યતીને પણ હવે યામિની થી અલગ થવાનું નક્કી કરી દીધું હતું

‘યતીન મને નથી લાગતું કે હવે આપણે વધારે સમય સાથે રહી શકીએ.’ યામિનીએ કાફેટેરિયાના મેનુ પર નજર નાખતા કહ્યું.

‘અચાનક તને શું થઇ ગયું છે યામિની? અત્યાર સુધી તો આપણે સાથે રહેવાના સપના જોતા હતા. આવતા વર્ષે તો આપણે લગ્ન કરવાનો પ્લાન હતો. હવે તું આવું શા માટે બોલે છે?’ યતીનની નજર યામિનીના ચેહરા પર ચોંટેલી હતી. વાંકડિયા લાંબા વાળ, તીક્ષ્ણ આંખો, ગ્લોસી લિપસ્ટિકથી ચમકી રહેલા લાલ હોઠ અને અણિયાળું નાક. તેને જયારે પહેલીવાર યામિની મળી ત્યારે યતીને પોતાના કલ્પનાની માલિકને થોડી વધારે સારી બનાવવી પડી હતી કેમ કે યામિની તો પોતે વિચાર્યું હતું તેના કરતા ઘણી વધારે સુંદર હતી.

‘આજે અચાનક કંઈ નથી થયું યતીન. ઘણા દિવસથી હું તને કહેવા ઇચ્છતી હતી પરંતુ મને સમજાતું નહોતું કે કેવી રીતે વાત કરું.’ યામિનીની નજર હજી પણ મેનુ પર જ હતી. તે અંગેની ફેરવીને એક પછી એક વસ્તુઓને વાંચી રહી હતી – કેમ કે તે જે કઈ ખાઈ તેના ઇન્ગ્રેડીએંટ અને કેલરી બરાબર સમજીને જ નિર્ણય કરે. એટલે જ તે આટલી ફિટ રહેતી.

‘પહેલા તો તે મને ક્યારેય કંઈ કહ્યું નહિ અને કારણ શું છે એ તો કહે. આમ અચાનક આવી વાતો ન કર.’ યતીને યામિનીનો ચેહરો આંગળીથી ઉપર કરતા કહ્યું. યામિનીએ યતીનની આંખમાં જોયું અને હળવું સ્મિત કર્યું. યતીનની આંખો થોડી ચમકી પણ તરત જ બીજી ક્ષણે તેમાં ઝરમરિયા આવી ગયા. એ યામિની જેને તેણે દિલોજાનથી ચાહી હોય તે આ રીતે છોડી જશે તેવું યતીને ક્યારેય સપનામાં એય વિચાર્યું નહોતું.

‘આઈ એમ સોરી યતીન. મેં આ નિર્ણય સમજી વિચારી ને જ લીધો છે. હવે હું તે નહિ બદલી શકું. તું કોફી પી, હું જાઉં છું. મને લાગે છે તારે થોડીવાર એકલા રહેવું જોઈએ. સમય સાથે તું મને ભૂલી જઈશ અને જીવનમાં તને બીજું કોઈ સારું મળી જશે.’ યામિનીએ યતિનને ઈમોશનલ થતો જોયો એટલે તેને લાગ્યું કે નાહકની કોઈ બોલચાલ થાય કે રોતલવેડા થાય એના કરતા અહીંથી નીકળી જવું સારું. તે પહેલાથી જ પ્રેક્ટિકલ હતી અને તે વાત યતીન જાણતો હતી.

‘બેસ તો ખરા. આપણે વાત કરીને નિકાલ લાવી દઈશું.’ આ બોલતા યતિનના ગળે ડૂમો બંધાઈ ગયો હતો પરંતુ તેની પરવા કર્યા વિના જ યામિની કાફેટેરિયાથી બહાર જવા ચાલી નીકળી હતી.

યતીન તેની ભીની આંખોથી હરણીની માફક સડસડાટ ચાલી ગયેલી યામિનીને જોતો રહ્યો અને પછી ખબર નહિ ક્યારે સુધી ત્યાં જ કાફેટેરિયામાં બેસીને તે પોતાના અને યામિનીના સંબંધ વિશે વિચારતો રહ્યો.

બે દિવસ પછી યતીન તેનો મિત્ર સૌરભ સાથે ફરીથી એજ કાફેટેરિયામાં બેઠો હતો. બંનેએ કોફી અને સેન્ડવીચ ઓર્ડર કર્યા હતા જે વેઈટરે હમણાં જ ટેબલ પર મુકેલા. યતીને પોતાનો કોફીનો કપ ઉઠાવ્યો અને સૌરભની વાત સાંભળી રહ્યો.

‘હું તને પહેલાથી જ કહેતો હતો ને કે યામિની તારી સાથે નહિ ટકે. એના મોજશોખ જો, એનો સ્વભાવ જો. કેટલી મોડર્ન અને ખુલ્લા વિચારોની છોકરી છે એ. અને તું રહ્યો સાદો માણસ. સારો બિઝનેસ કરી જાણે અને પૈસા કમાઈ જાણે. આવી છોકરીઓને આપણા જેવા લોકો સાથે ન ફાવે યતીન. એ તો મોડી રાત સુધી પાર્ટી કરવા વાળા લોકો છે. ખબર નહિ તું તેમના ચક્કરમાં કેમ આવી ગયો.’ સૌરભે સેન્ડવીચ હાથમાં પકડી રાખી હતી. પોતાની વાત પુરી કરીને યતિનના જવાબની રાહ જોતા તેને એક ખૂણેથી સેન્ડવીચનું એક બટકું ભર્યું.

