ફૉલોઅર વધારો અને પૈસા કમાવ!

સૉશિઅલ મીડિયા એ સામાજિક મિલન માટે છે તેમ તેના નામ પરથી વંચાય. તમે તમારી આસપાસના લોકોની પ્રવૃત્તિ વિશે જાણી શકો. જોકે હવે તો સૉશિઅલ મીડિયા દ્વારા માત્ર તમારા શહેર જ નહીં, પરંતુ વિશ્વભરમાં તમે જેમની સાથે જોડાયેલા છો તેમના વિશે તમે માહિતગાર રહી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે તમે સૉશિઅલ મીડિયા દ્વારા કમાણી પણ કરી શકો છો?

જો ના, તો અમે તમને જણાવીએ છીએ કે સૉશિઅલ મીડિયા દ્વારા કઈ રીતે કમાણી થઈ શકે છે. જી હા, સૉશિઅલ મીડિયા તમને કમાણી કરાવી આપે છે અને તે પણ સરળ રીતે. શરત એ છે કે તમારા ફૉલોઅર મોટી સંખ્યામાં હોવા જોઈએ.

એક ગ્રાહક રોજ સૉશિઅલ મીડિયા પર ૩,૦૦૦ સંદેશાઓ જુએ છે. આથી હવે કંપનીઓને તેમની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સૉશિઅલ મીડિયા આકર્ષક માધ્યમ લાગે છે. અને તે પણ જાહેરખબર દ્વારા નહીં, પરંતુ તમારા-મારા જેવા સામાન્ય લોકો દ્વારા. હવે લોકો એટલા શાણા થઈ ગયા છે કે જાહેરખબર દ્વારા ઝટ પ્રેરાતા નથી, પરંતુ હા, જો તેમની આસપાસના લોકો કોઈ ચીજ વાપરતા હશે કે કોઈ ફિલ્મ કે અન્ય બાબત વિશે ચર્ચા કરતા હશે તો તેઓ પણ તેનાથી દોરવાય તેવી પૂરી શક્યતા છે. આથી કંપનીઓ હવે તમારા-મારા જેવા સામાન્ય લોકો પાસે પ્રમૉશન કરાવવા માગે છે. તેની શરત એટલી જ કે હું કે તમે મોટી સંખ્યામાં ફૉલોઅર ધરાવતા હોવા જોઈએ.

ઑકલેન્ડ સ્થિત સૉશિયલ ક્લબ નામની સંસ્થા જે આવા સામાન્ય લોકો જેમના ફૉલોઅર મોટી સંખ્યામાં છે તેમની છે, તે કહે છે પ્રભાવક (ઇન્ફ્લુઅન્સર) માર્કેટિંગ અથવા સૉશિઅલ મીડિયા માર્કેટિંગની વ્યાખ્યા આ રીતે કરે છે: “સૉશિઅલ મીડિયા પર વિશાળ સંખ્યામાં ફૉલોઅર ધરાવતી વ્યક્તિ સાથે કોઈ બ્રાન્ડ જોડાય અને પોતાનું પ્રમૉશન કરાવે.”

અમેરિકાના એક સંશોધક મુજબ પ્રભાવક માર્કેટિંગથી પરંપરાગત માર્કેટિંગ કરતાં ૧૧ ગણું વધું રિટર્ન મળે છે એટલે કે પૈસા વસૂલ થાય છે. આ મોટો વ્યવસાય છે અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં તો આ બજાર ફૂલીફાલી રહ્યું છે.

ન્યૂઝીલેન્ડના પ્રભાવશાળી લોકો ૫૦ ડૉલરથી માંડીને ૫૦,૦૦૦ ડૉલર પ્રતિ પૉસ્ટ માટે કમાઈ લે છે. તેનો આધાર તેમની ફૉલોઅરની સંખ્યા કેટલી છે, જોડાણનું સ્તર કેટલું છે અને પહોંચ કેટલી છે તેના પર છે. ન્યૂઝીલેન્ડમાંસૉશિઅલ મીડિયા પર ગત વર્ષે એક પૉસ્ટ દીઠ સરેરાશ ચૂકવાયેલી રકમ ૫૦૦ ડૉલર હતી. યૂટ્યૂબ વિડિયો માટે તે બમણી હતી.

આ કઈ રીતે બને છે? બ્રાન્ડ કંપનીઓ પાંચ પ્રભાવશાળી લોકો આગળ પહોંચે છે. તેઓ તેમને એક નાનકડી નોંધ મોકલે છે કે ફલાણા દિવસે અમે આમ કરવા માગીએ છીએ અને તે ફલાણા પર પૉસ્ટ કરવા માગીએ છીએ. વ્યક્તિ પૉસ્ટ કરતાં પહેલાં બ્રાન્ડ કંપનીની મંજૂરી મેળવે છે. પછી વ્યક્તિ પોતાની કિંમત માગે છે.

સૉશિયલ ક્લબ મારફતે એક રિટેલ બ્રાન્ડે સરેરાશ અભિયાન માટે કરેલો ખર્ચ પરંપરાગત જાહેરખબરના પ્રમાણમાં ઘણો ઓછો હતો. એક અભિયાન દીઠ ૮,૦૦૦ ડૉલર ચૂકવ્યા હતા. જોકે આ પ્રકારના માર્કેટિંગના ભાવ પણ હવે વધી રહ્યા છે. છેલ્લાં બે વર્ષથી દર છ મહિને તે બમણા થઈ રહ્યા છે. પરિણામે ફાયદો સૉશિઅલ મીડિયા પર મોટી સંખ્યામાં ફૉલોઅર ધરાવતા લોકોને થઈ રહ્યો છે.

અમેરિકા અને યુરોપની સરખામણીએ ન્યૂઝીલેન્ડમાં પ્રભાવશાળી વ્યક્તિની કિંમત (ભાવ) વધુ છે પરંતુ આવક એટલી મોટી નથી કારણકે ન્યૂઝીલેન્ડમાં સંબંધો સુસ્થાપિત નથી.

જો તમારે પણ કમાણી કરવી હોય તો તમારા ફૉલોઅર વધે તેમ કરવું જોઈએ.