‘દીદી, આપણા પતંગથી પણ કબૂતરને દુખે?’ અશ્વિને દર્દભર્યા અવાજે પૂછ્યું

કૃપાલી સવારથી જ છત પર ચડી ગઈ હતી પતંગ ચગાવવા માટે. તેનો નેનો ભાઈ અશ્વિન પણ તેની પાછળ પાછળ ધાબા પર આવી ગયો હતો. કૃપાલીએ એક સાથે દશ બાર પતંગના કન્યા બાંધી લીધા અને બજારમાંથી લાવેલી કાચ પાયેલા ડોરની ત્રણેય ચરખી પરના પ્લાસ્ટિક ઉતારી નાખ્યા.

સવારના આઠ વાગ્યા હતા. મોસમમાં સવારના ગુલાબી તડકા અને ઠંડા પવનની ખુશનુમા આહલાદક હતી. કૃપાલી અને અશ્વિને કાળા ચશ્મા પહેરી લીધા. કૃપાલીએ પોતાના ચેહરા પર અને હાથ પર સનસ્ક્રીન લગાવીને નાના ભાઈને પણ લગાવી આપ્યું.

‘તું ચરખી પકડ.’ કૃપાલીએ નાના ભાઈના હાથમાં ચરખી આપતા કહ્યું.

‘દીદી, હું પણ પતંગ ચાગાવીશ.’

‘હા, એકવાર હું પતંગ આકાશમાં ચગાવીને સ્થિર કરી દઉં પછી તને આપું છું. લે આ ચરખી પકડ.’ કહેતા કૃપાલીએ પતંગ હવામાં ઉડાવવા માંડ્યો.

પવન સારો હતો અને કૃપાલીની પણ પતંગ ચડાવવામાં સારી ફાવટ હતી. ધીમે ધીમે તેનો પતંગ આકાશમાં ઊંચે જવા લાગ્યો. અશ્વિન ચડતા પતંગને જોઈને ખુશ થઇ રહ્યો હતો અને તેના હાથમાં ફરતી ચરખીથી રોમાંચ અનુભવી રહ્યો હતો.

‘લે હવે તું પકડ આ દોર અને ચગાવ પતંગ.’ કૃપાલીએ આકાશમાં સ્થિર થયેલો પતંગ અશ્વિનને પકડાવતા કહ્યું.

અશ્વિન ખુશ થઈને પતંગનો દોર પકડીને ઢીલ ખેંચ કરવા લાગ્યો. ચરખી પકડીને પોતાના નાના ભાઈને પતંગ ઉડાવી આનંદ માણતા જોઈ કૃપાલી પોતે પણ મનોમન ખુશ થઇ રહી હતી. ‘નાના બાળકોને કેટલો ઉત્સાહ હોય છે પતંગ ચગાવાનો. કેમ ન હોય હું કોલેજમાં આવી ગઈ તોયે મારો શોખ એટલો જ છે તો બાળકોને તો હોય જ ને!’ કૃપાલી વિચારવા લાગી.

થોડીવાર થઇ તો તેની મમ્મી તલના લાડુ, મમરાના લાડુ, ગોળની ચીકી, શેરડીના છોલેલા ટુકડા બધું લઈને અગાસી પર આવી.

‘અરે વાહ અશ્વિન, તને તો ખુબ સરસ રીતે પતંગ ચગાવતા અવળી ગયું. મોટો થઇ ગયો છે તું હવે.’ મમ્મીએ નાના દીકરાને પ્રોત્સાહિત કરતા કહ્યું.

‘મમ્મી, જો કેટલો ઊંચો ગયો છે. એ ત્યાં લાલ રંગનો દેખાય છે ને નાનકડોક એ આપણો પતંગ છે.’ અશ્વિને ખુશ થતા કહ્યું.

‘અરે મને તો દેખાતોય નથી એટલો ઉપર ગયો છે.’ મમ્મીએ બાળકને વધારે ખુશ કર્યો.

‘મને ચીકી આપ ને મમ્મી.’ અશ્વિને મમ્મીના હાથમાં રહેલ વાનગીઓ જોઈને હાથ લંબાવ્યો.

‘આ લે, પહેલા ખાઈ લે ત્યાં સુધી દીદી પતંગ સંભાળશે પછી તું લઇ લેજે.’

‘લો દીદી, તમે પકડો પતંગ. હું ચીકી ખાઈને પછી પાછો લઈશ. જો જો હો કોઈ કાપી ન જાય.’ અશ્વિને સાવચેતીપૂર્વક દોર દીદીના હાથમાં આપતા કહ્યું.

‘હા, હું ધ્યાન રાખીશ, તું તારે ખાઈ લે.’ કૃપાલીએ પતંગ સાંભળતા કહ્યું.

કૃપાલીના વિસ્તારમાં હજી વધારે લોકો પતંગ ચગાવવા આવ્યા નહોતા એટલે કાપવાની તો કોઈ વાત જ નહોતી. તેને ખબર હતી કે દશેક વાગતા સુધીમાં બધા છત પર આવશે ત્યારે ખરાખરીનો ખેલ જમવાનો છે. જેવો ચડશે તેવો કપાશે. અને લોકોના પતંગ કાપવામાં તે તો નિષ્ણાત મનાતી હતી. કૃપાલી એવો વિચાર કરતી હતી ત્યાં તો તેના પતંગમાં આંટી લાગી. દૂરથી કોઈનો પતંગ આકાશમાં આવી ગયો હતો અને કૃપાલી સાથે પેચ લડાવતો હતો.

