હસમુખભાઈ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં ચોળાયેલા ત્રણ કાગળ હતા

હસમુખભાઈ મિટિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે બીજા બધા કર્મચારીઓ ત્યાં પહેલાથી જ આવી ચુક્યા હતા અને મેનેજરે

મિટિંગ શરુ પણ કરી દીધી હતી. સૌથી મોડા આવનાર હસમુખભાઈ સામે મેનેજરે તીખી નજરે જોયું.

હસમુખભાઈએ ગઈ રાત્રે એક મોટિવેશનલ આર્ટિકલ વાંચ્યા બાદ નિર્ણય કરી લીધો હતો કે હવે તેઓ હંમેશા આત્મવિશ્વાસ અને સ્વમાનથી જ જીવન જીવશે એટલે તેમણે બોસની ઠપકાભરી નજરને ગણકાર્યા વિના પોતાની બેઠક ગ્રહણ કરી અને ચેહરા પર ગૌરવભર્યું સ્મિત લાવીને સૌને ગુડ મોર્નિંગ કહ્યું.

હસમુખભાઈએ નોંધ લીધી કે તેમના ગુડ મોર્નિંગનો જવાબ આપવામાં લોકો અચકાતા હતા એટલે કેટલાક લોકોએ કશું સાંભળ્યું જ ન હોય તે રીતે બીજી તરફ આંખ ફેરવી લીધી અને એકાદ બે સભ્યો કે જેની નજર હસમુખભાઈ સાથે મળી ગઈ હતી તેમણે માત્ર માથું ઝુકાવીને પતાવી દીધું.

હસમુખભાઈ એ વાત સમજી ગયા કે મિટિંગની વચ્ચે પોતે આવ્યા તેથી કામકાજની વાતમાં દખલ થઇ તેવું મેનેજર વિચારશે તેના ભયે જ લોકો ખુલીને તેમને આવકારી શકતા નથી. તેમની અંદર ઉપજેલા આ જ્ઞાન અને મિટિંગમાં બેઠલા લોકોના માથે રહેલા મંડારી રહેલા ભય વિશેની તેમની સમજથી પોતે ખુબ ખુશ થયા અને જીવનની વાસ્તવિકતાને પામી ગયાનો સંતોષ અનુભવવાથી તેમના ચેહરા પરનું સ્મિત વધારે સ્પષ્ટ બન્યું.

‘ગુડ મોર્નિંગ, મેનેજર સાહેબ. મિટિંગ આગળ ચલાવો.’ હસમુખભાઈએ આત્મવિશ્વાસપૂર્ણ અવાજે અને સ્મિતભર્યા ચેહરે મેનેજરને કહ્યું. કેટલાક લોકોએ નીચું જોઈને હસી લીધું અને કેટલાકે માથું કૂટ્યું.

‘હા હસમુખભાઈ, આપ પધારી ચુક્યા છો તો હવે મીટીંગને આગળ વધારી શકીએ. ખુબ આભાર આપનો કે મિટિંગ પુરી થતા પહેલા આપ આવી ગયા. હવે કામ શરુ કરીએ?’ મેનેજરના અવાજમાં અણગમો અને કટાક્ષ અછતા રહે તેમ નહોતા પરંતુ હસમુખભાઈને શબ્દોના અર્થ સિવાય બીજું કઈ સમજવાની ચિંતા નહોતી.

‘ચોક્કસ. મેં વિચાર્યું કે આજે મિટિંગમાં હું આપની સમક્ષ કેટલાક પ્રસ્તાવ મુકીશ એટલે થોડો જલ્દી આવ્યો છું.’ હસમુખભાઈએ દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું.

‘ચોક્કસ. પહેલા આપણે મીટીંગનો એજન્ડા પૂરો કરી લઈએ પછી આપના પ્રસ્તાવ પર આવીએ?’ મેનેજરે પૂછ્યું.

‘હા, વાંધો નહિ. ચલાવો તમે તમારે.’ પોતે આપેલી સહમતીથી મેનેજર કૃતજ્ઞતા અનુભવી રહ્યા હતા તે હસમુખભાઈ જોઈ શક્યા.

‘તો જેમ આપણે વાત કરી રહ્યા હતા તેમ ઓફિસમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા અને બધા કર્મચારીઓના ઓફિસ ટાઈમ અંગે રેકોર્ડ રાખવા બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી શકાય. કામ પર આવે ત્યારે વ્યક્તિએ પોતાના અંગુઠાની છાપથી એન્ટ્રી કરવાની અને જાય ત્યારે એક્ઝીટ કરવાની. તેનાથી કર્મચારીનો આવવા જવાનો સમય રેકોર્ડ થઇ જશે અને તેના બદલે બીજું કોઈ હાજરી પણ નહિ પુરાવી શકે.’ મેનેજરે વાત આગળ ચલાવી. બે-ત્રણ માથા સહમતીમાં હલ્યા અને એક-બે કર્મચારીઓએ હાથ ઊંચો કરી બોલવાની સહમતી માંગી.

મેનેજરે એક કર્મચારી તરફ જોઈને કહ્યું, ‘હા સરલાબેન, બોલો આપનું શું કહેવું છે?’

‘સાહેબ, સરલાબેન બોલે એ પહેલા હું એવું કહેવા માંગુ છું કે…’ હસમુખભાઈએ વચ્ચે જ બોલવાનું શરુ કર્યું.

‘હા હસમુખભાઈ, જો તમારે કઈ પણ કહેવાનું હોય તો તમે સૌથી પહેલા બોલો.’ હસમુખભાઈ જોઈ શક્યા કે મેનેજર ખુબ આતુર હતા.

