આવી તો કેટલીય મહિલાઓએ પોતાનું કરીઅર છોડ્યું હશે?’ શિલ્પાએ કહ્યું.

‘મેડમ, આ બિઝનેસ પ્રપોઝલ આવ્યું છે એશિયન કાર્ગો એન્ડ કેમિકલ્સમાંથી. તેઓએ આપણા નવા પ્રોજેક્ટ માટે રો મટેરીઅલ સપ્લાઈ કરવાના રેટ આપ્યા છે.’ મેનેજરે અંજલિને કાગળ ટેબલ પર મૂકતા કહ્યું.

રિજેક્ટ ઈટ.’ અંજલિએ કાગળ જોયા વિના જ પાછા ધકેલી દીધા.

‘મેડમ, પણ આ કંપનીએ સૌથી વધારે આકર્ષક દરે મટીરીઅલ સપ્લાઈ કરવાની ઓફર આપી છે.’ મેનેજર ફરીથી કાગળ અંજલિ તરફ આગળ કર્યા.

‘આઈ સેઈડ નો. આર્ગ્યુમેન્ટ ન જોઈએ. બીજી કંપનીઓ પાસેથી ભાવ મંગાવો અને થોડો ઘણો વધારે આપવો પડે તો પણ વાંધો નહિ.’ અંજલિએ મક્કમતાથી અને થોડી ઓથોરિટી બતાવતા કહી દીધું એટલે મેનેજરે કાગળ ઉઠાવીને પોતાના ફોલ્ડરમાં મૂકી દીધા. ‘ઓકે મેડમ.’ કહીને તે ઓફિસની બહાર નીકળી ગયો.

મેનેજરના ગયા બાદ અંજલિ વિચારોમાં ખોવાઈ ગઈ. તેની નજર સામે એ બધી ઘટના તરી આવી કે અંજલિ એન્ડ કન્સ્ટ્રક્શન કંપની આમ તો માત્ર બાર વર્ષથી જ માર્કેટમાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં તેનું ટર્ન ઓવર ત્રણ સો કરોડને પાર કરી ગયું હતું. અંજલિએ જાતે જ આ કંપનીની શરૂઆત આજથી બાર વર્ષ પહેલા કરેલી.

આજે જેને બિઝનેસની દુનિયામાં પ્રેરણાસ્પદ યુવાન એન્ટરપ્રીનીયોર માનવામાં આવતી હતી તે અંજલિ પંદર વર્ષ પહેલા મુંબઈ આવી ત્યારે તેને કોઈ ઓળખાતું પણ નહોતું. આર્કિટેક્ટનો અભ્યાસ કરીને તે ગુજરાતના નાના ગામથી મુંબઈ નોકરીની શોધમાં આવી હતી અને ત્રણ વર્ષ બાદ તેને પોતાની નાની કંપની શરુ કરેલી જે કન્સલ્ટન્સીના નાના નાના પ્રોજેક્ટ લેતી હતી.

‘મેય આઈ કામ ઈન?’ દરવાજા પર થયેલી ટકોરથી અંજલીના વિચારોની હારમાળા તૂટી અને તેણે કહ્યું, ‘યસ પ્લીઝ.’

‘અંજલિ, શું કરે છે?’

‘ઓહ શિલ્પા તું? આવ.’ અંજલિએ શિલ્પાને આવકારતા કહ્યું.

શિલ્પા અંજલિની ઓફિસમાં સૌથી સીનીઅર આર્કિટેક્ટ હતી.

‘યાર મગજ ખરાબ થઇ ગયો છે. સારું થયું તું આવી. એક એક કપ ચા પી લઈએ.’ અંજલિએ શિલ્પાને કહેતા ઇન્ટરકોમથી બે ચા લાવવા તેના પ્યુનને કહ્યું.

‘શું થઇ ગયું આજે તને?’

‘પેલો પંડિત મટીરીઅલ પરચેઝ માટે પ્રોપોઝલ લાવેલો…’

‘હા તો?’

