સોશિઅલ મીડિયામાં નવા વર્ષે કેવા ટ્રેન્ડ જોવા મળશે?

ર્ષ ૨૦૧૭ વિદાય લેવાની તૈયારીમાં છે અને વર્ષ ૨૦૧૮ ટકોરા દઈ રહ્યું છે. સૉશિઅલ મીડિયામાં વર્ષ ૨૦૧૭માં શું ચર્ચામાં રહ્યું તે તો આપણે જોઈ ગયા, આજે જોઈએ કે સોમવાર પહેલી જાન્યુઆરીથી શરૂ થતા નવા વર્ષના ગર્ભમાં સૉશિઅલ મીડિયામાં શું ટ્રેન્ડ જોવા મળી શકે છે?૧. ગૂગલે પાંચ વર્ષ પહેલાં ગૂગલ ગ્લાસ બહાર પાડ્યાં હતાં જે ઑગમેન્ટેડ રિયાલિટી માટે હતાં. ઑગમેન્ટેડ રિયાલિટીને મેઇનસ્ટ્રીમમાં લાવવા માટે ગૂગલના પ્રયાસો જોકે નિષ્ફળ રહ્યાં હતાં. કદાચ તે સમયથી આગળ હતું. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે. હવે ફેસબૂક, ગૂગલ અને સ્નેપ સહિત અનેક કંપનીઓ એઆર લાવવા સ્પર્ધામાં છે. હવે જ્યારે એઆર એપ આવી ગઈ છે, વીઆર હેડસેટનું વેચાણ વધી રહ્યું છે અને ઇન્ટરનેટની સ્પીડ વધી રહી છે, દ્રશ્યો સારા દેખાય તેવા મોબાઇલ છે ત્યારે ૨૦૧૮માં એઆર તેની યાત્રા શરૂ કરે તેવી પૂરી શક્યતા છે. જો તે ચાલી ગયું તો સૉશિઅલ મીડિયામાં તે છવાઈ જશે અને ખૂબ દૂર અંતરના લોકો નજીક જોવા મળશે.

૨. લાઇવ સ્ટ્રીમિંગની લોકપ્રિયતામાં સતત વધારો ચાલુ રહેશે. હવે લોકો વાંચવા કરતાં જોવાનું વધુ પસંદ કરે છે. એટલે એમ અનુમાન કરી શકાય કે ૮૦ ટકા લોકો બ્લૉગ વાંચવા કરતાં લાઇવ વિડિયો જોવાનું વધુ પસંદ કરશે. તો ૮૨ ટકા લોકો સૉશિઅલ મીડિયા અપડેટ જોવાના બદલે લાઇવ વિડિયો જોવાનું વધુ પસંદ કરશે. જો વર્ષ ૨૦૧૭માં લાઇવ સ્ટ્રીમિંગમાં ખૂબ જ ઊછાળો જોવા મળ્યો તો વર્ષ ૨૦૧૮માં તો તેનાથી પણ વધુ ઊછાળો જોવા મળી શકે છે.

૩. પ્રાઇવસી અને ઑપન સૉર્સની પ્રાથમિકતા વધશે. સૉશિઅલ મીડિયામાં પ્રાઇવસી જોખમમાં મૂકાતી હોય છે. ફેસબૂક, ટ્વિટર અને અન્ય મંચો દ્વારા પ્રણાલિનો દૂરુપયોગ કરતાં વપરાશકારો પર તવાઈ આવી હતી  અને તેઓ તેમના વપરાશકારોને તેમના અંગતતાના અધિકારો વિશે માહિતી આપી રહ્યાં છે તેમ છતાં કેટલાક વપરાશકારો એવી એપની શોધમાં છે જે તેમની માહિતી જાહેરાતવાળાઓને આપે નહીં. આથી નવા વર્ષમાં આવી એપની સંભાવના વધી શકે છે.

૪. રમતગમતનું જગત સૉશિઅલ મીડિયામાં આવશે. વપરાશકારોને એકબીજા સાથે વાતચીત કરવી ગમે છે પરંતુ તેમને રમત જેવા અનુભવો મેળવવા પણ ગમે છે. ઘણી કંપનીઓએ રમત દ્વારા સારી આવક ઊભી કરી છે તે જોતાં સૉશિઅલ મીડિયા અને રમતો એકબીજામાં ભળી જાય તો નવાઈ નહીં.

૫. જાહેરાતોનું પ્રમાણ વધશે. હવે પ્રિન્ટ મિડિયા અને ઇવન, ઇલેક્ટ્રોનિક મિડિયા તેમજ વેબ મિડિયામાં જાહેરાતો ઓછી અપાય છે. સૉશિઅલ મીડિયા વધુ જોતા હોવાથી તેમાં જાહેરાતો વધુ અપાય છે અને તે અસરકારક પણ નીવડે છે. આ વર્ષે ભારતમાં પાંચેક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં લેતાં પણ સૉશિઅલ મીડિયા પર જાહેરાતો વધશે. ઘણી મોટી સૉશિઅલ મીડિયા બ્રાન્ડે વધુ જાહેરાતો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ વર્ષ ૨૦૧૮માં તેમાં વધારો આવશે.

૬. બ્રાન્ડનું ભવિષ્ય સૉશિઅલ મીડિયાની ફૉર્મ્યુલાના લીધે વધુ પરિવર્તનો લાવશે. વર્ષ ૨૦૧૭માં ૫ કરોડથી વધુ નાના વેપારોએ સૉશિઅલ મીડિયાના પેજો દ્વારા તેમના વપરાશકારો સાથે સંવાદ કર્યો હતો. સૉશિઅલ મીડિયા આ માટે લોકપ્રિય છે, પરંતુ વેપારો જેમ જેમ વધતા જાય છે તેમ તેમ બ્રાન્ડની લેખિત સામગ્રી પણ વધી રહી છે. જોકે તેના કારણે ગ્રાહકો થોડા કંટાળ્યા પણ છે.

૭. સ્થાનિક અને અંગત અનુભવો લોકપ્રિયતામાં વધારો કરશે. ગૂગલ સ્થાનિક કંપનીઓ માટે સર્ચ પરિણામોમાં વધુ ભાર મૂકી રહી છે અને ઑનલાઇન ગ્રાહકો હવે વધુ સ્થાનિક અને આંતરવ્યક્તિગત સંવાદો ઈચ્છે છે, તે જોતાં સ્થાનિક વેપારીઓ વ્યક્તિઓ સુધી પહોંચશે તેની સંખ્યામાં વધારો થશે. તેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને લાભ મળશે.