એકલતા આટલી ખરાબ હોઈ શકે તે પ્રમોદરાયે ક્યારેય વિચાર્યું નહોતું

પ્રમોદરાય ગામની પ્રાથમિક શાળામાં પટ્ટાવાળાની નોકરી કરીને નિવૃત થયા તેણે દશ વરસ થઇ ગયા હતા. સીતેર વર્ષની ઉંમરે તેમનું શરીર જિર્ણ થઇ ગયું હતું અને કમરે હાથ દઈને ચાલવું પડતું. આંખોએ જાડા કાંચના ચશ્મા આવી ગયેલા.

શાળામાં નોકરી કરતા ત્યારે રોજ રાખોડી રંગના અડધી બાયવાળો શર્ટ અને પેન્ટના યુનિફોર્મમાં સજ્જ રહેતા. એકવીસ વર્ષની ઉંમરે નોકરીએ લાગ્યા ત્યારથી લગભગ ચાલીશ વર્ષની નોકરી કરીને નિવૃત થયા ત્યાં સુધી રોજ તેઓએ રાખોડી યુનિફોર્મ પહેરેલો એટલે એ જાણે તેમના શરીરનો ભાગ બની ગયો હોય તેમ તેઓ હંમેશા જ પોતાના પોશાક તરીકે પહેરતા. તે જ તેમની ઓળખ બની ગયેલો. જેમ વેપારી હંમેશા સફેદ લેંઘો અને ઝભ્ભો પહેરે, જેમ પૂજારી ધોતિયું જ પહેરે અને સાધુ ભાગવા વસ્ત્ર જ પહેરે તેમ પ્રમોદરાયે રાખોડી રંગના શાળાના યુનિફૉર્મને અપનાવી લીધેલો.

તેમને એક પુત્રી હતી જેને ઘણા વર્ષો પહેલા પરણાવી દીધેલી. પત્ની પણ ચારેક વર્ષ પહેલા તેમને એકલા છોડીને વિદાઈ લઇ ચુકી હતી. હવે આખરે એકલવાયું જીવન જીવતા પ્રમોદરાય સવારથી સાંજ સુધી પોતાના રાખોડી રંગના કપડામાં તૈયાર થઈને ઘરનું કામકાજ પતાવતા, છાપું વાંચતા અને સવારે અગિયાર વાગ્યે ગામના ચોકમાં મિત્રો સાથે બેસવા જતા રહેતા. બપોરે પાછા આવીને ભોજન પતાવી બે કલાક આરામ કરતા. પછી થોડું ઘણું ઘરનું કામ કરે અને ફરીથી સાંજે છ વાગ્યે મંદિરે જાય. એક કલાક ત્યાં વિતાવીને સાંજે પાછા ફરે.

ગામના દરેક પરિવારના લોકો તેને ઓળખે. દરેકે દરેક છોકરાને તેમણે શાળામાં જોયેલો અને નાના બાળક હતા ત્યારે તેમણે ક્યારેક ને ક્યારેક મદદ કરેલી. કયો છોકરો તોફાની હતો અને કોણ ડરપોક હતો, કોણ પરીક્ષામાં કોપી કરતુ અને કોણ ભણવામાં હોશિયાર હતું એ બધી જ ખબર પ્રમોદરાયને હતી. કેટલાય લોકોના બાળપણના હાસ્યાસ્પદ કિસ્સાઓ તેઓ જાણતા હતા.

ક્યારેક લોકો સાથે બેઠા હોય અને વાતોએ ચડે ત્યારે પોતાના ચાલીશ વર્ષની નોકરીના સમયમાં બનેલ કેટલીય રસપ્રદ ઘટનાઓ કહેતા. પ્રમોદરાય ક્યારેય કોઈનું દિલ દુભાય તેવું ન બોલતા અને હાસ્ય તો હંમેશા જ તેમના ચેહરા પર રહેતું. તેમના નિખાલસ સ્વાભવ અને મમત્વને કારણે સૌ તેમને આદરથી બોલાવતા.

છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રમોદરાયનું શરીર તૂટી રહ્યું હતું અને હાથ-પગના સાંધામાં દુખાવો થતો હતો. તેને કારણે તેઓ ઘરમાંથી બહાર ગયા નહોતા અને કોરોનાના ડરને કારણે તેમને પોતાની અને બીજાની કાળજી રાખીને દુખાવો ન જાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું વિચારેલું. સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ પુરા કરી, છાપું લઈને તેઓ પોતાના ઘરમાં જ આરામ ખુરશી પર બેઠા. રવિવારનો દિવસ હતો એટલે છાપામાં સ્પેશ્યલ પૂરતી આવેલી. તેમાંથી પ્રમોદરાયે પોતાની મનપસંદ કટાર વાંચી લીધી હતી અને હવે તેઓ આંખો બંધ કરીને શાંત ચિતે બેઠા હતા.