‘એ તો મારી સાથે ખુશ હતી. હું પણ ધીમે ધીમે એ બધું શીખવા માંડેલો. અચાનક જ એણે કયા મને આ નિર્યણ લીધો એ મને ખબર નથી. આઈ હોપ એ પાછી આવી જશે.’ યતીને કોફીનો ઘૂંટ ભર્યો.

‘અચાનક નહિ, કેટલાય દિવસથી તો એ પેલા ગુજરાતી ફિલ્મના હીરો સાથે ફરતી હતી. તારી આંખો અંજાયેલી છે એટલે તને એ ન દેખાય. બધાને એ વાતની ખબર હતી.’

‘હા, પણ એ બંનેની વચ્ચે એવું કઈ નહોતું.’

‘કાલે પણ મેં તેમને બંનેને સાથે ફરતા જોયા હતા. પેલા ફાર્મ હાઉસની પાર્ટીમાં ગયા હતા. તને પણ ઇન્વિટેશન તો હતું ને પણ તું દેવદાસ બનીને કોફીના ઘૂંટ મારતો હોય છે ત્યારે તેઓ મસ્તી મારતા હોય છે.’ સૌરભે જરા તિરસ્કારથી કહ્યું.

‘તો તને પુરી ખાતરી છે કે યામિનીએ મને બીજા કોઈ છોકરા માટે છોડ્યો છે?’

‘હા, અને તે પણ એ પેલા ફિલ્મી હીરો માટે જ. દેખાવડો છે, હેન્ડસમ છે. ખોટું ન લગાડતો પણ તું અને હું તો દેખાવે તદ્દન સામાન્ય છીએ. યામિની પોતે પણ આવી ટીપટોપ છે તો ચોક્કસ તેને પણ એવા હેન્ડસમ છોકરા જ ગમે ને.’ સૌરભે યતીનને વાત વધારે સારી રીતે સમજાવવાની કોશિશ કરી જેથી તે ખોટી આશા ન રાખે કે યામિની પાછી આવશે.

‘તો મારે હવે પેલા સેટેલાઇટ વાળા ફ્લેટનું શું કરવું? અને ગાડી?’ યતીને પૂછ્યું.

‘એ ફ્લેટ તો યામિનીનો છે ને? અને ગાડીયે એની જ છે.’

‘હા, પણ તેના બંનેના ડાઉન પેમેન્ટ મેં જ કર્યા છે અને હપ્તા પણ હું જ ભરું છું.’

‘શું? ગાંડો થયો છે તું? એ છોકરી માટે તે એટલા પૈસા વેડફ્યા? એ તો લૂંટી ગઈ તને.’ સૌરભ ખુરશીમાંથી લગભગ ઉભો જ થઇ ગયો.

‘શાંતિથી બેસ. કઈંક રસ્તો કાઢીશું. હવે છોકરી ગઈ છે તો પૈસા તો નહિ જ જવા દઉં.’ યતીને દાંત ભીંસ્યાં.

‘કોના નામે છે એ ગાડી અને ફ્લેટ બંને?’ સૌરભે પૂછ્યું.

‘મારા નામે. લગ્ન પછી સાથે રહીશું એવું વિચારીને એ ફ્લેટ લીધેલો અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી યામિની રહેશે એવું વિચારેલું.’

‘થેન્ક ગોડ. એટલું તો ભેજું વાપર્યું તે. ચાલ આપણે મનનને પૂછીએ. એ વકીલ છે ને, રસ્તો કાઢી આપશે.’

પંદર દિવસ પછી કાફેટેરિયામાં યતીન અને યામિની સાથે બેઠા હતા. ટેબલ પર બે કોફી પડી હતી.

‘યતીન, મને લાગે છે કે હું પણ તારા વિના નહિ રહી શકું. આપણે અલગ ન થવું જોઈએ.’ યામિનીએ કહ્યું. તેની આંખો યતિનના ચેહરા પર સ્થિત હતી જયારે યતીન કોફીનો ઘૂંટ ભરી રહ્યો હતો.

‘ના યામિની, મેં બહુ વિચાર્યું તારા ગયા પછી. હું એકેય રીતે તને લાયક નથી. તું આવી પરી જેવી સુંદર અને હું એક સામાન્ય દેખાવનો માણસ. આપણી જોડી પણ ન જામે. સારું થયું તે જ મારી આંખો ખોલી દીધી. હું તો પ્રેમમાં આંધળો થઇ ગયેલો.’

‘પણ આ ફ્લેટ અને ગાડીના પઝેશનની નોટિસ?’

‘ઉતાવળ નથી. એકાદ મહિનામાં શોધી લેજે અને તને અહીંથી હું ડ્રોપ કરી દઈશ ફ્લેટ પર. ના ના, ટેક્ષી બુક કરી દઈશ. હું ફરીથી એ ફ્લેટ પર આવીશ અને તું પણ ત્યાં હોઈશ તો નાહકનું હૈયું ઘવાશે. તું ટેક્ષીમાં જતી રહેજે.’

‘મને નથી ગમતું તારાથી દૂર રહીને યતીન. આપણે શા માટે ફરીથી એક ન થઇ શકીએ?’

‘પણ મને હવે મારી પોતાની સાથે ગમવા લાગ્યું છે. મને ચાલી જશે.’ યતીને ખુમારીથી કોફીનો ઘૂંટ ભર્યો અને વેઈટરને બિલ માટે બોલાવ્યો. યામિનીની કોફી હજી પુરી થઇ નહોતી.