‘એશિયન કાર્ગો એન્ડ કેમિકલ્સનું.’

‘ઓહ, ચાલ જવા દે. હું હેન્ડલ કરી લઈશ. અને તું હવે ભૂલ બધું. કશ્યપ સાથે બિઝનેસ તો નહિ જ કરીએ પરંતુ તેના નામથી તું આટલી અપસેટ ન થા. તારો જ મૂડ ખરાબ થાય છે ને?’ શિલ્પાએ સહાનુભૂતિ દર્શાવતા તેણે સમજાવી.

‘હા, એ તો ખરું પણ મારાથી એ બધું ભૂલી શકાય તેમ નથી.’

‘અંજલિ, યુ નો. કોર્પોરેટ વર્લ્ડ એવું જ છે. કેટલાય લોકો એ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. પરંતુ ઉપકાર માન ભગવાનનો કે આજે તું અહીં પહોંચી ગઈ છો અને ધારી પણ નહોતી તેવી સફળતા મળી છે.

‘હા યાર. ભલું થાય એ પાટીલનું જેણે મને અહીં પહોંચવામાં મદદ કરી.’ અંજલિએ દીવાલ પર લટકાવેલા, સુખડની માળા પહેરાવેલા એક ફોટો તરફ નજર કરી આદરપૂર્વક હાથ જોડતા કહ્યું.

‘હા, પાટીલની મદદ અને તારી મહેનત. બંનેને કારણે તું અહીં પહોંચી છો.’

‘અને તેમાં પહેલા જ દિવસથી તારો સાથ પણ ખુબ મળ્યો છે શિલ્પા. થેન્ક યુ.’

બંનેની વાતો ચાલતી હતી એટલામાં પ્યુન ચા લઈને આવ્યો. બંને ચૂપ થઇ ગયા અને તેના જવાની રાહ જોવા લાગ્યા. પ્યુને ચાના બંને કપ અંજલિ અને શિલ્પાની સામે મુક્યા અને નમસ્તે કરીને જતો રહ્યો.

‘મારો સાથ તો હંમેશા જ તારી સાથે રહેશે અંજલિ. તને તો ખબર છે તારી જેમ જ હું પણ એક વિક્ટિમ જ છું. મને પણ જો તારો સાથ ન મળ્યો હોત તો હું તો જોબ છોડીને ઘરે જ બેસવાની હતી.’ શિલ્પાના ચેહરા પર દર્દ છલકાતું હતું.

‘ક્યારે આ પાવરફુલ લોકો પોતાની ઓથોરિટીનો ફાયદો ઉઠાવવાનું બંધ કરશે? કોણ વિચારી શકે કે આટલી ચળકતી દુનિયાની પાછળ આવા બદદાનત લોકો પણ જીવતા હશે.’ શિલ્પાના શબ્દો તિરસ્કારથી તીખા બની રહ્યા હતા.

‘યુ આર રાઈટ. પણ આપણોએ વાંક તો છે જ ને? આપણે પણ એક્ઝીટ તો લીધી પણ અવાજ ઉઠાવ્યો? બીજી સ્ત્રીઓને કશ્યપ જેવા લોકોનો શિકાર થતા બચાવી?’ શિલ્પાએ પ્રશ્ન કર્યો.

‘તને ખબર છે મેં નોકરી છોડી ત્યારે ઇન્ટરવ્યૂ માટે જે છોકરી આવેલી – પ્રિયંકા – એને મેં એકબાજુ લઇ જઈને કહેલું કે બીજે ક્યાંય મળતી હોય તો આ નોકરી રહેવા દેજે. પણ તેનાથી વધારે હું શું કહેતી?’

‘તેમ છતાંય પ્રિયંકાએ તો એ જ નોકરી જોઈન કરીને? તેને લાગ્યું હશે કે તું કંપની છોડીને જઈ રહી છે એટલે કડવાશને કારણે એવું બોલતી હોઈશ. તેને કારણ તો ખબર નહોતી ને?’