થોડીવાર પોતાના જુના દિવસોને યાદ કર્યા અને શાળામાં કેવા બાળકોના કિકિયારા સાંભળવા મળતા, હેડ માસ્ટર તેમને કેવા સમ્માનથી બોલાવતા અને બધા શિક્ષકો પણ તેને કેટલો આદર કરતા. પટ્ટાવાળાની નોકરી હતી પરંતુ તેમને ક્યારેય નાનપ લાગી નહોતી. ગામના સૌનો પ્રેમ પર અપાર મળેલો. પરંતુ હવે છેલ્લા ચારેક વર્ષથી વનિતાના ગયા પછી બહુ એકલું એકલું લાગતું હતું.

દીકરી પોતાના ઘરે સુખી હતી તે વાતથી પ્રમોદરાયના મનને શાંતિ વળતી પરંતુ તેમના ઘરમાં કોઈ નહોતું તે હકીકતથી તેઓ વાકેફ હતા. ગામમાં જાય તોય કેટલીવાર જાય. વળી આ કોરોનાએ તેમના કેટલાય મિત્રોને ભરખી લીધા હતા અને કેટલાય તો ઉંમરને કારણે પણ ધીમે ધીમે કરીને આ દુનિયાથી વિદાય લઇ ચુક્યા હતા. એક ભાનુભાઇ હતા જે તેમનાથી બે વર્ષ મોટા હોવા છતાં હજીય હાલી-ચાલી શકતા હતા પરંતુ કોરોનાને કારણે તેમના છોકરા પણ તેમને બહાર નીકળવાની ના પડતા હતા. એકલતા આટલી ખરાબ હોઈ શકે તે પ્રમોદરાયે ક્યારેય વિચાર્યું નહોતું.

આવા વિચારો કરતા કરતા તેઓ આંખો મીંચીને આરામખુરશીમાં બેઠા હતા ત્યાં તો દરવાજે ટકોર થઇ.

‘મારા ઘરે કોણ આવે?’ તેમને આશ્ચર્ય થયું. કદાચ ભૂલથી કોઈએ ખખડાવ્યું હશે તેવું વિચારીને તેમણે ટકોરને અવગણી પણ ત્યાં તો ફરીથી કોઈએ બે વાર ટકોરા માર્યા. પ્રમોદરાય હળવેકથી ખુરશી પરથી ઉઠ્યા. ઘૂંટણમાં કડાકો થયો અને શરીરના એક એક અંગની મહેનત પડતી હોય તેમ લાગ્યું. પ્રયત્ન કરી કરીને એક એક ડગલું આગળ વધ્યા અને થોડીવારે દરવાજે પહોંચ્યા. ‘કોણ છે?’ પૂછીને જવાબની રાહ જોયા વિના તેઓએ દરવાજો ખોલ્યો.

‘હેપ્પી ફાધર્સ ડે’ સમૂહમાં અવાજ આવ્યો.

દરવાજાની બહાર છ-સાત આધેડ ઉંમરના યુવાનો એક કેક લઈને આવેલા.

‘કાકા, કેક લાવ્યા છીએ તમારા માટે. આજે ફાધર્સ ડે છે. તમે આમ તો અમારા પિતા જેવા જ કહેવાઓ ‘ને. અમને થયું આજે અમે ભેગા મળીને તમારી સાથે ફાધર્સ ડે ઉજવીયે.’ મહેશે બધાના વતી રજુઆત કરી. મહેશ પાંચ ઘર છોડીને પ્રમોદરાયની શેરીમાં જ રહેતો હતો અને તેમની શાળામાં જ ભણેલો. અત્યારે તે બેંકમાં નોકરી કરતો હતો. બીજા બધા પણ તેના ગામના યુવાનો હતા જે પ્રમોદરાયને નિયમિત ગામમાં મળી જતા.

‘ફાધર્સ ડે? એ તે વળી શું છે?’ પ્રમોદરાયને થોડી ખબર તો હતી કે આ કૈંક નવા વિદેશી તહેવારો છે પણ કોઈએ તેમની સાથે ક્યારેય ફાધર્સ ડે ઉજવ્યો નહોતો.

‘કઈ નહિ કાકા, આજે રવિવાર છે અને છાપામાં બધેય ફાધર્સ ડે ફાધર્સ ડે થાય છે તો અમને થયું કે તમને કેક ખવડાવીએ. નાના હતા ત્યારે શાળામાં જન્મદિવસની કેક ખવડાવતા’તાને તમને. હવે ઘણા વર્ષોથી આપણે સાથે કેક ખાધી જ નહોતી, તો અમને થયું સાથે કેક ખાઈએ.’ બોલતા સાતેય જણા પ્રમોદરાયના ઘરની અંદર આવી ગયા.

પ્રમોદરાયનો ચેહરો મલકાયો અને તેમના કદમમાં સ્ફૂર્તિ આવી ગઈ. તેઓ આરામખુરશીમાં ટટ્ટાર થઈને બેઠા અને કેક કાપવા માટે તૈયાર થઇ ગયા.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)