‘અશ્વિન, જલ્દી આવ. આ ચરખી પકડ. જલ્દી કર. પેચ લાગી ગયો છે.’ કૃપાલીના શરીરમાં ઝનૂન આવી ગયું હતું. હવે તેના હાથ નિપુણતાથી પતંગને ઢીલ ખેંચ આપી રહ્યા હતા અને આંખો આકાશમાં આતુરતાથી જોઈ રહી હતી કે તે સામે વાળાનો પતંગ કાપે છે કે પછી તેનો કપાય છે.

જોતજોતામાં તો નિર્ણય આવી ગયો.

‘કાઈપો છે, કાઈપો છે.’ કૃપાલી ખુશીથી ઉછાળવા લાગી. અશ્વિન પણ ઉત્સાહથી નાચવા લાગ્યો. તેઓએ પહેલા જ પેચમાં સામેવાળાનો પતંગ કાપ્યો હતો. દિવસની શરૂઆત સારી થઇ હતી અને આજે દિવસમાં કેટલાય પતંગ કાપીશું તેવો વિશ્વાસ કૃપાલીને જાગ્યો હતો.

‘મમ્મી, જો અમે એ પીળો પતંગ કાપી નાખ્યો. જો, જો તે નીચે તરફ જઈ રહ્યો છે.’ અશ્વિને ખુશ થઈને મમ્મીને તૂટેલા પતંગને હવામાં ફંગોળાઈને દૂર જમીન તરફ નીચે ઉતારતો બતાવ્યો.

‘તમે બંને તો એક્ષ્પર્ટ થઇ ગયા છો ભાઈ પતંગ ચગાવવામાં.’ મમ્મીએ બંને બાળકોના વખાણ કરતા કહ્યું.

‘મમ્મી મારે મમરાનો લાડુ ખાવો છે.’ અશ્વિને મમ્મીને કહ્યું.

‘હા, આ લે…’ મમ્મી એટલું બોલી રહી ત્યાં તો છતની બરાબર વચ્ચે ટપક દઈને એક કબૂતર પડ્યું. તેના ગાળામાં દોર ગૂંચવાયેલો હતો. લોહી વહી રહ્યું હતું અને પાંખો ફફડાવતું તે પક્ષી તાડફડિયા મારી રહ્યું હતું.

‘મમ્મી, એ કબૂતરને શું થયું?’ કહેતો અશ્વિન પતંગની ચરખી મૂકીને મમ્મીને જઈને વળગી પડ્યો.

‘અરે બિચારાના ગાળામાં કોઈના પતંગનો દોર આવી ગયો છે. હું પક્ષીઓની હેલ્પલાઇનને ફોન કરું છું.’ કૃપાલીએ પતંગની ફિરકીને અગાસીના ખૂણે એક પથ્થર નીચે દબાવી દીધી અને મોબાઈલ લઈને પક્ષી હેલ્પલાઇનને ફોન ડાયલ કર્યો. થોડીવારમાં કોઈએ ફોન ઉપાડ્યો એટલે પોતાનું એડ્રેસ આપ્યું અને કબૂતર ઘાયલ થયું છે તે જણાવ્યું.

‘હમણાં આવશે એ લોકો અને આ કબૂતરને સારવાર માટે લઇ જશે.’ કૃપાલીએ મમ્મી અને અશ્વિનને કહ્યું.

અશ્વિન અને તેની મમ્મી કબૂતર પાસે પહોંચી ગયા હતા. તડફડતા કબૂતરને જોઈને અશ્વિનનો ચેહરો ફિક્કો પડી ગયો હતો અને તેનું મોં રડવા જેવું થઇ ગયું હતું. નાના બાળકથી એ મૂંગા પક્ષીનું દર્દ જોવાતું નહોતું.

‘દીદી, આપણા પતંગથી પણ કબૂતરને દુખે?’ અશ્વિને દર્દભર્યા અવાજે પૂછ્યું.

‘હા, આપણા દોરમાં આવી જાય તો પણ કોઈ પક્ષી ઘાયલ થઇ શકે.’ કૃપાલીએ કબૂતરને પોતાના હાથમાં ઉપાડ્યું અને તેના પણ હાથ ફેરવતા કહ્યું.

‘તો આપણે હવે પતંગ નહિ ઉડાડીએ દીદી. જુઓને તેને કેટલું દુખે છે.’ અશ્વિને કૃપાલીના હાથમાં પકડેલા કબૂતરને કરુણાભરી નજરે જોતા પોતાનો નિર્ણય સંભળાવ્યો.

‘હા અશ્વિન, આપણે હવે પતંગ નહિ ઉડાવીએ. જા આપણો પતંગ ખેંચી લે આકાશમાંથી પછી આપણે જાતે જ આ કબૂતરને લઈને દવાખાને જઈશું.’ કૃપાલીના હૃદયમાં પણ કરુણાનો સાગર છલકાઈ રહ્યો હતો.

બંને બાળકોની દયાભાવના જોઈને તેમની મમ્મીની આંખો ખુશીથી ભરાઈ આવી.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]