરવાની. ફરીથી નામ ઉમેરવા જાવ ત્યારે ફરી તમને પૂછવામાં આવે – તમે તમે છો તેની ખાતરી શું? તમે તમે જ છો તેના પુરાવા આપો. તમે જીવો છો તેના પુરાવા આપો…