મુંબઈ: MBA ગ્રેજ્યુએટ દંપતી દ્વારા શ્રમદાન…

મુંબઈના કાંદિવલી ઉપનગરમાં રહેતાં અશ્વિની શાહ અને એમનાં પતિ અંકુશ શાહ બંને MBA ગ્રેજ્યુએટ થયેલાં છે, ખાનગી કંપનીમાં મોટી રકમનાં પગારદાર છે, તે છતાં બંને જણ કાંદિવલી સ્ટેશનની બહાર સવારના નાસ્તાનો એક ફૂડ સ્ટોલ ચલાવે છે. આની જાણકારી સોશિયલ મિડિયા પર થતાં આ સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થયા  છે.

શાહ દંપતી દરરોજ વહેલી સવારે કાંદિવલી (વેસ્ટ)માં સ્ટેશનની બહાર સરોવર હોટેલની બાજુમાં એમનો ફૂડ સ્ટોલ શરૂ કરે છે અને સવારે 10 વાગ્યે સ્ટોલ બંધ કરી દેતા હોય છે. ત્યારબાદ તેઓ શહેરમાં જ એમની પોતપોતાની ખાનગી કંપનીઓમાં નોકરી કરવા પહોંચી જાય છે.

આ સમાચાર પહેલી નજરે વિચિત્ર લાગે, પણ આ દંપતીએ આ કામકાજ શરૂ કર્યું છે એની પાછળ એક કારણ છે, જે હૃદયસ્પર્શી છે.

અશ્વિની શેનોય-શાહ અને એમનાં પતિ અંકુશ શાહ કાંદિવલી સ્ટેશનની બહારના ફૂડ સ્ટોલ પર દરરોજ સવારે લોકોને કાંદા-બટેટા પૌઆ, ઉપમા, ઈડલી, પરાઠા, વડા-પાવનો નાસ્તો ખવડાવે છે.

આ સમાચારની સૌને જાણ થઈ છે દીપાલી ભાટિયા નામનાં એક ફેસબુક યુઝરને કારણે.

બન્યું એવું કે દીપાલીને એક દિવસ સવારે નાસ્તો કરવાની ઈચ્છા થઈ. કાંદિવલી સ્ટેશનની બહાર એ ક્યાંક નાસ્તો કરવા જવાનું વિચારતાં હતાં ત્યાં એમની નજર આ પતિ-પત્નીનાં ફૂડ સ્ટોલ પર ગઈ. એ ત્યાં પહોંચી ગયાં અને કુતુહલવશ બંને સાથે વાતચીત કરી.

ત્યારે એમને જાણ થઈ કે અશ્વિની અને અંકુશ, બંને જણ એમબીએ ગ્રેજ્યુએટ થયાં છે.

તો પછી સ્ટેશનની બહાર ફૂડ સ્ટોલ ચલાવવાનું કામ શા માટે?

વાત એમ છે કે, શાહ દંપતી એમની 55 વર્ષીય ઘરનોકર બાઈને મદદરૂપ થવા માટે આ સ્ટોલ ચલાવે છે.

કામવાળી બાઈનો પતિ દરરોજ આ સ્ટોલ પર ઊભો રહેતો હતો અને લોકોને નાસ્તો કરાવતો હતો, પણ એને અચાનક લકવો થતાં એ સ્ટોલ પર ઊભો રહી શકતો નથી. આમ, કામવાળી બાઈનાં ઘરમાં આવક અચાનક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. એને મદદ કરવા માટે સ્ટોલ ચલાવવાનું કામ અશ્વિની અને અંકુશે ઉપાડી લીધું. કામવાળી બાઈ પહેલાં એનાં પતિને પોતાનાં ઘરમાં દરરોજ સવારે કાંદા-બટેટા પૌઆ, ઉપમા, ઈડલી, પરાઠા, વડા-પાંવ બનાવી આપતી હતી, હવે અશ્વિની અને અંકુશ એ લઈ જાય છે અને ફૂડ સ્ટોલ પર વેચે છે.

કામવાળી બાઈને આર્થિક મદદ માટે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે એ માટે જ શાહ દંપતી એને આ રીતે મદદરૂપ થાય છે.

આજકાલ સમય એવો છે કે કોઈને ઘડીકની પણ નવરાશ નથી, પછી એ નોકરિયાત લોકો હોય કે ધંધાદારી. તે છતાં પોતાની કામવાળી બાઈનું ઘર ચલાવવા માટે એનાં શેઠ-શેઠાણી ફૂડ સ્ટોલ ચલાવે એવો આ પહેલો જ પ્રસંગ છે.

શાહ દંપતીને મળ્યાં બાદ દીપાલી ભાટિયાએ આખી સ્ટોરી પોતાનાં ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી. અને જોતજોતામાં આ વાત વાયરલ થઈ ગઈ હતી.

દીપાલીનાં મતે આ માનવતાભર્યું કામ છે. અશ્વિની શેનોય-શાહ ઘણાયને માટે પ્રેરણામૂર્તિ છે એવું દીપાલી કહે છે.

ઈન્ટરનેટ યુઝર્સે શાહ દંપતીનાં આ કર્મને મુક્તકંઠે આવકાર્યું છે. લોકો કહે છે, ધન દાન કરતાં ચડિયાતું છે શ્રમદાન.

સોશિયલ મિડિયા પર અમને જબ્બર પ્રતિસાદ મળ્યો છેઃ અશ્વિની શાહ

અશ્વિની શાહનું કહેવું છે કે અમારી કામવાળી બાઈએ ચેરિટીના રૂપમાં પૈસા સ્વીકારત નહીં એટલે અમે એનાં વતી એનો બિઝનેસ ચલાવવાનું નક્કી કર્યું છે.

અશ્વિનીએ વધુમાં કહ્યું કે ઈન્ટરનેટ પર આ સમાચાર વહેતા થતાં અમને સોશિયલ મિડિયા પર જોરદાર વ્યાપક સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ અમને અમારા આ કાર્યમાં મદદરૂપ થવાની ઓફર કરી છે. તેઓ અમને ફૂડ ઓર્ડર્સ આપી રહ્યાં છે જેથી અમારી કામવાળી બાઈની આવક વધી શકે.

‘હવે અમે અહીંયા અટકવાના નથી. અમે ઈચ્છીએ છીએ કે આ પ્રકારની મહિલાઓની એક ટૂકડી બનાવીએ અને એક લઘુગૃહ ઉદ્યોગની રચના કરીએ જેથી વધારે લોકો સુધી પહોંચી શકાય,’ એમ અશ્વિની શાહ વધુમાં કહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]