‘મારુ કહેવું એવું છે કે આપણે ઓફિસમાં જે બાયોમેટ્રિક રાખીએ છીએ તે સૌના ઘરે પણ લગાવી દઈએ.’

‘તેનાથી શું ફાયદો હસમુખભાઈ?’ હસમુખભાઈ એ જોઈને ખુશ થયા કે મેનેજર સહીત બીજા લોકોના મનમાં પણ આ પ્રશ્ન ઉભો થયો હતો અને સૌ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા હતા.


‘જેથી તેઓ ઘરેથી નીકળે તેનો સમય પણ નોંધાઈ જાય અને પાછા ઘરે પહોંચે તેનો સમય પણ નોંધાઈ જાય.’ હસમુખભાઈએ સમજાવ્યું.’ઓહ આઈ સી. ખુબ સરસ સૂચન છે હસમુખભાઈ પણ ઘરેથી આવવા જવાનો સમય પણ આપણે ઓફિસના રેકોર્ડમાં રાખવાનો?’ હસમુખભાઈ જોઈ શક્યા કે જિજ્ઞાસુ બનેલા મેનેજરે વધારે જાણવાની ઈચ્છા દર્શાવી હતી.

‘ના, એનો રેકોર્ડ આપણે રાખવાની જરૂર નહિ. એ તો સૌ પોતપોતાની રીતે રાખવો હોય તો રાખે.’

‘વાહ, ખુબ સરસ. બીજું પણ કઈ સૂચન છે હસમુખભાઈ?’

‘હા, મને લાગે છે કે આપણે સૌને જીપીએસ વાળી એક એક ઘડિયાળ પણ આપી શકીએ જેથી તેઓ ક્યારે ક્યાં ગયા હતા તેનો પણ રેકોર્ડ રહે.’ હસમુખભાઈએ પોતાના ફળદ્રુપ મગજમાં આવી રહેલા આઈડિયા કંપનીના હિત માટે સમર્પિત કર્યા.

‘ઓહ. એ પણ ખુબ સારું સૂચન છે હસમુખભાઈ, તેનાથી તો આપણે કર્મચારીઓ પર ચોવીસેય કલાક નજર રાખી શકીએ.’ મેનેજરે ખુશ થતા કહ્યું.

‘ના સાહેબ, નજર નહિ રાખી શકાય. તેના માટે મારુ સૂચન એવું છે કે આપણે તેમણે એક એક ટોપી આપીએ અને તેમાં માઈક્રો કેમેરા ફિટ કરાવીએ જેથી નજર પણ રાખી શકાય.’ હસમુખભાઈએ મેનેજરની સમસ્યા ઉકેલી આપી.

‘વાહ વાહ હસમુખભાઈ. હવે તમે પોતાના ટેબલ પર જઈને મહેરબાની કરીને અહીં રજુ કરેલા વિચારો પર એક પ્રપોઝલ બનાવી આપો એટલે હું હેડક્વાર્ટર મોકલી આપું. ત્યાં સુધીમાં હું મિટિંગ આગળ ચલાવીને તમારા સૂચનો પર વધારે વિચાર વિમર્શ કરી લઉં. ઉપરાંત હું એવી અરજી પણ કરીશ કે તમને પ્રમોશન આપીને ડેપ્યુટી મેનેજરનો દરજ્જો આપવામાં આવે જેથી આ પ્રપોઝલને અમલમાં મૂકી શકાય.’ મેનેજરે વિનંતી કરતા કહ્યું.

‘હા હા ચોક્કસ. હમણાં બનાવી આપું તમને પ્રપોઝલ.’ કહેતા હસમુખભાઈ મીટિંગરૂમમાંથી બહાર નીકળીને પોતાના ટેબલ પર ગયા.

બે કલાક પછી હસમુખભાઈ ત્રણ પાનાંનું પ્રપોઝલ લઈને મેનેજરના રૂમમાં પ્રવેશ્યા.

‘હા બોલો શું હતું હસમુખભાઈ?’ મેનેજરે પૂછ્યું.

હસમુખભાઈએ શબ્દો વેડફ્યા વિના ઉત્સાહભેર હાથ લંબાવીને ત્રણેય પાનાં મેનેજરના હાથમાં મૂક્યાં.

મેનેજરે એક પછી એક ત્રણેય પાનાં પર નજર ફેરવી અને બે મિનિટ પછી તેમની ઓફિસમાંથી આવતો અવાજ બહારના લોકો સાંભળી રહ્યા હતા.

‘આર યુ એન ઇડિયટ? શું છે આ બધું? કર્મચારીઓને ઘરે બાયોમેટ્રિક, કાંડામાં જીપીએસ અને માથે માઈક્રો કેમેરા? આવા આઈડિયા તમને આવે છે ક્યાંથી? પહેલા તો તમે મને એ કહો કે આજે મિટિંગમાં કેમ ન આવ્યા? અને આ બધા તુઘલકી આઈડિયામાં ઓફિસનો સમય અને કાગળ વેસ્ટ કરો છો તમે?’

હસમુખભાઈ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં ચોળાયેલા ત્રણ કાગળ હતા અને ચેહરા પર એ વાતની ચિંતા હતી કે મેનેજર મિટિંગમાં તો સમજદારીપૂર્ણ વાત કરી રહ્યા હતા તો હવે તેનું માનસિકસ્તર આટલું નીચે કેમ જતું રહ્યું. આ વિચાર કરતા કરતા તેઓ પોતાના ટેબલ પર પાછા ફરી રહ્યા હતા ત્યારે મેનેજરનો પટાવાળો કહી રહ્યો હતો, ‘હસમુખભાઈ પાછા મુંગેરીલાલ કે હસીન સપનેમાં ખોવાઈ ગયા લાગે છે. આજે મિટિંગમાં પણ નહોતા ગયા.’

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)