‘હું કેવી રીતે કહેતી તેને કે મારી સાથે શું થયું છે? એ સમય નહોતો એટલું વિચારવાનો.’

‘પણ હવે? હવે તો કૈંક કરી શકાય ને?’ શિલ્પાએ સુઝાવ આપ્યો.

‘હા, હવે તો આપણે કૈંક કરી શકીએ તેમ છીએ. ચાલ પહેલું કામ પ્રિયંકાથી જ કરીએ. નંબર છે એનો?’ શિલ્પાના ચેહરા પર આત્મવિશ્વાસની ચમક આવી હતી.

‘હા, પણ મોબાઈલથી નહિ. સેક્રેટરીને બોલ લેન્ડલાઇનથી લગાવે.’ શિલ્પાએ નંબર આપતા કહ્યું.

‘યસ, યુ આર રાઈટ.’ કહેતા અંજલિએ સેક્રેટરીને ઇન્ટરકોમ પર એ નંબર આપ્યો અને પ્રિયંકા સાથે વાત કરાવવા કહ્યું.

ફોન લાગ્યો અને સેક્રેટરીએ ટ્રાન્સફર કર્યો એટલે અંજલિએ ફોનને સ્પીકર પર રાખીને વાત શરુ કરી.

‘હાઈ પ્રિયંકા, હું અંજલિ બોલું છું.’

‘હાઈ અંજલિ મેડમ.’ સ્પીકર પર થોડી તારેરાટી વાળો અવાજ આવી રહ્યો હતો.

‘એકલી છે? વાત થઇ શકે? આજુબાજુમાં કોઈ છે તો નહિ ને?’

‘નો, આઈ એમ આઉટસાઇડ.’

‘તને યાદ છે હું નોકરી છોડીને નીકળતી હતી અને તું ત્યાં જ ઇન્ટર્યુ આપવા માટે આવેલી. મેં તને સાઈડમાં લઈને કહેલું કે બીજે ક્યાંય મળે તો અહીં નોકરી ન કરતી.’

‘હા યાદ છે પણ હવે ખુબ મોડું થઇ ગયું છે. આઈ હેવ ગોન થ્રુ વર્સ્ટ. ખુબ ખરાબ સ્થિતિમાંથી નીકળી છું.’ પ્રિયંકાના અવાજમાં રહેલું દર્દ અંજલિ અને શિલ્પા બંને સમજી શક્યા.

‘આઈ કેન ઈમેજીન. સોરી મેં તને પહેલા સંપર્ક ન કર્યો પણ જો ત્યાંથી બહાર નીકળવા માંગતી હોય તો આવી જા મારી સાથે.’

‘મેડમ તમને ખબર નહિ હોય પણ અત્યારે બાર વર્ષ થઇ ગયા છે એ વાતને. ત્રણ વર્ષ પછી મને તો કશ્યપે જ જવા માટે કહી દીધેલું અને નવી છોકરીને નોકરીએ રાખેલી.’ પ્રિયંકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

થોડો સમય અંજલિ અને શિલ્પા બંને શાંત રહ્યા. કોઈને સમજાયું નહિ કે શું બોલે.

‘સોરી તો હીર ઈટ. હવે ક્યાં છો?’ અંજલિએ હિમ્મત કરીને પૂછ્યું.

‘હાઉસવાઈફ. હિમ્મત જ ન થઇ બીજે ક્યાંય જવાની.’ હજી પ્રિયંકાના ડુંસકા સંભળાઈ રહ્યા હતા.

‘અહીં આવી જા. આપણે સાથે મળીને કૈંક કરીશું.’

‘થેન્ક યુ મેડમ. કાલે સવારે આવું દશ વાગ્યે?’

‘યસ. સી યુ એટ ટેન.’ કહીને અંજલિએ ફોન મુક્યો.

‘આવી તો કેટલીય મહિલાઓએ પોતાનું કરીઅર છોડ્યું હશે?’ શિલ્પાએ નિઃશાસો નાખતા કહ્યું.

અંજલિ કશું બોલી નહિ.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)